વિશ્વભરમાં 8મી માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી પ્રસંગે અનેકવિધ કાર્યક્રમો યોજાય છે. જેને અનુલક્ષીને નર્મદા જિલ્લા કલેક્ટર શ્વેતા તેવતિયા અને જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નાના માર્ગદર્શન અને જિલ્લા આરોગ્ય અધિકારી ડો. જનકકુમાર માઢકના નેતૃત્વમાં આરોગ્ય વિભાગ દ્વારા સ્વસ્થ મહિલા, સ્વસ્થ ભારત થીમ આધારિત સાયકલ રેલીનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.
આરોગ્ય વિભાગ દ્વારા સમયાંતરે પ્રજાજનોને જાગૃત કરવાના ઉમદા આશય સાથે આવા કાર્યક્રમોનું સુંદર આયોજન થાય છે. જે અન્ય વિભાગો માટે પણ પ્રેરણારૂપ બની રહી છે. જિલ્લા ટી.બી. અધિકારી ડો. ઝંખના વસાવાએ આ રેલીનું પ્રતિનિધિત્વ કરીને અન્ય મહિલાઓને પણ પ્રોત્સાહિત કર્યા હતા. આજે સમાજ, રાજ્ય-રાષ્ટ્રના દરેક ક્ષેત્રે મહિલાઓ પુરુષ સાથે ખભેખબા મેલાવીને આગળ વધી રહી છે. નર્મદા જિલ્લાની મહિલાઓ-દીકરીઓ પણ મહિલા શક્તિથી વાકેફ થઈને આગળ વધવા પ્રેરાય તે માટે યોજાયેલી આ રેલીને નગરજનોએ આવકાર્યો હતો.
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી શા માટે?
નારી ઉત્કર્ષ માટે લોકજાગૃતિ લાવવા, મહિલાઓની સિદ્ધિઓની ઉજવણી, લિંગ સમાનતા, આર્થિક, સામાજિક, શૈક્ષણિક સહિત સામાજિક ઉત્થાનમાં મહિલાઓની ભૂમિકાઓ અને સમાન ભાગીદારીઓને પ્રસ્થાપિત તથા પ્રોત્સાહિત કરવાના ઉમદા આશય સાથે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવાની સત્તાવાર જાહેરાત વર્ષ 1975માં સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા કરાઈ હતી. આ વર્ષની થીમ ડિઝિટ ઓલ ઇનોવેશન એન્ડ ટેક્નોલોજી ફોર જેન્ડર ઇક્વાલિટી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.