નર્મદા જિલ્લાની નાંદોદ વિધાનસભા સીટ પર આ વખતે કાંટાની ટક્કર જામી છે. આ વખતે પરિણામ કોના પક્ષે આવશે એ કહેવું પણ મુશ્કેલ બની ગયું છે. નર્મદા જિલ્લાની નાંદોદ અને ડેડીયાપાડા બેઠક માટે ચુંટણીનું ચિત્ર સ્પષ્ટ થઇ ગયું છે. ગુરૂવારે ઉમેદવારીપત્ર પરત ખેંચવાના દિવસ બાદ હવે બે બેઠકો માટે 9 ઉમેદવારો મેદાનમાં રહી ગયાં છે.
નાંદોદ વિધાનસભા બેઠકની વાત કરવામાં આવે તો ભાજપના ડો.દર્શનાબેન દેશમુખ,કોંગ્રેસ ઉમેદવાર હરેશ વસાવા અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર પ્રફુલ વસાવા,બીટીપીના મહેશ શરદ વસાવા અને ભાજપના પ્રદેશ આદિજાતિ મોરચાના અધ્યક્ષ હર્ષદ વસાવાએ ભાજપ સામે બળવો કરી અપક્ષ ફોર્મ ભર્યું છે.
તેમણે પણ ઉમેદવારી પાછી ખેંચી નહિ હોવાથી નાંદોદ વિધાનસભા બેઠક પર હવે પાંચ ઉમેદવારો મેદાનમાં રહી ગયાં છે. એવીજ રીતે ડેડીયાપાડા બેઠક પર કોંગ્રેસના જેરમાબેન વસાવા, ભાજપના હિતેશ વસાવા,આમ આદમી પાર્ટીના ચૈતર વસાવા, બીટીપી ના બહાદુર વસાવા મળીને કુલ 4 ઉમેદવારો વચ્ચે જંગ જામશે.
નર્મદા જિલ્લાની બે બેઠકોનું વિશ્લેષણ કરવામાં આવે તો ગત ચુંટણીમાં નાંદોદ બેઠક પર બીટીપી અને કોંગ્રેસનું ગઠબંધન હતું અને આ ગઠબંધને ભાજપને હરાવ્યું હતું. તેવી જ રીતે ડેડીયાપાડાની બેઠક પણ આ બંને પાર્ટીના ગઠબંધને જીતી હતી. આ વર્ષે થઇ રહેલી ચુંટણીમાં બીટીપી અને કોંગ્રેસના રસ્તા અલગ પડી ગયાં છે.
કોંગ્રેસે વર્તમાન ધારાસભ્યની ટીકીટ કાપી નાખી છે.નાંદોદ બેઠક પર ભાજપમાં જયારે ડેડીયાપાડા બેઠક પર બીટીપીમાં બળવો થયો છે. નાંદોદ અને ડેડીયાપાડા બેઠક પર એક પણ અપક્ષ ઉમેદવાર નોંધાયા નથી. 4 લાખથી વધુ મતદારો 9 ઉમેદવારોનું ભાવિ નકકી કરશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.