સી-પ્લેન ક્યારે આવશે?:સી-પ્લેનના 7.70 કરોડ પાણીમાં ગયા, રિપેરિંગમાં ગયું, પણ પાછું જ ન આવ્યું

રાજપીપલા17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પ્રોજેક્ટને કોઈપણ એજન્સી ચલાવવા તૈયાર નથી; PMનો ડ્રીમ પ્રોજેક્ટ હવે બંધ થવાના આરે

અમદાવાદથી કેવડિયા સરળતાથી પહોંચવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ સી-પ્લેન શરૂ કરવામાં આવ્યો હતો, જે હવે બંધ થવાના આરે છે. આ પ્રોજેક્ટમાં આવક કરતાં ખર્ચ વધારે થતો હોવાથી કોઈપણ એજન્સી આ પ્રોજેક્ટને ચલાવવા તૈયાર નથી. સી-પ્લેનમાં ખરાબી આવવાથી મેઇન્ટેનન્સ માટે મોકલવામાં આવ્યું હતું, એ બાદ પરત ફર્યું નથી. આ સેવા ફરી ક્યારે શરૂ થશે એ અંગે પણ હજુ કોઈ માહિતી નથી.

સી-પ્લેનને મેઇન્ટેનન્સ માટે મોકલ્યા બાદ હજુ સુધી સી-પ્લેન પરત નથી ફર્યું. દેશમાં સૌપ્રથમ સી-પ્લેન સેવા પ્રારંભ કરવાનું ગૌરવ ગુજરાત ચોક્કસથી લઈ શકે છે, પરંતુ આ સેવાના પ્રારંભ બાદ અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટથી કેવડિયા કોલોની સ્ટેચ્યૂ ઓફ યુનિટી સુધીની સી-પ્લેન સેવા હવે ભવિષ્યમાં શરૂ થશે કે કેમ એ એક મોટો પ્રશ્ન છે.

રાજ્ય સરકારે સી-પ્લેન સેવા એક સહેલાણી આકર્ષણ તરીકે શરૂ કરી હતી અને એનો હેતુ ઉમદા હતો કે આપણા જળમાર્ગોનો ઉપયોગ વધે, પરંતુ આ સેવામાં વારંવાર વિધ્ન આવ્યા હોવાથી સરકારે સી-પ્લેન પ્રોજેક્ટને જ હાલ હોલ્ડ પર મૂકી દીધો હોય એવું લાગી રહ્યું છે. સી-પ્લેનને મેઇન્ટેનન્સ માટે મોકલ્યા બાદ હજુ સુધી એ પરત નથી ફર્યું.

છેલ્લાં બે વર્ષથી સી-પ્લેન સેવા બંધ છે
અમદાવાદ અને કેવડિયા બંને જગ્યાએ બનેલા એરોડ્રામને સાચવવા 6 લોકલ સુરક્ષા ગાર્ડ અને 4 એરફોર્સ સહિત અન્ય ઓફિસ સ્ટાફ સહિત 15 જેટલા કર્મચારી બંને બાજુ આમ 30 કર્મચારી ફરજ બજાવે છે, જેમાં દર મહિને લાખોનો પગાર જાય છે. આમ, છેલ્લાં 2 વર્ષથી આ કર્મચારીઓને મફતિયા પોષવામાં આવી રહ્યા છે. આ બધો ખર્ચ અલગ.. આમ આખી યોજના સફેદ હાથી સમાન હાલ સરકાર માટે બની રહી છે.

રાજ્ય સરકારે 7.70 કરોડ ફાળવ્યા હતા
આ સમયગાળામાં પણ સી-પ્લેન સેવા અવારનવાર બંધ કરવાની ફરજ પડી હતી. રાજ્ય સરકારે પણ અગાઉ બજેટસત્રમાં સ્વીકાર્યું હતું કે રાજ્ય સરકારે રૂ. 7.70 કરોડની રકમ આ સેવાનો પ્રારંભ કરવા માટે ખર્ચ કર્યો હતો. અગાઉ ત્રણ ખાનગી કંપનીએ આ સી-પ્લેન સેવાનો પ્રારંભ કરવા બીડ કરી હતી, પરંતુ એના ઊંચા ઓપરેટિંગ ખર્ચને કારણે તેમજ સહેલાણીઓ નહીં મળતાં હોવાના કારણે આ સેવામાં કોઈ ખાનગી ઓપરેટરે રસ દાખવ્યો નથી.