ચાર મહિના અગાઉ મૃત્યુ પામેલાં પિતાના વિરહમાં જીવતી તેમની 16 વર્ષીય દિકરીએ ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હોવાનો કરૂણ કિસ્સો નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના રામપુરા ગામમાં બન્યો છે. બનાવના પગલે ગામના લોકો પણ શોકમાં ગરકાવ થઇ ગયાં છે. નાંદોદ તાલુકાના રામપુરા ગામે રહેતાં અશ્વિન તડવીનું ચાર મહિના અગાઉ નિધન થયું હતું. તેઓ તેમની પાછળ 16 વર્ષીય પુત્રી દિવ્યા અને પરિવારને વલોપાત કરતાં છોડી ગયાં હતાં. પિતાના અવસાન બાદ દિવ્યા પડી ભાંગી હતી અને કાયમ હતાશામાં રહેતી હતી.
પરિવારના સભ્યોના જણાવ્યાં મુજબ તે તેના પિતાને યાદ કરીને રડયાં કરતી હતી. પિતાના વિરહમાં તે કાયમ રડમસ જ રહેતી હતી. પિતાનો વિયોગ સહન નહિ થતાં તેણે પોતાના ઘરમાં રાખેલી કપાસમાં છાટવાની ઝેરી દવા પી લીધી હતી. ઘટનાની જાણ થતાં પરિવારે તેને રાજપીપળાની સિવિલ હોસ્પિટલમાં ખસેડી હતી પણ તેનો જીવ બચી શકયો ન હતો. રાજપીપળા પોલીસે અકસ્માત મોત દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે. રામપુરા ગામમાં બનેલી ઘટનાના કારણે ગામના લોકો પણ શોકમાં ગરકાવ થઇ ગયાં છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.