લોકોના જીવ બચ્યાં:રાજપીપળાના વિવિધ વિસ્તારોમાંથી 25 લોકોનું રેસ્કયુ ઓપરેશન કરાયું

રાજપીપળા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • NDRF અને SDRF ટીમની સફળ કામગીરીથી લોકોના જીવ બચ્યાં

નર્મદા જિલ્લામાં ભારે વરસાદથી સર્જાયેલી પરિસ્થિતિમાં NDRF અને SDRF ટીમની મદદથી રાજપીપલામાં ૨૫ લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યાં છે જયારે કરજણ નદીના પાણીના પ્રવાહમાં તણાઈ ગયેલી બે વ્યક્તિઓની શોધખોળ ચાલી રહી છે.

નર્મદા જિલ્લામાં અતિભારે વરસાદને લીધે સર્જાયેલી પરિસ્થિતિને અનુલક્ષીને જિલ્લા કલેક્ટર ડી.એ.શાહના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ જિલ્લામાં મહેસૂલ, પંચાયત, પોલીસ અને વન વિભાગના અધિકારી-કર્મચારીઓ સહિતની 34 બચાવ અને રાહત ટીમો હાલ કાર્ય કરી રહી છે. આ ઉપરાંત એસડીઆરએફની 04 તેમજ એનડીઆરએફની 01 ટીમ કાર્યરત છે.

રાજપીપલાના જુના કોટ સ્મશાન વિસ્તાર, સરકારી ઓવારા, હેલીપેડ વગેરે જેવા વિસ્તારોમાંથી ૨૫ જેટલા લોકોને રેસ્ક્યુ કરીને તેમને બચાવી લેવામાં આવ્યાં છે. શહેર અને જિલ્લામાં ગઈકાલે અંદાજે કુલ ૮૯૭૫ જેટલી વ્યક્તિઓના કરાયેલા સલામત સ્થળાંતર બાદ અસરગ્રસ્તો તેમના રહેઠાણોમાં પુન: પરત ફર્યા છે.

કરજણ ડેમ નજીક નદીમાં ખેંચાઇ ગયેલાં બે વ્યકતિઓની શોધખોળ ચાલી રહી છે. જિલ્લામાં ગઈકાલે ભારે વરસાદને લીધે ૦૮ જેટલાં વૃક્ષો પડવાની બાબત નોંધાઈ હતી, જે અવરોધો દૂર કરીને વાહન વ્યવહાર પૂર્વવત કરવામાં આવ્યો છે. જ્યારે પોઈચા-૧૧ કેવી, ઘાટા ૧૧ કેવી અને રામપુરા સબસ્ટેશનના વીજ પોલ ઝૂકી જવાથી વિજપુરવઠામાં પડેલા વિક્ષેપને દૂર કરી વીજપુરવઠો શરૂ કરી દેવામાં આવ્યો છે.

મોવી-દેડીયાપાડા સ્ટેટ હાઈવે મોવીથી ૫૦૦ મીટર દૂર નાળૂ તૂટી ગયેલ હોવાથી આ રસ્તો અવર-જવર માટે બંધ કરેલ છે જેના વિકલ્પમાં વૈકલ્પિક માર્ગ તરીકે મોટી ભમરી-બિતાડા-દેડીયાપાડા અને રાજપીપલા-મોવી-નેત્રંગ-દેડીયાપાડાનું ડાયવર્ઝન આપવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...