રાજપીપળા નગરપાલીકા સભાખંડમાં પાલિકા પ્રમુખ કુલદીપસિંહ ગોહીલની અધ્યક્ષતામાં બજેટ લક્ષી સામાન્ય સભા યોજાઈ હતી. જેમાં મુખ્ય અધિકારી રાહુલ ઢોડીયા, પૂર્વ પ્રમુખ ભરત વસાવા, ઉપ પ્રમુખ, કારોબારી સભ્ય સહિત પાલિકાના ચૂંટાયેલાં સભ્યો સહિત અન્ય કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. રાજપીપળા પાલિકા સભાખંડમાં મળેલી બોર્ડ મિટિંગમાં વર્ષ 2023-24 માટે 91 કરોડની અંદાજીત આવક અને 67 કરોડનાં અંદાજીત ખર્ચ સાથે 24 કરોડના પુરાંત વાળુ બજેટ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું હતું.
આ સામાન્ય સભામાં રાજપીપળા પાલિકા પ્રમુખ કુલદીપસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, આગામી સમયમાં રાજપીપળા નગરપાલીકા દ્વારા 7થી 8 કરોડના ખર્ચે અત્યાધુનિક સુવિધાઓ સાથેનું જિલ્લા કક્ષાનું ફાયર સ્ટેશન બનાવાશે. રાજપીપળા ગાર્ડનમાં આડેધડ વાહન પાર્કિંગ મુદ્દે જણાવ્યું હતું કે, જે લોકો પોતાના વાહનો ગાર્ડન અને કોમ્પલેક્ષમાં પાર્ક કરી નોકરી માટે અથવા અન્ય કામો માટે જતાં રહે છે. એમણે હવે પાલીકાને પાર્કિંગ ચાર્જ ચુકવવો પડશે. 12 કલાક માટે 2 વ્હીલના 10 રૂપિયા અને 4 વ્હીલના 20 રૂપિયા ચુકવવા પડશે. જે લોકો ગાર્ડનમાં ફરવા અને સવારે સાંજે વોકિંગ માટે આવે છે એમને વાહન પાર્કિંગનો કોઈ ચાર્જ આપવો પડશે નહિ.
પાલિકાના ચૂંટાયેલા સભ્યો સાથે કર્મચારીઓ યોગ્ય વર્તન ન કરતા હોવાનો મુદ્દો ભાજપના સભ્ય ગિરિરાજસિંહ ખેરે ઉઠાવતા સભ્યો સાથે કર્મચારીઓ યોગ્ય વર્તન કરે એવી સુચના આપવા પ્રમુખ કુલદીપસિંહ મુખ્ય અધિકારી રાહુલ ઢોડીયાને જણાવ્યું હતું. આ સાથે સરકારે નવા બી.પી.એલ કાર્ડ કાઢવાના બંધ કર્યાં છે. જેથી સરકારી સહાય મેળવવા માટે ઘણા લોકો વંચિત રહી જાય છે. એટલે સરકારી સહાય મેળવવા જેની પાસે બી.પી.એલ કાર્ડ ન હોય એવા લોકો માટે અન્ય ડોક્યુમેન્ટ વેલિડ રાખવા માટે પાલિકા એક ઠરાવ કરી સરકારમાં રજૂઆત પણ કરશે. રોજમદારોના જી.પી.એફ, ગ્રેજ્યુઈટી, વિમાના નાણાં યોગ્ય સમયે મળે અને સફાઈ કર્મીઓની ભરતી થઈ હોવા છતાં એમને આજદીન સુધી કોલ લેટર મળ્યો ન હોવાનો મુદ્દો પાલિકાના ભાજપના સભ્ય પ્રજ્ઞેશ રામીએ ઉઠાવતા એ બાબતે પણ યોગ્ય કાર્યવાહી કરવા પ્રમુખ કુલદીપસિંહ ગોહીલે ખાતરી આપી હતી.
રાજપીપળા નગરપાલીકા દ્વારા બજેટ સત્રમાં એક નવી વેરો એડ કરવામાં આવનાર છે. જેની માત્ર ચર્ચા કરી હજુ નિર્ણય વિચારણા હેઠળ છે. કે ગમે ત્યાં દુકાનોની શોપિંગ સેન્ટરો સામે ગાડીઓ બાઈકો પાર્કિંગ કરી કેલાક લોકો આજુબાજુના ગામોમાં નોકરીએ જતા રહે છે અને સાંજે મોડા સુધી આ વાહનો દુકાનો સામે પડી રહે છે અને અડચણ રૂપ બને છે. ત્યારે આવા લોકોને હવે પાર્કિંગ ટેક્સ આપવો પડશે. 20થી 30 રૂપિયા જેવો રોજનું ભાડું પાલિકા વસૂલશે, આ સાથે પથરા, લારી, ગલ્લાના ભાડામાં કોઈ વધારો નહિ કરીને યથાવત રાખવામાં આવ્યો છે. પરંતુ બજેટ સત્રમાં આ ઉઘરાણી માટે કોન્ટ્રાક્ટ અપાશે અને જેતે કોન્ટ્રાકટ કંપની ઉઘરાણી કરી પાલિકામાં રૂપિયા જમા કરાવશે.
સાથે ભૂગર્ભ ગટરલાઇનના જે જોડાણ પાલિકા દ્વારા કરી આપવાનું પાલિકા પ્રમુખ કુલદિપસિંહે જે વચન નગરજનોને આપ્યું હતું. જે મુજબ રાજ્ય સરકારમાં રજૂઆત કરી દરખાસ્ત કરતા રાજ્ય સરકારે રૂપિયા મંજૂર કરી દીધા છે. હવે ટેન્ડર પ્રક્રિયા કરી એજન્સીને કામગીરી સોંપાશે. નવા 2023-24ના વેરા ભરવાની પણ હવે કામગીરી કરવાની હોય પાલિકા પ્રમુખે જાહેરાત કરી છે કે, જે વેરો વહેલા તે પહેલાની રીતે ઝડપથી વેરો ભરી જશે તેને ડસ્ટબીન આપવામાં આવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.