• Gujarati News
  • Local
  • Gujarat
  • Narmada
  • 21.61 Inches In Dadiapada, 20.75 Inches In Tilakwada, 18.74 Inches In Sagbara, 16.61 Inches In Garudeshwar, 14.29 Inches In Nandod And 11.18 Inches In Wagra.

ભરૂચ- નર્મદામાં 36 કલાકમાં મેઘ તાંડવ:ડેડિયાપાડામાં 21.61, તિલકવાડામાં 20.75, સાગબારામાં 18.74, ગરૂડેશ્વરમાં 16.61, નાંદોદમાં 14.29, વાગરામાં 11.18 ઇંચ વરસાદ

ભરૂચ, રાજપીપળા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અતિભારે વરસાદના પગલે બંને જિલ્લાઓમાં અનેક સ્થળોએ રસ્તાઓ, નાળાઓ ધોવાયાં

ભરૂચ અને નર્મદામાં વીતેલા 36 કલાકમાં મેઘતાંડવ જોવા મળ્યું હતું. નર્મદાના ડેડીયાપાડામાં સૌથી વધારે 21.61 ઇંચ જયારે ભરૂચના વાગરામાં 11.18 ઇંચ વરસાદ વરસી ચુકયો છે. નર્મદા જિલ્લાના તમામ તાલુકાઓમાં સરેરાશ 10 ઇંચ કરતાં વધારે વરસાદ વરસતાં સર્વત્ર જળબંબાકારની સ્થિતિ છે. બંને જિલ્લાઓમાં ભારે વરસાદથી અનેક સ્થળોએ રસ્તાઓ ધોવાઇ જતાં વાહનવ્યવહાર બંધ કરવાની ફરજ પડી છે.

ડેડીયાપાડા અને સાગબારાના જંગલ વિસ્તારમાં આવેલાં અનેક ગામડાઓ પુરના કારણે હજી સંપર્ક વિહોણા છે. કરજણ, મોહન અને દેવગંગા સહિતની નદીઓ બે કાંઠે વહેતી થઇ છે અને અનેક પુલો પરથી પાણી પસાર થઇ રહયાં છે. ભરૂચ અને નર્મદા જિલ્લામાં બે દિવસથી ભારે વરસાદ વરસી રહયો છે.

નર્મદા જિલ્લાના ડેડીયાપાડા, સાગબારા, નાંદોદ, તિલકવાડા અને ગરૂડેશ્વર તાલુકામાં મેઘરાજા મન મુકીને વરસ્યાં છે. ભરૂચના તમામ 9 તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. નર્મદા જિલ્લામાં ભારે વરસાદના પગલે કરજણ ડેમમાંથી 2 લાખ કયુસેક કરતાં વધારે પાણી છોડવામાં આવી રહયું છે. નર્મદા ડેમમાં પણ ઉપરવાસમાંથી પાણીની આવકમાં વધારો થયો છે.

નર્મદાના ડેડીયાપાડા અને સાગબારા તાલુકામાં આભ ફાટતાં સર્વત્ર જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. કરજણ ડેમમાંથી છોડવામાં આવી રહેલાં પાણીના કારણે ભરૂચ અને નર્મદાના 20 ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યાં છે. રવિવારથી મેઘરાજાએ નર્મદા જિલ્લાને ધમરોળવાનું શરૂ કરી દીધું હતું. મંગળવારે સવાર સુધીમાં નર્મદા જિલ્લામાં તારાજી જોવા મળી હતી.

ડેડીયાપાડા– મોવી સ્ટેટ હાઇવે સહિતના અનેક રસ્તાઓ વાહનવ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યાં છે. દેવગંગા, મોહન, ધામણખાડી, કરજણ સહીતની નદીઓમાં ઘોડાપુરની સ્થિતિ જોવા મળી રહી છે. ભરૂચ જિલ્લામાં પણ ભરૂચ, આમોદ, અંકલેશ્વર, હાંસોટ, જંબુસર, વાગરા, ઝઘડીયા, વાલિયા અને નેત્રંગ સહિતના તમામ તાલુકાઓમાં વરસાદ વરસી રહયો છે.

ભરૂચ જિલ્લામાં સૌથી વધારે વરસાદ વાગરા તાલુકામાં 11.18 ઇંચ નોંધાયો છે જયારે સૌથી ઓછો જંબુસરમાં 2.52 ઇંચ છે. નર્મદા જિલ્લામાં એસડીઆરએફ અને એનડીઆરએફની ટીમો ઉતારી દેવામાં આવી છે. ભરૂચમાં અંકલેશ્વર ખાતે એસડીઆરએફની ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. બંને જિલ્લામાં બે દિવસમાં ભારે વરસાદની આગાહી હોવાથી તંત્ર એલર્ટ છે.

નર્મદાના ડેડીયાપાડા અને સાગબારામાં વરસાદનું જોર નરમ પડયું છે. વરસાદનું જોર નરમ પડતાં હવે નુકશાનીનો સર્વે ચાલુ કરવામાં આવ્યો છે. બે દિવસથી ચાલી રહેલાં મેઘતાંડવથી નીચાણવાળા વિસ્તારોમાં રહેતાં લોકોની હાલત દયનીય બની છે. નર્મદાના અનેક ગામડાઓ હજી સંપર્ક વિહોણા બન્યાં છે. સલામતીના કારણોસર બંને જિલ્લાઓમાંથી હજારો લોકોને સલામત સ્થળે ખસેડાયાં હતાં.

ભરૂચ-નર્મદા જિલ્લાનો 36 કલાકનો વરસાદ: ( ઇંચમાં )

આમોદ2.64
અંકલેશ્વર5.79
ભરૂચ7.71
હાંસોટ3.58
જંબુસર2.52
ઝઘડીયા7.2
નેત્રંગ6.61
વાગરા11.18
વાલીયા5.79
ડેડીયાપાડા21.61
ગરૂડેશ્વર16.61
નાંદોદ14.29
સાગબારા18.74
તિલકવાડા20.75

આગાહીના પગલે તંત્ર એલર્ટ

રાજયના હવામાન વિભાગ તરફથી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. કરજણ ડેમમાંથી પાણી છોડાય રહયું હોવાથી ગોલ્ડનબ્રિજ ખાતે નર્મદાની સપાટી વધી રહી છે તેવામાં વહીવટીતંત્ર એલર્ટ છે. ખાસ કરીને શહેરી વિસ્તારોમાં ભરાતાં પાણીના નિકાલને પ્રાધાન્ય અપાય રહયું છે. ગત રોજ પ્રભારી મંત્રીએ સ્થાનિક તંત્ર સાથે બેઠક પણ યોજી હતી.

અન્ય સમાચારો પણ છે...