ગુજરાત વિધાનસભાની ચૂંટણી અને પરિણામ બંને જાહેર થઇ ગયા. જેમાં ભાજપ 156 સીટો જીતી રાજ્યમાં ઇતિહાસ રચ્યો છે. જયારે આમ આદમી પાર્ટીએ પણ પાંચ સીટો મેળવી ખાતું ખોલ્યું, પરંતુ સૌથી રસપ્રદ ચૂંટણી નર્મદા જિલ્લાની ડેડીયાપાડા બેઠક પર જોવા મળી. અહીંયા એક સામાન્ય નવયુવાન ચૈતર વસાવા એક લાખ મતો મેળવી ભાજપ કોંગ્રેસ અને અન્ય ઉમેદવારો કરતાં 34 હજાર લીડ મેળવી નવો રેકોર્ડ પોતાના નામે કર્યો. આદિવાસીઓની સેવા માટે પોતે અને તેમની બંને પત્નીઓ એ નોકરી છોડી જનસેવા કેન્દ્ર ખોલી જાતે ફોર્મ ભરી સરકારી લાભો અપાવતા 1,03,433 મતોનો એક રેકોર્ડ અને 39,255ની લીડ થી ચૈતર વસાવા ના નામે બે રેકોર્ડ નોંધાયા.
39,255ની લીડથી ચૈતર વસાવાના નામે બે રેકોર્ડ નોંધાયા
અરવિંદ કેજરીવાલ બીટીપીને શોધતા ઝઘડીયા આવ્યા અને ગઠબંધન કર્યું અને બાદમાં તૂટ્યું. પણ આ ગઠબંધમાં કેજરીવાલને આદિવાસી વિસ્તારનો એક મજબૂત નેતા મળી ગયો કે જેને હરાવવા અનેક સ્ટાર પ્રચારકોએ રોડ શો, લોકોના ઘરે ઘરે જઈ ને પ્રચાર કર્યા તેમ છતાં ચૈતર વસાવાએ જંગી લીડ સાથે સૌથી વધુ મતો મેળવવાનો રેકોર્ડ કર્યો. આજે ડેડીયાપાડા સાગબારામાં ઠરે ઠરે તેનું સ્વાગત થઇ રહ્યું છે. ત્યારે તેની જીત માટે તેની બંને પત્નીઓ અને પૂરો પરિવાર અને સ્થાનિક કાર્યકરો પણ કામે લાગ્યા. અંતે ભાજપ, કોંગ્રેસ અને બીટીપીને હરાવી ચૈતર વસાવાએ કોઈપણ જાહેર સભા કે રોડ શો વગર જીત મેળવી. 1,03,433 મતોનો એક રેકોર્ડ અને 39,255ની લીડથી ચૈતર વસાવાના નામે બે રેકોર્ડ નોંધાયા જેની રાજ્ય અને દેશના રાજકારણમાં નોંધ કરવી પડી.
ત્રણની ટક્કરમાં કોંગ્રેસ અને ભાજપના મતો પણ ચૈતર વસાવાને મળ્યા
ડેડીયાપાડા વિધાનસભાની બેઠકની એનાલિસિસ કરીએ તો, આ વખતે ભાજપે યુવા નેતા અને ડેડીયાપાડાના સરપંચના દીકરા હિતેશ વસાવાને ટિકિટ આપી, પરંતુ તેના રાજકારણનો સમય ઓછો સાથે લોકસંપર્ક પણ ઓછો. જો કોઈ સિનિયર નેતાને ટિકિટ આપી હોતતો ફાઇટ વધતી અને લીડ ઓછી થતી. ચૈતર વસાવાની ચાલેલી હવાને કારણે મોદી મેજીક પણ આદિવાસી મતદારોને ના રીઝવી શક્યા, કોંગ્રેસે પ્રથમવાર અનુભવી અને સિનિયર મહિલા નેતાને ટિકિટ આપી પણ સિનિયર નેતાઓના ઝાંખા પ્રચારને કારણે આદિવાસી મતદારો પોતાનો મત બગાડવા કરતા આપને એટલે ચૈતર વસાવાને મત આપવાનું નક્કી કર્યું. બીટીપીની તો કોઈ ગણતરી નહોતી એટલે આ ત્રણની ટક્કરમાં કોંગ્રેસ અને ભાજપના મતો પણ ચૈતર વસાવાને મળ્યા જેથી તેની જીત નિશ્ચિત થઇ.
અમારે આદિવાસીઓની સમસ્યાઓ અંગે ઘણું કરવાનું છે
હું પોતે વિસ્તરણ અધિકારી તરીકેની નોકરી કરતો હતો અને કચેરીમાં લોકો આવે તેમના કામ થાય, યોજનાઓનો લાભ મળે એ માટે લોકોની સેવા કરવા 10 વર્ષ પહેલા પોતાની પહેલી પત્ની શકુંતલા સાથે મળી કામગીરી શરૂ કરી પછી નર્સની નોકરી છોડી વર્ષા તેમની સાથે જોડાઈ અને ચૈતર સાથે લગ્ન કર્યા. આજે બંને બેનો સગી બહેન જેવી રહે છે. એક કાચા મકાનમાં આખો પરિવાર ભેગો રહે છે. ડેડીયાપાડાના બોગજ ગામનો એક સામાન્ય યુવાન આજે ધારાસભ્ય બનતા લોકોએ વધાવી લીધો છે. હજુ અમારે આદિવાસીઓની સમસ્યાઓ અંગે ઘણું કરવાનું છે. વિધાનસભામાં ઘણા પ્રશ્નો કરવાના છે અને આદિવાસી સમાજને ન્યાય આપવાનું છે. તેવું ચૈતર વસાવાએ જણાવ્યું હતુ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.