ડેડિયાપાડા તાલુકામાં માથાસર ગ્રુપ ગ્રામ પંચાયતમાં આવેલા પાટવલી ગામના ગુમીના ફળિયામાં બે મહિના અગાઉ 2 માર્ચના રોજ કાચા ઘરોમાં કોઈ અગમ્ય કારણોસર આકસ્મીક આગ લાગતા આખા ઘર સહિત ઘરમાં રાખેલો ઘરવખરીનો સામાન અને પશુઓના મોત થયા હતા. આગ લાગવાની જેવી આકસ્મિક ઘટનાઓમાં સરકાર દ્વારા દરેક વ્યક્તિઓને સહાય આપવામાં આવતી હોય છે પરંતુ બે મહિના વીતી ગયા હોવા છતાં આજ દિન સુધી આ અકસ્માતમાં ભોગ બનનાર તમામ વ્યકિતઓને કોઈ સહાય ચૂકવવામાં આવી નથી.
આ ઘટનામાં પંદર જેટલા ઘર માલિકોના ઘરવખરીનુ સામાન જેવુ કે અનાજ, કપડાં તથા જીવન જરૂરી તમામ વસ્તુઓ બળી ને ખાક થઈ ગઈ હતી. સાથે સાથે ઘર ઉપરનાં દેશી નળિયા, વાંસ,લાકડાના થાંભલા વગેરે પણ બળી ગયા હતા. ઘટનાની જાણ થતા તમામ વહીવટી તંત્ર દ્વારા સ્થળનું મુલાકાત કરી ભોગ બનનાર વ્યકિતઓને સરકારી સહાય મળે તે માટે સર્વે કર્યું હતું. જેમાં મકાન સહાય, પશુઓના મોત પર પશુ સહાય વગેરે આર્થિક સહાય પણ મળતી હોય છે. પરંતુ આજ દિન સુધી કોઈ સહાય આ ભોગ બનનાર વ્યક્તિઓને મળી નથી.
હાલ ચોમાસું ઋતુ શરૂ થવાના થોડા જ દિવસો બાકી છે ત્યારે હાલ એ લોકો પાસે રહેવા માટે પાકી છત નથી. આજે પણ 40 ડીગ્રી ઉનાળાની ગરમીમાં ભોગ બનનાર લોકો તાડપત્રીની કાચી ઝુંપડી બનાવી રહે છે. ત્યારે વહીવટી તંત્ર વહેલી તકે આ લોકોને સહાય ચૂકવે તેવી લોકો માંગ કરી રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.