તપાસ:યુવાનને પાડોશીએ ધકકો મારી પાડી દેતાં મોત થયું

દેડીયાપાડા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દેડિયાપાડાના નાના સુકાઆંબા ગામની ઘટના

નર્મદા જિલ્લાના દેડિયાપાડાના નાના સુકાઆંબા ગામે એક વિચિત્ર બનાવમાં એક યુવાને જીવ ગુમાવી દીધો છે. પાડોશીઓ વચ્ચે થયેલાં ઝઘડામાં યુવાનને પાડોશીએ ધકકો મારતાં તે રોડ પર પટકાયો હતો જેમાં ગંભીર ઇજા થતાં તેનું મોત થઇ ગયું હતું. દેડીયાપાડા તાલુકાનાં નાના સુકાઆંબા ગામના નિશાળ ફળિયામાં રહેતો ફુલસિંગ વસાવા (ઉવ.46) નાઓ પોતાના ખેતરેથી આવી ઘરના આગણામાંથી પસાર થતા આર.સી.સી રોડ ઉપર ઉભો હતો.

તે સમયે ગામના જ આરોપી નરપત વસાવા ત્યાંથી મોટરસાયકલ લઇને પસાર થયો હતો. નરપત વસાવાએ તેના ઘર પાસે મોટરસાયકલ પાર્ક કર્યા બાદ ફુલસિંગ વસાવા જયાં ઉભો હતો ત્યાં આવ્યો હતો. અને તેની સાથે ઝગડો કરવા લાગ્યો હતો અને તેને બે થપ્પડ મારી ધકકો મારી દીધો હતો. ધકકો વાગતા ફુલસિંગે સંતુલન ગુમાવી દીધું હતું અને આરસીસીના રોડ પર પટકાયો હતો. જેમાં માથામાં ઇજા થતાં તે બેહોશ થઇ ગયો હતો અને તેનો જીવ ચાલ્યો ગયો હતો. ફૂલસિંગ નાં પરીવાર નાં પ્રિયંકા વસાવાએ પોલીસ ફરીયાદ કરતા પોલીસે હત્યાનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...