ચોરી, લૂંટ, ધાડ સહિતના બનાવો રોકવા માટે તકેદારીના ભાગરૂપે દરેક દુકાન સંચાલકોએ સીસીટીવી કેમેરા લગાડવા સંદર્ભમાં નર્મદા જિલ્લા કલેકટરે જાહેરનામુ બહાર પાડયું હતું. આ જાહેરનામા સંદર્ભમાં દેડિયાપાડામાં પોલીસ વિભાગે ચેકિંગની કામગીરી હાથ ધરી હતી.
જેમાં શો-રૂમ તથા હીરા ઘસવાના કારખાનાઓમાં તપાસ કરવામાં આવતાં કેટલીય જગ્યાઓએ સીસીટીવી કેમેરા લગાડવામાં નહિ આવ્યાં હોવાનું સામે આવ્યું છે. દેડીયાપાડા પાસે નિવાલદા હાઇવે રોડ ઉપર આવેલ મેઘા ઓટો મોબાઈલ શો રૂમના સંચાલક દિનેશ સાંગા વસાવા, ઓટો મોબાઈલ શો રૂમની ઉપરના મકાનમાં ચાલતા હીરાના કારખાનાના સંચાલક સતીષ રમેશ વસાવા, પાંડોરી માતા સોસાયટીમાં ચાલતા હીરા ઘસવાના કારખાના સંચાલક કેતન ધીરુ કાસોદરિયા, તેમજ સહયોગ નગર ડેડીયાપાડા ખાતે ચાલતા હીરાના કારખાનાના સંચાલક શ્યામદાસ બુધારામ વૈષ્ણવ આ તમામ વિરુદ્ધ સીસીટીવી કેમેરા નહિ લગાવી ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ નર્મદાએ બહાર પાડેલા જાહેરનામાના ભંગ બદલ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
હીરાના કારખાનમાં 64 લાખ ની ચોરી થઇ હતી
દેડિયાપાડામાં હીરા ઘસવાના કારખાનાઓ ધમધમી રહયાં છે. ગત વર્ષે દિવાળીના તહેવાર દરમિયાન એક હિરાના બંધ કારખાનામાંથી 64 લાખ રૂપિયાની કિમંતના હીરાની ચોરી થઇ હતી. આ કારખાનાની આસપાસ સીસીટીવી કેમેરા લગાવ્યાંમાં આવ્યાં નહિ હોવાનું પોલીસના ધ્યાને આવ્યું હતું. હીરાના કારખાનાઓને ધ્યાને રાખી તંત્રએ સીસીટીવી કેમેરા લગાવવા ફરજિયાત બનાવી દીધું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.