નર્મદા જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની એન્ટ્રી થઇ છે ત્યારે ડેડીયાપાડાના કણજીમાં દેવનદીના કોઝવે પરથી પસાર થઇ રહેલી માતા અને પુત્રી પાણીના ધસમતા પ્રવાહમાં તણાઇ ગયાં હતાં. આ ઘટનામાં માતાનો બચાવ થયો છે જયારે પુત્રીનો મૃતદેહ હજી સુધી મળી આવ્યો નથી.
ડેડીયાપાડાના ડુંગરાળ વિસ્તારોમાં વરસાદના પગલે દેવનદીમાં પાણીનો પ્રવાહ વધી ગયો હતો. દેવ નદી પર કણજી ગામ પાસે કોઝવે બનાવવામાં આવ્યો છે. ગત રોજ રાત્રિના 8 વાગ્યાના અરસામાં વાંદરી ગામે રહેતાં શીલાબેન વસાવા અને તેમની 8 વર્ષની દીકરી મમતા આ કોઝવે પરથી પસાર થઇ રહયાં હતાં.
દરમિયાન પાણીનો પ્રવાહ વધારે હોવાથી માતા અને પુત્રી ખેંચાઇ ગયાં હતાં. શીલાબેનને બચાવી લેવામાં આવ્યાં હતાં પણ બાળકી પાણીના ધસમસતા પ્રવાહમાં ખેંચાઇ ગઇ હતી. શીલાબેનને સારવાર માટે ડેડીયાપાડા ખસેડવામાં આવ્યાં હતાં જયારે મમતાનો મૃતદેહ હજી સુધી મળી આવ્યો નથી.આમ નર્મદામાં મોસમના પહેલાં જ વરસાદે માસુમ બાળકીનો ભોગ લીધો છે.
કોઝવેના બદલે પુલ બનાવી આપવામાં આવતો નથી
દેવનદી પર કોઝવેના બદલે પાકો પુલ બનાવવાની અમારી માગ છે. આ કોઝ વે ગુજરાત અને મહારાષ્ટ્રના ગામોને જોડે છે. ચોમાસામાં દેવનદીમાં પાણીનો પ્રવાહ રહેતો હોવાથી કોઝવે ઓળંગતી વેળા લોકો પાણીમાં ખેંચાઇ જવાનો ભય રહેલો છે. પાકો પુલ નહિ હોવાથી અમારે 15 કીમીથી વધારેનો ફેરાવો પણ થાય છે.> સોમભાઇ વસાવા, સરપંચ, માથાસર.
દર વર્ષે ચોમાસામાં સરેરાશ બે લોકોના મૃત્યુ થાય છે
અમે વર્ષોથી કોઝવેના બદલે પાકો પુલ બનાવી આપવા માગ કરી રહયાં છે પણ આજદિન સુધી કોઇ કાર્યવાહી થઇ નથી. દર વર્ષે ચોમાસામાં સરેરાશ બે લોકોના પાણીમાં ડુબી જતાં મોત થાય છે. પાંચ વર્ષમાં 10થી વધારે લોકો મોતના મુખમાં હોમાય ચુકયાં છે. સરકાર કોઇ પગલાં નહિ ભરે તો હવે અમે ચુંટણીનો બહિષ્કાર કરીશું.
ગામલોકોમાં ભારે આક્રોશ ફેલાયેલો છે
કણજી ગામે બાળકીના મોત બાદ લોકોમાં રોષ ફેલાયેલો છે. અમે સ્થળની મુલાકાત લીધી ત્યારે લોકોએ પાકો પુલ બનાવી આપવા માટે રજુઆત કરી છે. તેમની માગને જિલ્લા વિકાસ અધિકારી સુધી પહોંચાડીશ તથા મૃતક બાળકીના પરિવારને સહાય મળે તે દિશામાં કાર્યવાહી ચાલી રહી છે. > કનૈયાલાલ વસાવા, ટીડીઓ, ડેડીયાપાડા
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.