ડેડિયાપાડા તાલુકાના ગામોમાં “ નલ સે જલ” યોજના અંતર્ગત દેડીયાપાડા તાલુકાના વિવિધ ગામોમાં વોટર એન્ડ સેનિટેશન મેનેજમેન્ટ ઓર્ગેનાઇઝેશન (વાસ્મો) પ્રોજેક્ટ દ્રારા થયેલા કામોની સ્થળ તપાસ કામગીરી ડેડીયાપાડાના ધારાસભ્ય મહેશ વસાવા અને BTP ના કાર્યકરો દ્વારા હાથ ધરવામાં આવી હતી. જેમાં વાસ્મો યોજના અંતર્ગત થયેલા કામોમાં ટાંકી, બોર, પાઇપ લાઇન, નળ વગેરેમાં મોટા પાયે ભ્રષ્ટાચાર સાથે તકલાદી કામગીરી સામે આવી છે.
ડેડિયાપાડા તાલુકાના સાંકળી ગામે સ્થળ તપાસણી કરતા ગામમાં વાસ્મો યોજના અંતર્ગત 49,91,726.69 રુપિયા જેટલુ બજેટ ફાળવવામાં આવ્યું છે અને કામ પૂર્ણ થયા અને કોન્ટ્રાકટરને રકમ ચૂકવી દીધાની ઓન પેપર સામે આવ્યું હતું. જ્યારે સાંકળી ગામમાં બોર અને ટાંકીનું સ્થળ તપાસ કરતા બોરમાં પાણી ન હતુ. બોર મુક્યા પછી કોઇ પણ ઘરને ટીપું પાણી મળ્યુ નથી. પીવાના પાણીથી ત્રસ્ત ગામના લોકોએ ખૂબ જ મોટી રકમ ફાળવવા છતા લોકો સુધી પાણી ન પહોચ્યાની ફરિયાદ ધારાસભ્યને કરી હતી.
આ ઉપરાંત ખુરદી, પીપલોદ વગેરે ગામોમાં પણ આવુ જ તકલાદી કામ જોવા મળ્યું હતું. વાસ્મો દ્વારા કેટલાક ગામોમાં કામ પૂર્ણ થઈ ગયેલ અને કોન્ટ્રાકટરને બિલોની ચુકવણી પણ થઈ ગઈ હોવા છતાં આજે પણ લોકોને તેમના ઘર બહાર લગાવેલ નળમાં પાણી પહોંચ્યું નથી.
સંકલનમાં પૂર્ણ દર્શાવેલા કામો મુલાકાત દરમિયાન પ્રગતિ હેઠળ હોવાનું દર્શાવાયું
ધારાસભ્ય મહેશ વસાવાએ જિલ્લા સંકલનમાં માંગેલ વાસ્મો ની આજ દિન સુધીની કરેલ કામગીરીની માહિતીમાં કેટલાક કામ પૂર્ણ બતાવવામાં આવ્યા છે જયારે ધારાસભ્યએ જાતે તપાસ કરી મુલાકાત કરતા પૂર્ણ દર્શાવેલ કામો હજુ પ્રગતિ હેઠળ છે એમ દર્શાવવામાં આવ્યા હતા.
યોજનાની વિજિલન્સ તપાસ થાય તેવી માંગણી કરીશું
લોકોની ફરિયાદને પગલે જલ સે નલ યોજનામાં થયેલા કામોની કેટલાક ગામોમાં મુલાકત લીધી હતી. જેમાં વાસ્મો દ્વારા ખૂબ મોટો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે. ટાંકી, પાઇપલાઇન અને નળ નાખવામાં ખૂબ વેઠ ઉતારવામાં આવી છે. લોકોને નળમાં પાણી મળ્યું જ નથી તેમ છતાં કોન્ટ્રાકટરોને બિલોનું પેમેન્ટ ચૂકવી દેવામાં આવ્યું છે. આવનારા સમયમાં ગાંધીનગરથી વિજિલન્સ તપાસ માટે આવે તેવી માંગણી કરીશું. - મહેશ વસાવા, ધારાસભ્ય, ડેડીયાપાડા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.