ચૂંટણી પહેલાં દારૂની રેલમછેલ:કંતાનની આડમાં લઇ જવાતો 23 લાખનો દારૂ જપ્ત

ડેડિયાપાડા25 દિવસ પહેલા
  • કૉપી લિંક
ટ્રકમાંથી દારૂનો જથ્થો ઉતારી રહેલાં પોલીસ કર્મચારીઓ. - Divya Bhaskar
ટ્રકમાંથી દારૂનો જથ્થો ઉતારી રહેલાં પોલીસ કર્મચારીઓ.
  • નર્મદા એલસીબીએ ડેડિયાપાડા નજીકથી દારૂ ભરેલી ટ્રક ઝડપી

ગુજરાતમાં વિધાનસભાની ચુંટણી ટાણે મહારાષ્ટ્રમાંથી ગુજરાતમાં ઘુસાડવામાં આવતો લાખો રૂપિયાનો વિદેશી દારૂ પોલીસે ઝડપી પાડયો છે. નર્મદા જિલ્લાના ડેડીયાપાડા નજીકથી એલસીબીએ ટ્રકમાં કંતાનોની આડમાં લઇ જવાતો વિદેશી દારુના 23 લાખ રૂપિયાના જથ્થા સાથે બે આરોપીને ઝડપી પાડયાં છે જયારે એક આરોપીને વોન્ટેડ જાહેર કરાયો છે.

ગુજરાતમાં વિધાનસભાની ચુંટણી હોવાથી પોલીસે બુટલેગરો સામે ઘોંચ વધારી દીધી છે અને ખાસ કરીને પાડોશી રાજયોમાંથી વિદેશી દારૂ ગુજરાતમાં ન ઘુસાડી દેવાય તે માટે ચેકપોસ્ટો પર ચેકિંગ વધારી દેવામાં આવ્યું છે. નર્મદા જિલ્લાના માર્ગે મહારાષ્ટ્રમાંથી વિપુલ માત્રામાં દારૂ ઘુસાડવાના બુટલેગરોના પ્રયાસને લોકલ ક્રાઇમ બ્રાંચે નિષ્ફળ બનાવ્યો છે. નર્મદા એલસીબી પીઆઇ જે.બી.ખાંબલા તથા તેમની ટીમે ચોકકસ બાતમીના આધારે માચ પાટીયા પાસે વોચ ગોઠવી હતી.

આ દરમિયાન રાજસ્થાન પાર્સિંગની ટ્રકને રોકી તલાશી લેવામાં આવી હતી જેમાં કંતાનનો જથ્થો ભર્યો હતો પણ તલસ્પર્શી તપાસ કરવામાં આવતાં કંતાનના જથ્થાની અંદર સંતાડેલી વિદેશી દારૂની 443 પેટી મળી આવી હતી. જેની કિમંત 23 લાખ રૂપિયા થવા જાય છે. પોલીસે ટ્રકના ડ્રાયવર અને રાજસ્થાનના રતનપુરના રહેવાસી સંપતલાલ કલાલા અને કલીનર નંદકિશોર પ્રજાપતિની ધરપકડ કરી હતી. દારૂનો જથ્થો હરિયાણાના રેવાડીના રહેવાસી જયેશ માલીએ મોકલ્યો હોવાની વિગતો બહાર આવતાં તેને વોન્ટેડ જાહેર કરાયો છે. પોલીસે 23 લાખનો દારૂ તથા ટ્રક મળી કુલ 33 લાખ રૂપિયા ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો છે. ચુંટણી ટાણે ગુજરાતમાં આટલી મોટી માત્રામાં દારૂ કોણે મંગાવ્યો તેની તપાસ પોલીસ ચલાવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...