રાજય સરકાર ભલે ભણશે ગુજરાતનો નારો આપી રહી હોય પણ આદિવાસી સમાજની બહુલ વસતી ધરાવતાં નર્મદા જિલ્લાના દેડિયાપાડા અને સાગબારા તાલુકાની 27 શાળાઓમાં માત્ર એક જ શિક્ષક છે જયારે 54 શાળાની ઇમારતો જર્જરિત હોવાનો દાવો આપના ધારાસભ્ય ચૈતર વસાવાએ કર્યો છે.
આઝાદીના 75 વર્ષ બાદ સરકાર આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવી રહી છે. જ્યારે નર્મદા જિલ્લાના ડેડીયાપાડા વિધાનસભામાં આવતા દેડિયાપાડા અને સાગબારા તાલુકામાં પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા બાળકો માટે પૂરતા પ્રમાણમાં શિક્ષકો નથી સાથે સાથે જર્જરિત ઓરડાઓના પ્રશ્નો વર્ષોથી છે.
તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન દ્વારા 2002 ના વર્ષમાં ડેડીયાપાડા તાલુકા ખાતેથી ' બેટી બચાવો બેટી પઢાવો' અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. તેઓ ત્રણ દિવસ આ વિસ્તારમાં રોકાયા પણ હતા. પરંતુ આદિવાસી અંતરીયાળ વિસ્તાર એવા ડેડીયાપાડા તેમજ સાગબારામાં શિક્ષણની હાલત અત્યંત દયનીય હાલતમાં છે. શાળા છે તો ત્યાં શિક્ષક નથી તેમજ શિક્ષક છે તો બાળકો સારી રીતે અભ્યાસ કરી શકે તેના માટે પૂરતા ઓરડા નથી.
ભૂતકાળમાં અનેકો વખત રજૂઆતો કરવામાં આવી તેમજ મીડિયામાં અનેક વાર જર્જરિત શાળાઓ બાબતે અહેવાલો પ્રસિદ્ધ થવા છતાં દેડિયાપાડા અને સાગબારા તાલુકામાં 27 જેટલી શાળાઓ માત્ર ને માત્ર એક જ શિક્ષકથી ચાલી રહી છે અને આ એક જ શિક્ષકે તમામ વર્ગના બાળકોને અભ્યાસ કરાવવા સાથે ઇતર પ્રવૃતિઓ પણ કરવાની હોય છે.
જેથી એક શિક્ષક તમામ વિધાર્થીઓને પૂરતો ન્યાય આપી શકતો નથી. તો બીજી બાજુ આ બંને તાલુકાઓમાં 54 જેટલી શાળાઓ જર્જરિત હાલતમાં છે. જર્જરિત ઓરડાઓને કારણે બાળકોને શાળાના ઓટલા ઉપર બેસી અભ્યાસ કરવો પડે છે. જર્જરિત ઓરડાઓને કારણે બાળકોએ ભયના ઓથા હેઠળ અભ્યાસ કરવો પડે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.