BTP-BJP નેતાના પુત્રો વચ્ચે ગેંગવોર:નર્મદા જિલ્લાના દેવમોગરામાં ગાડી હટાવવા મામલે હથિયારો ઉછળ્યાં, 7થી વધુને ઇજા

ડેડિયાપાડા20 દિવસ પહેલા
  • કૉપી લિંક
ડેડિયાપાડા પોલીસ સ્ટેશનને ઘેરાવો - Divya Bhaskar
ડેડિયાપાડા પોલીસ સ્ટેશનને ઘેરાવો
  • ડેડિયાપાડાના ધારાસભ્ય મહેશ વસાવાના પુત્ર ગૌરાંગ અને ભાજપના જિ. પં. સભ્ય હિતેશ વસાવાના સાગરીતો વચ્ચે હથિયારો ઉછળ્યાં

નર્મદા જિલ્લા પંચાયતના ભાજપના સભ્ય હિતેશ વસાવા અને ડેડીયાપાડાના બીટીપીના ધારાસભ્ય મહેશ વસાવાના પુત્ર ગૌરાંગ વચ્ચે દેવમોગરામાં થયેલાં ઝગડાના લોહીયાળ પ્રત્યાઘાતો પડયાં છે. બંને પક્ષના સાગરિતોએ એકબીજા પર કરેલાં હુમલામાં 6 થી વધારે લોકોને ઇજા થતાં તેમને સારવાર માટે ખસેડાયાં છે. રાજયમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચુંટણી બાદ બીટીપી અને ભાજપ વચ્ચે રોપાયેલું વેર હવે દાવાનળની જેમ પ્રસરી રહયું છે. મારામારી બાદ ડેડીયાપાડામાં ભારેલા અગ્નિ જેવો માહોલ છે. જિલ્લાભરમાંથી પોલીસ કાફલો ડેડીયાપાડામાં ખડકી દેવામાં આવ્યો છે.

દેવમોગરામાં થયેલી મારામારીના સંદર્ભમાં ડેડીયાપાડા પોલીસ સ્ટેશનમાં સામસામી ફરિયાદ નોંધાઇ છે. એક ફરિયાદ માલજીપુરાના ધર્મેશ વસાવાએ જયારે બીજી ડેડીયાપાડાના પાર્થ વસાવાએ નોંધાવી છે. ધર્મેશ વસાવાની ફરિયાદ મુજબ તેઓ તેમની બાધા પુરી કરવા માટે દેવમોગરા ગયાં હતાં અને ત્યાં રાખેલી પ્રસાદીમાં ડેડીયાપાડાના ધારાસભ્ય મહેશ વસાવાના પુત્ર ગૌરાંગ સહિત યુધ્ધરાજ કિશોર વસાવા, આશિષ દીલીપ વસાવા તથા અન્ય લોકોને બોલાવવામાં આવ્યાં હતાં. ગૌરાંગ વસાવા દેવમોગરાના ફીલ્ટરેશન પ્લાન્ટ પાસે તેમની કાર લઇને ઉભો હતો તે સમયે કેટલાક લોકો સાથે ઝગડો થયો હતો.

દેવમોગરામાં બંને જૂથો વચ્ચે મારામારી
દેવમોગરામાં બંને જૂથો વચ્ચે મારામારી

ઝગડો શાંત પડી ગયાં બાદ ફરિયાદી અને તેના સાથીઓ ઇકો કારમાં પરત માલજીપુરા જઇ રહયાં હતાં તે સમયે રસ્તામાં દિવાલ શેઠનો છોકરો હિતેશ વસાવા કે જે જિલ્લા પંચાયતનો ભાજપનો સભ્ય પણ છે તેણે તેમની કાર અટકાવી હતી. હિતેશ તથા અન્ય લોકોએ હુમલો કરતાં ધર્મેશ વસાવા જીવ બચાવવા ભાગ્યો હતો. આખરે રસ્તામાં ડેડીયાપાડા પોલીસની જીપ મળી જતાં તેને પોલીસ સ્ટેશન અને બાદમાં દવાખાને ખસેડવામાં આવ્યો હતો.

અન્ય ફરિયાદ પાર્થ વસાવાએ નોંધાવી છે જેમાં તેઓ દેવમોગરા ગયાં હતાં તે સમયે ફીલ્ટરેશન પ્લાન્ટ પાસે ગૌરાંગ મહેશ વસાવા અને તેના મિત્રોને કાર સાઇડમાં હટાવવા માટે કહયું હતું. આ બાબતની રીષ રાખી યુધ્ધરાજ વસાવા ,ગૌરાંગ વસાવા,આશિષ દિલીપ વસાવા સહીત ગૌતમ, દીપતેશ,વનરાજ, ધર્મેશ, નિલેશ,પિયુષ સહિતના લોકોએ ભેગા મળી તેમને માર મારી મારક હથિયારોથી હુમલો કર્યો હતો.

દેવમોગરામાં થયેલી અથડામણ બાદ ડેડીયાપાડામાં ભારેલા અગ્નિ જેવો માહોલ છે. ડેડીયાપાડા પોલીસ સ્ટેશનની બહાર ગત રાત્રિના સમયે હજારો લોકો એકત્ર થઇ જતાં વાતાવરણ તંગ બની ગયું હતું. બનાવ બાદ બીટીપી અને ભાજપના આગેવાનો પણ ડેડીયાપાડા દોડી આવ્યાં છે. હાલ તો ડેડીયાપાડામાં લોખંડી પોલીસ બંદોબસ્ત ખડકી દેવાયો છે.

તંગદિલી વચ્ચે પોલીસનું સઘન પેટ્રોલિંગ
તંગદિલી વચ્ચે પોલીસનું સઘન પેટ્રોલિંગ

આરોપીઓ સામે કડક હાથે કાર્યવાહી કરવામાં આવશે
દેવમોગરા તથા ડેડીયાપાડામાં બનેલી ઘટના બાદ પોલીસની ટીમો મોકલી સ્થિતિ પર કાબુ મેળવી લેવાયો છે. કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો છે તેમજ પેટ્રોલિંગ કરાય રહયું છે. કાયદો હાથમાં લેનારા કોઇ પણ ચમરબંધીને છોડવામાં આવશે નહિ. > પ્રશાંત સુબે, એસપી, નર્મદા.

દેવમોગરામાં દેશી-વિદેશી દારૂની વેચાણ થતું હોવાની બૂમ
આદિવાસી સમાજના કુળદેવી પાંડુરી માતાજીનું મંદીર દેવમોગરામાં આવેલું છે. આદિવાસી સમાજના લોકો પશુઓની બલિ ચઢાવવા માટે આવતાં હોય છે. આ વિસ્તારમાં દેશી તથા વિદેશી દારૂનું ધુમ વેચાણ થતું હોવાની ફરિયાદો ઉઠી છે. દેવમોગરા ખાતે મહારાષ્ટ્રમાંથી તીન ખુનિયા ગામેથી અને અન્ય માર્ગે ઘુસાડવામાં આવે છે.

સ્થાનિક સ્વરાજની ચૂંટણીથી વેરના મંડાણ
ભરૂચ અને નર્મદા જિલ્લાના આદિવાસી વિસ્તારોમાં ઝઘડીયાના ધારાસભ્ય છોટુ વસાવાનું એકહથ્થુ શાસન ચાલી રહયું હતું પણ છેલ્લા કેટલાક વર્ષોથી છોટુ વસાવાના સામ્રાજયના કાંગરા ભાજપે ખેરવી નાંખ્યાં છે. ખાસ કરીને સ્થાનિક સ્વરાજની ચુંટણીઓમાં ભાજપે આદિવાસી વિસ્તારોમાંથી બીટીપીનો એકકો ભુંસી નાંખ્યો છે. સ્થાનિક સ્વરાજની ચુંટણીથી વેરના બીજ રોપાયાં હતાં અને હવે તેના લોહીયાળ પડધાઓ પડી રહયાં છે. દેવમોગરામાં બનેલી ઘટના આજ દુશ્મનાવટનું પરિણામ હોવાની ચર્ચા જોરશોરથી ચાલી રહી છે.

બંને પાર્ટીઓના નેતાઓના નિવેદનો વધ્યાં
સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પહેલા અને પછી ભાજપ અને બીટીપીના નેતાઓ એકબીજા પર વાક પ્રહારો કરી રહ્યા છે. ખાસ કરીને ભાજપના સાંસદ મનસુખ વસાવા તેમના હરીફ છોટુ વસાવાને નિશાન બનાવી નિવેદનો કરતા આવ્યાં છે. તો બીજી તરફ ઝઘડિયાના ધારાસભ્ય છોટુ વસાવા પણ મનસુખ વસાવા અને ભાજપ વિરૂદ્ધ નિવેદનો આપી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...