દેડિયાપાડાના કેવડી ગામે ઉનાળાની માંડ શરૂઆત થઈ છે ત્યારથી જ મહિલાઓને પાણી માટે વલખા મારવા પડે છે. કેવડી ગામે આવેલા નિશાળ ફળિયાની મહિલાઓને દરરોજ સવારે પીવાના તેમજ ઘર વપરાશના પાણી માટે લાઈનોમાં ઉભા રહેવાની ફરજ પડે છે.
નર્મદા જિલ્લામાં સરકારી યોજનાઓમાં ભારે ગોબાચારી અને ભ્રષ્ટાચાર જોવા મળે છે. સરકારી યોજનાઓ માત્ર સરકારી બાબુઓ અને કામ કરતી એજન્સીઓની તિજોરીઓ ભરવાનું માધ્યમ બની હોવાનું લોકમુખે ચર્ચાનું કેન્દ્ર બનેલું છે. ત્યારે તેનો જીવતો જાગતો દાખલો કેવડી ગામે બનાવેલ નલ સે જલ અંતર્ગત શુધ્ધ પીવાના પાણીના ટાંકી અને નળ છે. સરકારે પાણીની ટાંકી બનાવી તેમજ દરેક ઘર સુધી નળ મુકવામાં આવ્યા છે પરંતુ નળમાં પાણી નું ટીપુંય આવતું નથી.
કેવડી ગામમાં સરકાર દ્વારા બનાવવામાં આવેલી આ યોજનામાં નિશાળ ફળિયાના લોકોને પીવાનું પાણી મળતું નથી. ગામની મહિલાઓ એક જ બોર મોટર પાસે વહેલી સવારેથી જ પાણીના બેડાં લઈ લાઇનમાં ઉભી રહે છે. ફળિયામાં એક જ મોટર હોવાને કારણે મહિલાઓને પાણી માટે લાઈનમાં ઉભા રહેવું પડે છે. ત્યારે નલ સે જળ અંતર્ગત બનાવેલા લાખોની યોજના શોભાના ગાંઠિયા સમાન બની ગયેલ છે. હાલ ઉનાળાની માંડ શરૂઆત જ થઈ છે ત્યારે જ્યારે જમીનમાં પાણીના સ્તર વધુ ઊંડે જશે ત્યારે વધુ તકલીફ પડશે તેમ ગ્રામજનોએ જણાવ્યું હતું. ઉનાળાના પ્રારંભે જ પીવાના પાણીના વલખા ગામલોકોને મારવા પડી રહયાં છે.સરકારી યોજનાનો લાભ લોકોને મળી રહયો ન હોવાથી તેમનામાં ભારે રોષની લાગણી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.