ધમકી:ડેડિયાપાડાના TDOની તબીબને જાનથી મારી નાખવાની ધમકી

ડેડિયાપાડા24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પૂરના પાણીમાં ડૂબી ગયેલાના પીએમ રિપોર્ટ અંગે મામલો બિચક્યો

ડેડીયાપાડા તાલુકાના મોસદા ગામે આવેલાં સરકારી દવાખાનાના તબીબ ડૉ. ચિરાગ વસાવા અને ડેડીયાપાડાના જ તાલુકા વિકાસ અધિકારી સામે જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાવતાં સમગ્ર કિસ્સો સરકારી આલમમાં ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. તબીબ ડૉ. ચિરાગ વસાવાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યાં અનુસાર તેમની રજા હોવાથી તેઓ પોતે વડોદરા ખાતે તેમના નિવાસ સ્થાને હતાં. તે સમયે ટીડીઓ કનૈયાલાલ વસાવાનો ફોન આવ્યો હતો અને 12મી ઓગષ્ટના રોજ ડુબી જવાથી મૃત્યુ પામેલા વ્યકતિના પોસ્ટમોર્ટમ રીપોર્ટની માગણી કરી હતી.

ફોન પર તેમણે એફએસએલમાં સેમ્પલ મોકલ્યાં કે કેમ સહિતની બાબતોમાં મગજમારી કરી હતી. આ દરમિયાન ઉશ્કેરાય જઇ કનૈયાલાલ વસાવાએ તબીબ તથા તેમના ઉપરી અધિકારી વિશે અપશબ્દો બોલી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. તો બીજી તરફ ટીડીઓ કનૈયાલાલ વસાવાએ જણાવ્યું હતું કે, વેડસા ગામે એક વ્યકતિનું પુરના પાણીમાં ખેંચાઇ જવાથી મૃત્યુ થયું હતું. જેનો પીએમ રીપોર્ટ મોસદાના સરકારી દવાખાનામાંથી મેળવવાનો થતો હતો.મૃતકને સરકાર તરફથી 4 લાખ રૂપિયાની સહાય મળવાપાત્ર થતી હોવાથી પીએમ રીપોર્ટની તબીબ પાસે માગણી કરી હતી.

વારંવાર રીપોર્ટ માગવા છતાં તેઓ ગલ્લાતલ્લા કરતાં હતાં. 26 તારીખ થઇ ગઇ હોવા છતાં રીપોર્ટ નહિ મળતાં તેમને ફોન કર્યો હતો. આ જ ઘટના બની હતી અને મારી સામે નોંધાવવામાં આવેલી ફરિયાદ ખોટી છે.અત્રે ઉલ્લેખનીય છે કે, ડુબી જવાથી કે અન્ય કારણોસર મોતને ભેટેલા લોકોને સરકાર તરફથી 4 લાખ રૂપિયાની સહાય ચુકવવામાં આવે છે અને તેના માટે જરૂરી દસ્તાવેજો માટે બે સરકારી અધિકારીઓ એકબીજા સાથે બાખડી પડયાં હતાં.

અન્ય સમાચારો પણ છે...