મુશ્કેલી:ચીકદા ખાતે વીજ કચેરી શરૂ કરવા મંજૂરી તો અપાઈ પરંતુ વહીવટી મંજૂરી માટે અટવાઇ

ડેડિયાપાડા6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચીકદા સબ ડિવિઝન હેઠળ લગભગ 170થી વધુ ગામડાઓ પ્રભાવિત

ડેડિયાપાડાના ચીકદા ખાતે ડિજીવીસીએલ ની કચેરી શરૂ કરવા વીજ વિભાગ સાલ 2020 થી ક્યા મુહરતની રાહ જોઈ છે તે સ્થાનિક લોકો સહિત પૂર્વ વન મંત્રીને સમજાતું નથી. છેલ્લા કેટલાક વર્ષોથી ચીકદા ખાતે વીજ કચેરી શરૂ થાય તે માટે માંગો કરવા છતાં તંત્ર દ્વારા કોઈજ કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી.

મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લાનો ડેડીયાપાડા તાલુકો સંપૂર્ણપણે આદિવાસી બહુલ વસ્તી ધરાવતો તાલુકો છે.જેમાં જિલ્લાનો 60 ટકા ભૌગોલિક વિસ્તાર આવેલ છે. ડેડીયાપાડા તાલુકામાં 210 જેટલા અનેક નાના મોટા ગામો આવેલા છે જે 1180 ચો.કિમિ માં વિસ્તરેલ છે.તેમાંથી ચીકદા સબ ડિવિઝન હેઠળ 170 જેટલા ગામડાઓ આવે છે. ત્યારે આટલા મોટા ભૌગોલિક વિસ્તાર ધરાવતા તાલુકા માટે ફક્ત એક જ વીજ વિભાગની કચેરી તાલુકા મથક ડેડીયાપાડા ખાતે કાર્યરત છે. ત્યારે વીજ પુરવઠો સહિત વીજ કચેરીની સેવાઓ સમયસર મળતી નથી.

ત્યારે છેલ્લા કેટલાક વર્ષોથી ડેડીયાપાડાના ચીકદા ખાતે નવી વીજ કચેરી શરૂ કરવા માટે માંગ કરવા છતાં ઉર્જા વિભાગ દ્વારા યેનકેન પ્રકારે માંગને ટલ્લે ચઢાવી દેવામાં આવી રહી છે.એક તો તાલુકો મોટો અને સમસ્યાઓ અનેક અને તેમાંય વીજ પુરવઠો સહિત વીજ વિભાગની સેવાઓ સમયસર મળતી નથી. ત્યારે કર્મચારીઓની સંખ્યાની સરખામણીએ તાલુકામાં વીજ લાઈનોની લંબાઈ પણ ખુબજ વધારે હોઈ વીજ ગ્રાહકો અને કર્મચારીઓ વચ્ચે વીજ પુરવઠો નિયમિત આપવા બાબતે કાયમ તું તું મેં મેં થાય છે.

કેન્દ્ર અને રાજ્ય સરકાર ની નવી ફળદાયી યોજનાઓ લોકો સુધી સરળતાથી લઈ જઈ શકાય તે માટે ભૂતકાળમાં GUVNL ની એક બોર્ડ મિટિંગમાં ડેડીયાપાડાની વીજ કચેરીના બે ભાગ કરી નવી કચેરી ચીકદા ખાતે શરૂ કરવા મંજૂરી પણ આપી દેવામાં આવી હોવાની જાણકારી મળી છે છતાં તેની વહીવટી મંજૂરી માટે લગભગ ઓગસ્ટ 2020ની સાલથી ઊર્જા વિભાગમાં તેની ફાઇલ યેનકેન પ્રકારે અટકાવી દેવામાં આવી છે.

આથી આ કચેરી વહેલીટકે શરૂ થાય તે માટે ભૂતકાળમાં રાજ્ય સરકારના પૂર્વ વન મંત્રી મોતીસિંહ વસાવા દ્વારા આ બાબતે એક પત્ર પણ ઊર્જા મંત્રીને લખવામાં આવ્યો હોવાનું જાણવા મળેલ છે. વર્ષોથી લોકો દ્વારા અહીં વીજ કચેરી શરૂ થાય તે માટે અનેકો પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે છતાં કોઈ નિરાકરણ આવ્યું નથી.

અન્ય સમાચારો પણ છે...