દેશમાં આઝાદીના અમૃતકાળની રંગેચંગે ઉજવણી કરવામાં આવી રહી છે પણ નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકામાં મોસ્કુટ (વડપાડા) ગ્રામ પંચાયતમાં આવેલા ઝરી ગામમાં હજૂ પ્રાથમિક શાળાની સુવિધા જ નથી. જેના કારણે ગામના 42 બાળકોને આશ્રમશાળામાં અભ્યાસ કરવાની ફરજ પડી રહી છે.
સરકાર નિરક્ષરતા ધટાડવા તેમજ ડ્રોપ આઉટ રેશિયો ઓછો કરવા શાળા પ્રવેશોત્સવ, કન્યા કેળવણી, ગુણોત્સવ જેવા વિવિધ કાર્યક્રમો યોજી રૂપિયાનું પાણી કરી વાહવાહી લૂંટવાની ઝુંબેશ ઉઠાવે છે. જ્યારે અંતરીયાળ વિસ્તારમાં પરિસ્થિતિ કાંઈક અલગ જ હોય છે. ગામડાઓમાં પ્રાથમિક શિક્ષણની સુવિધા ન હોવાને કારણે બાળકો શિક્ષણથી વંચિત રહી જાય છે.ઝરી ગામમાં ધોરણ 1 થી 5 માં આવતાં 42 જેટલા બાળકો તાલુકાની અન્ય આશ્રમ શાળાઓમાં રહી અભ્યાસ કરવા મજબુર છે.
જ્યારે 5 જેટલા અત્યંત ગરીબ પરિવારમાંથી આવનારા બાળકોએ આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાને કારણે શિક્ષણ છોડ્યું છે. ગામમાં આવેલી આંગણવાડીમાં ત્રણ થી છ વર્ષના કુલ 26 બાળકો તેમજ પાંચ થી છ વર્ષના કુલ 7 બાળકો સરકારી ચોપડે નોંધાયેલ છે. આટલાં બાળકો નોંધાયેલા હોવા છતાં તંત્ર દ્વારા આ ગામ માટે શાળા ન બનાવી આદિવાસી વિસ્તારના બાળકોનું ભાવિ અંધકારમય બનાવી દીધું છે.
ગરીબ બાળકોને ભણવાનો અધિકાર છે
ગામડાના દરેક પરિવારની આર્થિક સ્થિતિ સારી હોતી નથી. માંડ મજૂરી કરીને પેટે પાટા બાંધીને પોતાના બાળકોને ભણાવતા હોય છે. ગામમાં પ્રાથમિક શાળાની સુવિધા હોય તો કોઈ પણ બાળક શિક્ષણથી વંચિત ના રહે. અમારા ગામના બાળકોને ભણવા માટે આશ્રમશાળામાં મૂકવાની ફરજ પડી રહી છે. સરકાર વહેલી તકે અમારા ગામમાં શાળા બનાવે તેવી અમારી માગ છે. > ફતેસિંગ વસાવા. ડેપ્યુટી સરપંચ.
મર્જના નામે કેટલીય શાળાઓ બંધ કરાઇ
ગુજરાત રાજ્યને વિકાસનું મોડલ બતાવી ભારતને વિશ્વ ગુરુ બનાવવાની સરકાર વાત કરી રહી છે. સરકારી રિપોર્ટ અને વાસ્તવિક પરિસ્થિતિ કાંઈક અલગ જ હોય છે. જયારે આદિવાસી વિસ્તારોમાં શાળાઓ મર્જ કરવાના નામે કેટલીય શાળાઓ બંધ કરી દેવામાં આવી છે. કેટલીય શાળાઓના મકાનો જર્જરિત હાલતમાં છે તો કેટલીક શાળાઓ એક જ શિક્ષકથી ચાલી રહી છે.> ચૈતર વસાવા, ધારાસભ્ય, દેડિયાપાડા
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.