તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પબજીની આડ અસર:ઠાસરાના માસરા ગામે યુવાને પબજીની લતને કારણે આપઘાતનો પ્રયાસ કર્યો, ઉમરેઠ બસ સ્ટેન્ડ પાસે ડિઝલ છાંટી 20 ફૂટ ઉપરથી કૂદકો માર્યો

ઠાસરા8 મહિનો પહેલા
યુવકનું ઘર અને ઇન્સેટમાં બળેલા કપડાંના થોડા અવશેષ - Divya Bhaskar
યુવકનું ઘર અને ઇન્સેટમાં બળેલા કપડાંના થોડા અવશેષ
  • 98 ટકા દાઝી ગયેલા યુવાનને સારવાર માટે કરમસદની કૃષ્ણ હોસ્પિટલમાં ખસેડાયો
  • ઉમરેઠ પોલીસ સ્ટેશનની બાજુમાં આવેલા કોમ્પલેક્ષમાં રાત્રિના બનેલી ઘટનાને પગલે અરેરાટી
  • સળગ્યા બાદ પ્રથમ માળેથી ઝંપલાવતા ગંભીર, કરમસદ હોસ્પિટલમાં સારવાર હેઠળ

ઉમરેઠ શહેરમાં પોલીસ સ્ટેશનની બાજુમાં આવેલા આર્યન કોમ્પલેક્ષના પ્રથમ માળેથી રાત્રિના સાડા ત્રણ વાગ્યે વીસ વર્ષીય યુવકેે શરીર પર જવલનશીલ પદાર્થ છાંટીને પડતું મૂક્યું હતું. આ અંગેની જાણ પોલીસકર્મી અને સ્થાનિકોને થતાં જ તેઓ તુરંત સ્થળ પર પહોંચી ગયા હતા અને એમ્બ્યુલન્સ મારફતે યુવકને તાત્કાલિક કરમસદની ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યો હતો. જ્યાં હાલમાં યુવક જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાઈ રહ્યો છે. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં યુવકને તેના પિતાએ મોબાઈલમાં પબ્જી ગેમ રમવા બાબતે ઠપકો આપ્યો હતો. જેને પગલે લાગી આવતાં તેણે આ પગલું ભર્યું હોવાનું જણાવ્યું હતું.

પિતાએ ઠપકો આપતા ઘરેથી નીકળી ગયો હતો
આ અંગેની પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, ઠાસરા તાલુકામાં રહેતા અજય દશરથસિંહ પરમાર બુધવારે સાંજે પાંચ વાગ્યે ઘરે કોઈને કંઈ કહ્યા વિના નીકળી ગયો હતો. એક તરફ મોડી રાત્રિ સુધી પરિવારજનો ચિંતાતુર બની તેની શોધખોળ કરી રહ્યા હતા. દરમિયાન, બીજી તરફ પરોઢીયે ચાર સાડા ચાર વાગ્યાની આસપાસ અજયના નાના ભાઈ પ્રદીપ પર ઉમરેઠ પોલીસે ફોન કર્યો હતો. ઉમરેઠ પોલીસે તેને ફોન કરીને જાણ કરી હતી કે, અજયે પોતાના શરીર પર જ્વલનશીલ પદાર્થ છાંટીને પોલીસ સ્ટેશનની બાજુમાં આવેલા કોમ્પલેક્ષના પ્રથમ માળેથી પડતું મૂક્યું છે. જેને પગલે પરિવારજનોને પણ ધ્રાસકો પડ્યો હતો અને તેઓ તાબડતોડ ઉમરેઠ આવી પહોંચ્યા હતા. બીજી તરફ ઘટના બાદ એકઠાં થયેલાં ટોળાં અને પોલીસે તાત્કાલિક તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડ્યો હતો. હાલમાં અજયની શ્રીકૃષ્ણ હોસ્પિટલના બર્ન્સ વિભાગમાં સારવાર ચાલી રહી છે. તબીબી સૂત્રોના જણાવ્યા અનુસાર, 90 ટકા તેના શરીરનો ભાગ બળી ગયો છે. વધુમાં તેને માથા અને શરીરના ભાગે પણ ગંભીર ઈજા પહોંચી છે.

પબ્જી ગેમ રમતો હોઈ ઠપકો આપ્યાનું કબુલ્યું
ઉમરેઠ પોલીસ દ્વારા બીજી તરફ પિતાનું નિવેદન લેવામાં આવ્યું હતું. પોલીસ સમક્ષ કબુલાત કરતાં પિતા દશરથ પરમારે જણાવ્યું હતું કે, યુવક છેલ્લાં કેટલાંય સમયથી કંઈ કરતો નહોતો. તે આખો દિવસ મોબાઈલમાં ગેમ રમ્યા કરતો હતો. જેને કારણે મેં તેને ઠપકો આપ્યો હતો. આમ, આ બાબતે જ તેણે પગલું ભર્યું હોવાનું કહેવાઈ રહ્યું છે.

ડાઈંગ ડિક્લેરેશનમાં મરવા માટે પગલું ભર્યું હોવાનું જણાવ્યું
હાલમાં મામલતદાર સમક્ષ અમે લોકોએ પીડિતનું ડાઈંગ ડિક્લેરેશન લીધું હતું. જેમાં તેણે જણાવ્યું હતું કે, તેણે મરવા માટે જ પગલું ભર્યું હતું. જોકે, હાલત ખૂબ ગંભીર હોઈ ઝાઝી વાત થઈ શકી નહોતી. > પી.કે. સોઢા, પીએસઆઈ, ઉમરેઠ પોલીસ સ્ટેશન

કેરબામાં જવલનશીલ પદાર્થ, ડીઝલ કે કેરોસીન ?
હાલમાં યુવક જવલનશીલ પદાર્થ કેટલો અને ક્યાંથી લાવ્યો હતો તે પણ તપાસનો વિષય બન્યો છે. એવું કહેવાય છે કે મરવાના પ્રિ પ્લાનીંગ સાથે જ તે આવ્યો હતો. એક કેરબામાં તે અંદાજિત ત્રણેક લીટર જેટલું પ્રવાહી લઈ આવ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. હાલમાં પોલીસ દ્વારા એફએસએલની મદદ લઈને તપાસ હાથ ધરવામાં આવી છે. જોકે, પ્રાથમિક તપાસમાં ડીઝલ હોવાનું ખૂલ્યું છે.

સાંજે પાંચ વાગ્યે મારી પાસેથી 500 રૂપિયા માંગ્યા હતા
ઠાસરાના મસારા ગામે હું મારો ભાઈ અને મારા મા-બાપ રહીએ છે. અમે લોકો ખેતમજૂરી કામ કરી પરિવારનું જીવન ગુજરાન ચલાવીએ છીએે. તે અપરણિત છે. જ્યારે હું પરણિત છું. બુધવારે સાંજે પાંચ વાગ્યે હું ઘરે હાજર હતો ત્યારે અજય મારી પાસે આવ્યો હતો અને તેણે મારી પાસેથી રૂપિયા 500 માંગ્યા હતા. મેં તેને પૈસા કેમ જોઈએ છે તેમ પૂછતાં તેણે મન કંઈ જવાબ આપ્યો નહોતો. અને એ પછી તે ઘરેથી કોઈને કંઈ પણ કહ્યા વિના નીકળી ગયો હતો. મોડી સાંજ સુધી તે ઘરે આવ્યો નહોતો. અમે શોધખોળ કરી રહ્યા હતા, દરમિયાન પરોઢીયે પોલીસે સમગ્ર ઘટના અંગે અમને જણાવ્યું હતું. - પ્રદીપ પરમાર, પીડિતનો ભાઈ

(અહેવાલ અને તસવીરઃ તેજસ શાહ, ડાકોર)

અન્ય સમાચારો પણ છે...