એક તરફ મેઘરાજા રીસાયા છે, અને વરસાદ પાછો ઠેલાઇ રહ્યો છે. જેના કારણે સિંચાઈના પાણીને લઇ ખેડૂતો મુશ્કેલી વેઠી રહ્યા છે. સરકાર દ્વારા કેનાલોમાં પાણી છોડવાની વાતો થઈ રહી છે. પરંતુ કેનાલની જર્જરિત હાલત અને અયોગ્ય સફાઇના કારણે છેવાડાના ખેડૂતોને તેનો લાભ મળી રહ્યો નથી.
આવી જ હાલત ઠાસરા તાલુકામાં આવેલ રસુલપુર, પીલોલ તથા ઓરંગાપુરામાં ખેડૂતોની છે. ખેતી માટે પાણી ન મળતા ખેડૂતોનો મહામુલો પાક નિષ્ફળ જવાના આરે ઉભો છે. કેનાલોમાં પાણી તો છોડાયું, પરંતુ મહી કેનાલના જમણા કાંઠા ઉપર આવેલી નહેર ઉપર સાફ સફાઈના અભાવે જંગલી ઝાડી ઉગી નીકળતા પાણી પહોચવામાં અવરોધો ઊભા થાય છે.
કેનાલની સાફસફાઈ અને રીપેરીંગ થાય તો પાણી છેવાડાના ખેડૂત સુધી પહોંચી શકે તેમ છે. પરંતુ તંત્રની નિષ્કાળજીના કારણે ખેડૂતોનો મોંઘા ભાવના ડાંગરનો પાક નિષ્ફળ જવાના આરે હોવાની રજૂઆત કરતું આવેદનપત્ર મામલતદારને આપ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.