પોક્સો હેઠળ સજા:કપડવંજની સગીરા સાથે સોશ્યલ મીડિયા દ્વારા સંપર્ક કરી પોતાની હવસ સંતોષનારા યુવકને 10 વર્ષની સજા ફટકારાઈ

નડિયાદ5 મહિનો પહેલા
  • સોશિયલ મીડિયામાં વાતચીત શરૂ કરી યુવકે સગીરાને પ્રેમજાળમાં ફસાવી હતી
  • સગીરાની મરજી વિરુદ્ધ તેની સાથે શારીરિક અત્યાચાર ગુજાર્યો હતો

કપડવંજના તોરણની સગીરાને સોશિયલ મીડિયા મારફતે યુવકે પ્રેમજાળમાં ફસાવી તેની મરજી વિરુદ્ધ શારીરિક અત્યાચાર ગુજાર્યો હતો. ત્યારે આ બનાવમાં નડિયાદ પોક્સો કોર્ટે આરોપી યુવકને કસૂરવાર ઠેરવી 10 વર્ષની સખત કેદની સજા ફટકારી છે.

કપડવંજ તાલુકાના અંતિસર ગામે રહેતા 22 વર્ષિય ધર્મેન્દ્ર ઉર્ફે રાહુલ રાજુભાઈ સોલંકી પોતે કાપડની દુકાનમાં નોકરી કરતો હતો. તેણે સોશિયલ મીડિયા દ્વારા કપડવંજ તાલુકાના તોરણા ગામની સગીરાનો સંપર્ક કરી બંને વચ્ચે સોશિયલ મીડિયાના માધ્યમથી વાતચીત શરૂ થઈ હતી. આ વાતચીત દરમિયાન યુવકે સગીરાને પ્રેમજાળમાં ફસાવી હતી. વર્ષ 2019ના 11 ઓક્ટોબરના રોજ સગીરાના માવતર તેમના કોઈ સંબંધીની પુત્રી બીમાર હોય દવાખાનામાં દાખલ કરી હતી. ત્યારે તેની ખબર કાઢવા માટે ગયા હતા. આ દરમિયાન સગીરા ઘરે એકલી હતી તે વખતે આ ધર્મેન્દ્ર પોતાની મોટરસાયકલ લઈને સગીરાના ગામમાં આવી ચડયો હતો. ગામમાં આવેલા મંદિર પાસે આ સગીરાને બોલાવી હતી અને ત્યાંથી બાઈક ઉપર બેસાડી લઈ ગયો હતો. જે બાદ પ્રતાપનગર કેનાલ પાસે એક આંબા નીચે લઈ ગયા બાદ સગીરની મરજી વિરુદ્ધ તેની સાથે શારીરિક અત્યાચાર ગુજાર્યો હતો. ત્યારબાદ તેણીને તેના ઘરે મૂકી દીધી હતી.

આ 17 વર્ષિય સગીરા રાત્રે એક વાગ્યે ઘરે આવી હતી અને પોતાની સાથે જે ઘટના બની છે તેની જાણ પરિવારને કરી હતી. જેથી ભોગ બનનારની માતાએ આ બાબતે કપડવંજ રૂરલ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી હતી અને તપાસ કર્યા બાદ ચાર્જશીટ નડિયાદ કોર્ટમાં મૂકી હતી.

આ કેસ સ્પે.પોક્સો. જજ ડી.આર.ભટ્ટની કોર્ટમાં ચાલવતા સરકારી વકીલ ધવલ આર.બારોટે 23 દસ્તાવેજી પુરાવાઓ તેમજ 16 સાક્ષીઓ રજૂ કર્યા હતા. જે તપાસ્યા બાદ આ તમામ બાબતો ધ્યાનમાં રાખી કોર્ટે આરોપીને 10 વર્ષની સખત કેદની સજા તથા દંડ ભરવાનો હૂકમ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...