તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઓફલાઇન શિક્ષણ:નડિયાદ સહિત જિલ્લાની ધોરણ 6થી 8ની શાળાઓમાં ઓફલાઈન શિક્ષણ કાર્ય શરૂ, પહેલાં દિવસો વિધાર્થીઓની પાંખી હાજરી જોવા મળી

નડિયાદ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોરોનાની સંભવિત ત્રીજી લહેરને લઈને વાલીઓ ભયભીત
  • પ્રથમ દિવસે 80 ટકા હાજરી, પ્રાથમિક શાળાઓમાં 2.46 લાખ વિદ્યાર્થી
  • 50 ટકા મુજબ 1.23 લાખના લક્ષ્યાંક સામે 1.16 લાખ બાળકો હાજર રહ્યાં

ખેડા જિલ્લામાં છેલ્લા દોઢ વર્ષથી ધોરણ 6થી 8ની શાળાઓ કોરોના કારણે બંધ હતી. આજે આ શાળાઓના દ્વારા ખુલી જતા ખંડેર લાગતી શાળાઓ બાળકોના ખિલખિલાટથી ગુંજી ઉઠી હતી. આજે પ્રથમ દિવસોએ શાળામાં બાળકોની પાંખી હાજરી હતી. જ્યારે શાળા પરિવારે શાળા ખાતે પહોંચેલા બાળકોને આવકાર્યા છે.

જુલાઈ મહિનાથી કોરોનાના કેસોમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે અને આ ઘટાડાને લઈ ધો.6થી 8માં ભણતા બાળકોના વાલીઓ અને શિક્ષકો દ્વારા પણ ઓફલાઈન શિક્ષણની માંગ કરવામાં આવી હતી. જેના કારણે સરકાર દ્વારા વિચારણાઓ કર્યા બાદ 2 સપ્ટેમ્બરથી શાળાઓ ખોલવાનો નિર્ણય કરાયો હતો. જે બાબતને વાલીગણ અને બાળકોએ પણ વધાવી લીધો છે. ગુરુવારથી રાબેતા મુજબ શિક્ષણ કાર્ય ઓફલાઈન પધ્ધતિથી શરૂ થયું છે. જોકે, હાલ શાળામાં બાળકોને ફરજીયાત ન બોલાવવા તથા કોવિડની ગાઈડલાઈનનું પાલન કરવાની તેમજ શાળાએ આવતાં બાળકોની તકેદારી રાખવા તંત્ર દ્વારા તમામ શાળાઓને જાણ કરવામાં આવી છે. નડિયાદ સહિત જિલ્લાની શાળાઓમાં આજે બાળકોએ ઉત્સાહપૂર્વક હાજરી આપી હતી. પ્રથમ દિવસે બાળકોની સંખ્યા ઓછી જણાતી હતી. જ્યારે શાળા પરિવારે વિદ્યાર્થીઓને આવકાર્યા છે.

નડિયાદ પારસ સર્કલ પાસે આવેલી બાસુદીવાલા પબ્લિક હાઇસ્કૂલમાં ધો. 6થી 8ના બાળકોને આવકારવામાં આવ્યા છે. સાથે સાથે આ તબક્કે તમામ વર્ગ ખંડને ખાસ શણગારવામાં આવ્યા હતા. અહીંયા ભણતાં તમામ વિદ્યાર્થીઓનું શાળાના આચાર્ય પ્રશાંત ઉપાધ્યાયે તથા સ્ટાફ પરિવારે સ્વાગત કર્યું હતું. દરેક વિદ્યાર્થીઓના હાથ સેનેટાઇઝ કરી વર્ગમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. શાળા પરિવારે દરેક વિદ્યાર્થીને માસ્ક અને ચોકલેટ આપી આવકાર્યા છે.

હવે ધોરણ 1થી 5ની શાળાઓ બાળકો માટે ક્યારે ખૂલશે ? તે આવનાર સમયમાં જ સમજી શકાશે. ગત માર્ચ 2020થી બાળકો માટે બંધ શાળાઓના દરવાજા આજે ખુલ્યા હતા. જોકે આ શાળાઓ ખોલવાની સાથે કેટલીક તકેદારી રાખવામાં આવી હતી વાલીની સંમતિ ખૂબ જરૂરી છે શાળામાં 50 ટકા વિદ્યાર્થી હાજરી આપે તેવી વ્યવસ્થા કરવી અને કોરોના ગાઈડ લાઇનનું ચુસ્તપણે પાલન થવું જોઈએ તે તમામ નિયમો લાગુ રહેશે.

કોરોનાની સંભવિત ત્રીજી લહેરને લઈને વાલીઓ ભયભીત

વાલી તેમજ વિદ્યાર્થીઓમાં કોરોનાનો હજુ પણ ડર સતાવી રહ્યો છે. સંભવિત ત્રીજી લહેરને કારણે હજુ પણ કેટલા વાલીઓ પોતાના બાળકોને શાળાએ મોકલવા માંગતા નથી. ખતરો અટક્યો નથી પરદેશમાં કોરોનાના નવા નવા સ્ટ્રેજ સામી આવી રહ્યા છે. ત્યારે બાળકો માટે જોખમ લેવા વાલીઓ માંગતા નહોવાનું એક વાલીએ જણાવ્યું છે. જોકે શાળા દ્વારા ઓનલાઇન શિક્ષણ પધ્ધતિ ચાલુ રખાશે.

પ્રત્યક્ષ ભણતર જરૂરી છે
લાંબા સમયથી ઘરે બેઠા ઓનલાઈન અભ્યાસ કરતા હતા પરંતુ તેમાં શિક્ષક પ્રત્યક્ષ રીતે ભણાવે તેટલી અસરકારકતા નહતી. ઓનલાઈન અભ્યાસમાં મોબાઈલ નેટવર્ક, ઈન્ટરનેટ, ઘરના કામ અને અનેક બાબતો મુશ્કેલીમાં મુકે છે. ઘરના માહોલમાં ભણવાની મઝા આવતી નથી. ત્યારે પ્રત્યક્ષ ભણતરની જરૂર હતી. - દર્શન પ્રજાપતિ, વિદ્યાર્થી

બાળકો ભણે છે, તેની ખાતરી મળશે
ઓનલાઈન શિક્ષણમાં બાળક ઘરમાં અમારી સામે બેસીને ભણતું હોય છે. છતાં તે મોબાઈલમાં ભણે જ છે, તેની ખાતરી કરી શકાતી નથી. મોબાઈલનો દુરુપયોગ પણ થતો હોય છે. આવા ઘણા કિસ્સા સામે આવ્યા છે, જેમાં મોબાઈલની બાળકો પર આડઅસર થઈ છે. તેથી ઓફલાઈન શિક્ષણ ચાલુ રહે તે જરૂરી છે. - રેખાબેન તળપદા, વાલી

વર્ગખંડમાં અપાતું શિક્ષણ સૌથી ઉત્તમ : શિક્ષક
ઓનલાઈન શિક્ષણમાં વિદ્યાર્થીઓને બધુ જ સમજાઈ જાય તે જરૂરી નથી, ક્યારેક 50 ટકા વાત સમજી શકે તો ક્યારેક કંઈ ન સમજાય, તેની સામે ઓફલાઈન શિક્ષણમાં મોટાભાગે વિદ્યાર્થી બધુ જ સમજી શકે છે અને ગ્રોથ પણ કરે છે. - પ્રવિણભાઈ તળપદા, શિક્ષક

કોરોનાની તમામ ગાઈડલાઈન સાથે શાળાઓ ખુલી છે : જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી
લાંબા સમય બાદ આજે ધોરણ 6થી 8ના વર્ગો શરૂ થયા છે. 50 ટકા હાજરી સાથે શાળાઓ ખુલ્લી રાખવાની મંજૂરી અપાઈ છે. જેમાં કોરોનાની તમામ ગાઈડલાઈનનું પાલન કરી શાળાઓ ખોલાઈ છે. વિદ્યાર્થીઓએ પણ ઓફલાઈન શિક્ષણમાં રસ દાખવ્યો હોવાનું હાજરી પરથી જણાય છે. તમામ શાળાઓને કોરોનાના નિયમોનું ચુસ્તપણે પાલન કરવાના આદેશ કરાયા છે. - કે. એમ. પટેલ, જિ. પ્રા. શિક્ષણાધિકારી

અન્ય સમાચારો પણ છે...