કાર્યવાહી:ઉતરસંડા રોડ પર આવેલા વુડી જોન્સ પીઝાનું લાયસન્સ સસ્પેન્ડ

નડિયાદ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સફાઈની અસુવિધા મુદ્દે રજૂઆતોના પગલે ફૂડ વિભાગે કાર્યવાહી કરી

નડિયાદ ફૂડ એન્ડ ડ્રગ વિભાગે ઉતરસંડા રોડ પર આવેલી પીઝાની દુકાન સામે લાલ આંખ કરી છે. સફાઈના અભાવને પગલે ફૂડ વિભાગને થયેલી અનેક રજૂઆતો ધ્યાને લઈ પીઝાની દુકાનનું લાયસન્સ સસ્પેન્ડ કરવાના આદેશ કરાયા છે. જેના કારણે અન્ય કેટલીય ફ્રેન્ચાઈઝીના માલિકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.નડિયાદ-ઉતરસંડા રોડ પર ડી માર્ટની સામે આવેલ વુડી જોન્સ પીઝાની દુકાન આવેલી છે. આ દુકાનમાં અવાર-નવાર સ્વચ્છતાની પૂરતી તકેદારી ન રાખવામાં આવતી હોવાની રજૂઆતો ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને મળી હતી.

આ બાબતે ફૂડ વિભાગે 5 ઑક્ટોબરે વુડી જોન્સ પીઝાની દુકાનમાં ઈન્સપેક્શન હાથ ધર્યુ હતુ. જેમાં દુકાનના માલિક દ્વારા ફૂડ સેફ્ટી અને સ્ટાન્ડર્ડ (લાયસન્સ એન્ડ રજીસ્ટ્રેશન ઓફ ફૂડ બિઝનેશ) રેગ્યુલેશનના શેડ્યુલ-4ના પાર્ટ 1ની સેનેટરી અને હાઈજીનની જોગવાઈનું પાલન ન કર્યુ હોવાનું સામે આવ્યુ હતુ.

જેથી ફૂડ વિભાગે કલમ-32 હેઠળ સુધારા નોટીસ 11 ઑક્ટોબરે ફટકારી હતી. જેમાં 15 દિવસમાં જરૂરી સુધારા કરી તેનો રીપોર્ટ ફૂડ વિભાગને આપવા માટે જણાવ્યુ હતુ. પરંતુ હજુ સુધી વુડી જોન્સના માલિક દ્વારા આ અંગે કોઈ રજૂઆત કરાઈ નથી. ત્યારે સુધારાની નોટીસનું પાલન કરવામાં નિષ્ફળ જતા ફૂડ વિભાગે વુડી જોન્સ પીઝાનું લાયસન્સ મોકુફ કર્યુ છે. તેમજ હવે તે સ્થળ પર ધંધો ન કરવા માટે ચેતવણી આપી છે, જો આ આદેશનું પાલન ન કરે તો વુડી જોન્સ પીઝાના માલિક સામે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ-2006 મુજબ કાર્યવાહી કરાશે, તેમ જણાવ્યુ છે.

અન્ય સમાચારો પણ છે...