આપઘાત કે હત્યા?:ડાકોરના કંથરાઈ રોડ પર ખેતરમાં ઝાડની ડાળીએ યુવતીનો ગળાફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવતાં ચકચાર

નડિયાદ14 દિવસ પહેલા
  • ગઈકાલે રાતથી લાપતા બનેલી યુવતીનો મૃતદેહ મળી આવતાં પંથકમાં અરેરાટી
  • પોલીસ આ આપઘાત છે કે હત્યા તે અંગે વધુ તપાસ કરશે
  • પોલીસે ફરિયાદના આધારે અપમૃત્યુનો ગુનો નોંધ્યો

ઠાસરાના ડાકોર-કંથરાઈ રોડ પર આવેલા ખેતરમાં ઝાડની ડાળીએ 19 વર્ષીય યુવતીનો મૃતદેહ ગળાફાંસો ખાધેલી હાલતમાં મળી આવતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. ડાકોર પોલીસે આ અંગે આકસ્મિક મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

ઠાસરા તાલુકાના કંથરાઈના ભગવાનજીના મુવાડા ગામે રહેતી યુવતીનો મૃતદેહ આજે સોમવારે ઝાડની ડાળીએ લટકતી હાલતમાં મળી આવ્યો હતો. આ યુવતી ગઈકાલે રાત્રે આઠ વાગ્યાની આસપાસ પોતાના ઘરેથી એકાએક લાપતા થઈ હતી. જેના પછી સોમવારે સવારે તેનો મૃતદેહ કંથરાઈ-ડાકોર રોડ પરના એક ખેતરમાં આવેલા આંબાના ઝાડની ડાળીએ ગળાફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો. આસપાસના લોકોએ આ જોતાં જ આ ઘટનાની જાણ ડાકોર પોલીસને કરી હતી. તો બીજી બાજુ આ ઘટનાની જાણ યુવતીના પિતાને થતાં તેઓ સ્થળ પર દોડી આવ્યા હતા.

પોલીસે યુવતીના મૃતદેહને નીચે ઉતારી ડાકોરની હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો. જો કે આ સંદર્ભે બીટ જમાદારે જણાવ્યું હતું કે આ આપઘાત છે કે હત્યા તે અંગે વધુ તપાસ કરાશે. હાલમાં લાશનું પીએમ ચાલુ છે અને તેના પછી મૃતકના પરિવારજનોના નિવેદન લેવાશે. આ તમામ પ્રક્રિયા બાદ સમગ્ર ઘટનામાં સાચી હકીકત શું છે તે જાણી શકાશે. આ અંગે પ્રાથમિક તબક્કે પોલીસે અપમૃત્યુની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...