ફોર્મની વહેંચણી શરૂ:કોરોનાથી 48ના મોતની સામે ત્રણ દિ’માં સહાયના 150 ફોર્મનો ઉપાડ

નડિયાદ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સરકારે રજૂ કરેલા આંકડામાં ક્યાંકને ક્યાંક છેડછાડની આશંકા

સરકારે કોરોના મૃતકોના પરીવારજોને સહાય આપવાની જાહેરાત કરી છે. આ સહાયની જાહેરાત વચ્ચે કોવિડથી મૃત્યુ થયાનુ સર્ટીફીકેટ મેળવવા માટે ફોર્મ રજૂ કર્યા છે. લોકોએ આ ફોર્મ લેવાની શરૂઆત કરી છે. ત્યારે ખેડા જિલ્લામાં ત્રણ દિવસમાં 150 ફોર્મ ઉપડી જતા પ્રશાસનની જ પોલ ખુલી ગઈ છે. કારણ કે, જિલ્લા પ્રશાસને અત્યાર સુધી કોરોનાના કારણે માત્ર 48 મોત થયા હોવાનું સરકારી ચોપડે દર્શાવ્યુ છે. કોરોનાના મૃત્યુની સહાય અર્થે પ્રથમ મૃત્યુનું કારણ દર્શાવતુ પ્રમાણ પત્ર મેળવવા ફોર્મ ભરવાનું છે. ફોર્મની વહેંચણી શરૂ થતા જ ખેડા જિલ્લામાં ચોંકવનારી વિગતો સામે આવી છે.

ખેડા જિલ્લા પ્રશાસને કોરોનાકાળ દરમિયાન કોવિડના કારણે માત્ર 48 લોકોના મૃત્યુ થયુ હોવાનું નોંધ્યુ છે. તેની સામે અત્યારે ફોર્મનું વિતરણ શરૂ થતા ત્રણ દિવસ દરમિયાન જિલ્લા ડિઝાસ્ટર વિભાગમાંથી જ 150 ઉપરાંત ફોર્મ ઉપડી ગયા છે. શંકાસ્પદ કોરોનાથી મૃત્યુ પામેલા લોકોના અંતિમ સંસ્કાર માટે આરક્ષિત કરાયેલા સ્મશાનગૃહોમાં પણ અગ્નિદાહ માટે લાઇનો લાગતી હતી. આ જોતાં સરકારે જાહેર કરેલા મૃતકોના આંકડાની સરખામણીમાં ખરેખર મૃત્યુ પામેલા લોકોનું પ્રમાણ અનેકગણું હોવાનું મનાય છે.

પ્રશાસને ઉભી કરેલી વ્યવસ્થા ગુંચવણભરી
કોવિડ મૃતકોના પરીવારજનો આર્થિક સહાય મેળવવા માટે શું પ્રક્રિયા કરવાની છે? તેના આટાપાટામાં જ અટવાયા છે. હાલ આરોગ્ય વિભાગ, જિલ્લા ડિઝાસ્ટર વિભાગ (કલેક્ટર કચેરી), ઉપરાંત સ્થાનિક પ્રશાસન જેમાં નગરપાલિકા અને ગ્રામ પંચાયતોનો સમાવેશ કરાયો છે. જો કે, વાસ્તવિક પરિસ્થિતિમાં ડિઝાસ્ટર વિભાગ અને આરોગ્ય વિભાગમાં સરકારે જાહેર કરેલા ફોર્મ સરળતાથી મળી રહ્યા છે. સ્થાનિક પ્રશાસનને આ અંગે હજુ કોઈ સ્પષ્ટ માહિતી જ ન હોવાથી લોકોને ધક્કા ખાવાનો વખત આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...