તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દેશી દારૂની હેરાફેરી:વસો-અલિન્દ્રા રોડ પરથી કારમાં લઈ જવાતો 510 લીટર દેશી દારૂ સાથે ચાલક ઝડપાયો, અન્ય એક ઈસમ ફરાર

નડિયાદ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ફરાર ઈસમ સહિત દારૂનો જથ્થો આપનાર અને લેનાર એમ ચાર વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો દાખલ

ગાંધીના ગુજરાતમાં માત્ર નામ ખાતર જ દારૂ બંધી છે. ભરણ આપી બુટલેગરો બે રોકટોક આ ધંધો ખુલ્લેઆમ કરી રહ્યાં છે. વસો પોલીસ સ્ટેશનની હદમાંથી પોલીસે ફિલ્મી ઢબે પીછો કરેલી કારમાંથી દેશી દારૂ કબ્જે કર્યો છે. આ બનાવમાં કાર ચાલકની અટકાયત કરાઈ છે. જ્યારે કારમાં સવાર અન્ય એક ઈસમ ફરાર થઈ ગયો છે. પોલીસે 510 લીટર દેશી દારૂ સાથે કાર મળી કુલ રૂપિયા 5 લાખ 10 હજાર 200નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. સાથે જથ્થો આપનાર અને લેનાર તથા ઉપરોક્ત બન્ને ઈસમો મળી કુલ ચાર વ્યક્તિઓ સામે પ્રોહીબીશનનો ગુનો દાખલ કર્યો છે.

પોલીસે કારનો ફિલ્મી ઢબે પીછો કર્યો હતો

માતર સર્કલ પોલીસનો સ્ટાફ ગતરોજ રાત્રે રધવાણજ ચોકડી નજીક પેટ્રોલીંગમાં નીકળ્યા હતા. આ સમયે નડિયાદથી ખેડા તરફના સર્વિસ રોડ પરથી આવતી વર્ના કારને અટકાવવા પોલીસે પ્રયાસ કર્યો હતો. પરંતુ કાર ચાલકે પોતાની કાર અલિન્દ્રા તરફ વળાવી દીધી હતી. જેથી પોલીસે પીછો કરતાં તે વસો તરફ નીકળી ગઈ હોવાનું જણાતાં સર્કલ પોલીસે વસો પોલીસને જાણ કરી હતી. તેથી આ સ્ટેશનના પોલીસના માણસો વસો ચોકડીએ નાકાબંધી ઉભી કરી દીધી હતી. ઉપરોક્ત કાર ચાલકે આગળ નાકાબંધી જોતાં તેણે પોતાની કાર વસો જીઈબી સામે કાચા રસ્તા પર વળાવી દીધી હતી. જેથી પોલીસે આ કારનો ફિલ્મી ઢબે પીછો કર્યો હતો. થોડે આગળથી પોલીસે આ કારને ઝડપી લીધી હતી.

દારૂ એવરેસ્ટ ચાર રસ્તા પાસે રહેતા લીલાબેન ઠાકોરને આપવાનો હતો

અંધારાનો લાભ લઈ કારમાં બેઠેલો એક વ્યક્તિ પોલીસે પહોંચે તે પહેલાં ફરાર થઈ ગયો હતો. જ્યારે કાર ચાલક મહંમદસુફીયાન ખલીફા (રહે. ગોમતીપુર, અમદાવાદ)ની અટકાયત કરાઈ છે. પોલીસે કારમાંથી કુલ 510 લીટર દેશી દારૂ મળી આવતા આ બાબતે તપાસ હાથ ધરી હતી. જેમાં આ દેશી દારૂનો જથ્થો કરમસદ પાણીની ટાંકી પાસે રહેતો મુન્નાએ ભરી આપ્યો હતો. જેને અમદાવાદના એવરેસ્ટ ચાર રસ્તા પાસે રહેતા લીલાબેન ઠાકોરને ત્યાં પહોંચાડવાનો હોવાનું કાર ચાલકે કબુલ્યું છે. પોલીસે દેશી દારૂ સાથે કાર મળી કુલ રૂપિયા 5 લાખ 10 હજાર 200નો મુદ્દામાલ સાથે ફરાર ઈસમ આદિલ ઉર્ફે હવ્વા બરકતઅલી શેખ અને ઉપરોક્ત ત્રણેય ઈસમો એમ કુલ ચાર ઈસમો સામે પ્રોહીબીશનનો ગુનો નોંધ્યો છે.

અન્ય સમાચારો પણ છે...