મુસાફરોને તકલીફ નહીં પડે:દિવાળી પર્વને અનુલક્ષીને નડિયાદથી એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવશે

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અગીયારસથી લાભ પાંચમ સુધી બસોનું સંચાલન કરાશે
  • આ સિવાય દેવ દિવાળી સુધી એકસ્ટ્રા બસો દોડાવવાનું આયોજન​​​​​​​

દિવાળી વેકેશનનો પ્રારંભ થઈ ચૂક્યો છે. બીજી બાજુ દિવાળી પર્વને અનુલક્ષીને નડિયાદ ST ડેપોએ એક્સ્ટ્રા બસો દોડાવવાનો નિર્ણય લીધો છે. રાજ્યના મહત્વના શહેર સહિત સૌરાષ્ટ્ર અને પંચમહાલ બાજુ એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવનાર છે. અગીયારસથી લાભ પાંચમ સુધી આ બસોનું સંચાલન થશે. આ સિવાય દેવ દિવાળી સુધી એકસ્ટ્રા બસો દોડાવવાનું પણ આયોજન હેઠળ છે. સાથે સાથે આ વખતે નડિયાદ ST ડેપોએ નવો અભિગમ અપનાવી ફક્ત નડિયાદ નગરજનો માટે કોઈ 51નું ગ્રુપ તૈયાર થાય તો જે તે વિસ્તારથી બસની સુવિધા મળે તેવી વ્યવસ્થા કરી છે. જે માટે અગાઉ બુકીંગ કરાવવુ પડશે. આમ તહેવારો ટાંણે નડિયાદ ST ડેપોએ મુસાફરોને કોઈ તકલીફ ન પડે તેવુ આયોજન કર્યું છે.

ખેડા જિલ્લાના મુખ્ય મથક નડિયાદમાંથી રોજભરોજ હજારો લોકો અમદાવાદ, વડોદરા, રાજકોટ તરફ મુસાફરી કરે છે. ખાસ કરીને તહેવારો ટાંણે બસોમાં વધુ ભીડ જોવા મળે છે. દિવાળી પર્વને ધ્યાનમાં રાખી નડિયાદ ST ડેપો દ્વારા એક્સ્ટ્રા બસો દોડાવવાનો નિર્ણય લેવાયો છે. અગીયારસથી લાભ પાંચમ સુધી આ એક્સ્ટ્રા બસોનું સંચાલન થશે. જેમાં દાહોદ, ઝાલોદ, રાજકોટ, અમદાવાદ, વડોદરા, મોડાસા તરફ આવવા જવા માટે 15 જેટલી અલગ બસો ફાળવી દોડાવવામાં આવનાર છે.

આ સિવાય ખેડા જિલ્લાના તીર્થધામ વડતાલ અને યાત્રાધામ ડાકોર તરફ પણ બેસતા વર્ષના દિવસે વધુ બસોનું સંચાલન કરવાનું આયોજન કરાયું છે. નડિયાદ ST ડેપોએ આ પર્વ પર મુસાફરોને કોઈ હાલાકી ન પડે તે માટે નવતર પ્રયોગ હાથ ધર્યો છે. જેમાં ફક્ત નડિયાદ નગરજનો માટે જે તે વિસ્તારના એરિયામાંથી 51નું ગ્રુપ તૈયાર થાય તો તેને જે તે સ્થળે પહોંચવા બસની સુવિધા ઉપલબ્ધ કરાઈ છે. જે માટે એડવાન્સ બુકીંગ કરાવવુ ફરજિયાત અને આ માટે વધુ માહિતી માટે નડિયાદ ST ડેપોનો રુબરુ સંપર્ક કરવો તેમ ડેપો મેનેજર રીનાબેન દરજીએ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...