તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પતિની ક્રુરતા:ખેડાના કાલસરમાં દોઢ માસની ગર્ભવતી પત્ની પર પતિએ ત્રાસ વર્તાવી પેટમાં લાત મારતાં પત્નીનું સારવાર દરમિયાન મોત

નડિયાદ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ડાકોર પોલીસે પતિની અટકાયત કરી
  • ડાકોર પોલીસ મથકે નોંધાયેલી 498ની ફરિયાદમાં હત્યાની કલમ ઉમેરાઈ

ઠાસરાના કાલસર ગામે થોડા દિવસ અગાઉ દોઢ માસની ગર્ભવતી પત્ની પર તેના પતિએ ત્રાસ વર્તાવ્યાનો બનાવ સામે આવ્યો હતો. જેમાં પત્નીએ તેના દિકરાને બિસ્કીટ લાવવા પતિ પાસે 10 રૂપિયા માંગતા ઉશ્કેરાયેલા પતિએ પેઢામાં લાત મારી હતી. આ બનાવમાં મહિલાનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે. તેથી પોલીસે 498 બાદ હત્યાની કલમ આ કેસમાં ઉમેરી આરોપીની અટકાયત કરી છે.

ઠાસરા તાલુકાના કાલસર ગામે નગરીમાં રહેતા માજીતખાન હબીબખાન પઠાણે થોડા દિવસ પહેલા પોતાની પત્ની યાસમીનબાનું સાથે ઝઘડો કર્યો હતો. ગતરોજ 24મી મેના રોજ યાસમીનબાનુંએ પોતાના સંતાનને બિસ્કીટ લાવવા માટે પોતાના પતિ પાસે 10 રૂપિયા માંગતા ઉશ્કેરાયેલા પતિએ તેણીની સાથે ઝઘડો કર્યો હતો.

આ ઝઘડો જોતજોતામાં ઉગ્ર બનતાં માજીતખાને પોતાની ગર્ભવતી પત્નીને પેઢાના ભાગે લાત મારી હતી. જેથી યાસમીનબાનું નજીક આવેલ ચૂલા પાસે પડતાં તેમનો હાથનો ભાગ દઝાઈ ગયો હતો. ગંભીર રીતે ઘાયલ થયેલા યાસમીનબાનુંને સારવાર અર્થે ખસેડાયા હતા. જ્યાં ટૂંકી સારવાર બાદ તેમનું અમદાવાદ ખાતે મૃત્યુ થયું છે. જે તે સમયે પરીણિતાના નિવેદનના આધારે ડાકોર પોલીસે આઈપીસી 498(A), 323, 504 મુજબ ગુનો નોંધ્યો હતો.

મહિલાનું સારવાર દરમિયાન મોત થતાં પોલીસે ફરિયાદમાં 302ની પણ કલમ ઉમેરી છે. જે બાદ આરોપી માજીતખાન હબીબખાન પઠાણની ડાકોર પોલીસે અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પીએમ રિપોર્ટમાં પેટના ભાગમાં ગંભીર ઇજાના કારણે મોત નિપજ્યુ હોવાનું બહાર આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...