તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હત્યા:નડિયાદની બીલોદરા ચોકડી પાસે ઝઘડામાં વચ્ચે છોડાવવા પડેલા વ્યક્તિનું ગંભીર ઈજાઓ થતા મોત

નડિયાદ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નડિયાદ ટાઉન પોલીસે ફરિયાદના આધારે ચાર શખ્સો સામે હત્યાનો ગુનો નોંધ્યો
  • રીંગરોડ પર હોટલ પાસે મોડીરાત્રે બનેલી ઘટના
  • ઝઘડો પુરો થયા બાદ મિત્રની શોધખોળ કરતા ગટરમાંથી લાશ મળી

નડિયાદ નજીક બીલોદરા ચોકડી પાસે અંદરોઅંદર માથાકૂટના બનાવમાં વચ્ચે છોડાવવા પડેલા વ્યક્તિને મોત મળ્યું છે. ઉગ્ર બનેલા ઝઘડામાં વચ્ચે છોડાવવા પડતાં વ્યક્તિને ગડદાપાટુનો માર મારતા ગંભીર રીતે ઘવાયેલા વ્યક્તિનું ટૂંકી સારવાર દરમિયાન મૃત્યુ થયું છે. આ અંગે નડિયાદ ટાઉન પોલીસે ફરિયાદના આધારે ચાર શખ્સો સામે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી દીધી છે. ઝઘડો કયા કારણોસર વણસ્યો તે બાબતે પોલીસ તપાસ ચલાવી રહી છે.

નડિયાદ રીંગરોડ પર જ્યાં હત્યા કરવામાં આવી હતી તે જગ્યા. ઇનસેટમાં મૃતકની તસ્વીર
નડિયાદ રીંગરોડ પર જ્યાં હત્યા કરવામાં આવી હતી તે જગ્યા. ઇનસેટમાં મૃતકની તસ્વીર

નડિયાદ શહેરના પીજ ચોકડી પાસે રહેતા લાલજી ઉર્ફે રાજુ રણછોડભાઈ ભરવાડ ગતરાત્રે પોતાની કાર લઈને હેલીપેડ સામેના રીંગરોડ પર આવ્યા હતા. અહીંયા ગલ્લા નજીક કાર ઉભી રાખી પડકી ખાવા ગલ્લા પર ગયા હતા. આ સમયે તેમના સમાજના દેવકરણ પેથાભાઈ ભરવાડ ત્યાં આવી પહોંચ્યા હતા. જે બાદ બન્ને લોકો બીલોદરા ચોકડી પાસે આવેલ માધવ હોટલ પર ગયા હતા. થોડા સમય અહીંયા પસાર કરી બન્ને લોકો પોતાના ઘરે જતાં હતાં તે દરમિયાન આ હોટલ પાસેના રોડ પર પાંચથી છ વ્યક્તિઓ અંદરોઅંદર બાખડતા જોયા હતા.

જેથી લાલજી ઉર્ફે રાજુ અને દેવકરણ બન્ને લોકો ત્યાં જઈને ઝઘડામાં વચ્ચે છોડાવવા પડ્યાં હતાં. અને ઝઘડો વધુ વણસે નહી તે માટેના પ્રયાસો કર્યા હતા. આ સમયે અન્ય કારમાંથી આવેલા લોકોએ લાલજી ઉર્ફે રાજુની કારના કાચ તોડી નુકસાન કર્યું હતું. જે બાદ દેવકરણને અપશબ્દો બોલી તેમની ફેંટ પકડી તેમને ગડદાપાટુનો માર માર્યો હતો. રોડ પરના અન્ય વ્યક્તિઓ ભેગા થઈ જતાં મારમારનાર તમામ લોકો નાસી ગયા હતા.

બીજી તરફ ગંભીર રીતે ઘવાયેલા દેવકરભાઈને તુરંત નડિયાદની ખાનગી હોસ્પિટલ અને ત્યાંથી વધુ સારવાર માટે કરમસદની હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબે દેવકરણને મૃત્યુ થયું હોવાનું જણાવ્યું હતું.

આ અંગે લાલજી ઉર્ફે રાજુ ભરવાડે નડિયાદ ટાઉન પોલીસ મથકે કમળા ગામના આશીષ શંકરભાઈ ઠાકોર, દીગા શંકરભાઈ ઠાકોર, મોલા વિક્રમભાઈ ઠાકોર અને હર્ષદ અંબાલાલ ઠાકોર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે આઈપીસી 302, 323, 504, 427, 114 મુજબનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી દીધી છે. આ ઝઘડો કયા કારણોસર થયો હતો તે પોલીસના તપાસનો વિષય બન્યો છે. તો પોલીસે આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

અગાઉ ભરવાડો અને બિલોદરાના ક્ષત્રિયો વચ્ચે હતી બબાલ
મહત્વની વાત છે કે થોડા વર્ષો અગાઉ નડિયાદ ના ભરવાડો અને બિલોદરા ના ક્ષત્રિયો વચ્ચે ધીંગાણા થયા હતા. જે બબાલ લાંબા સમય સુધી ચાલી હતી. જોકે ત્યારબાદ પોલીસે બિલોદરા ખાતે પોઇન્ટ ગોઠવી અથાગ મહેનત ધીંગાણા બંધ કરાવ્યા હતા. જે બાદ હવે કમળા ગામ ના ક્ષત્રિયો સાથે ના ઝઘડામાં ભરવાડ ઈસમનું મૃત્યુ થતા આગામી દિવસોમાં આ ઘટનાના પડઘા ન પડે તે બાબતે પોલીસે ધ્યાન રાખવું રહ્યું.

અન્ય સમાચારો પણ છે...