ચૂંટણીની સામગ્રી રવાના:ખેડા જિલ્લાના તમામ તાલુકા મથકોએથી ચૂંટણીની સામગ્રી 1232 મતદાન કેન્દ્રો સુધી રવાના કરાઈ

નડિયાદએક મહિનો પહેલા
  • આવતીકાલે સવારના 7થી સાંજના 6 વાગ્યા સુધી મતદાનની પ્રક્રિયા હાથ ધરાશે
  • મતપેટીઓ, બેલેટ પેપર, હરીફ ઉમેદવારોની યાદી, ઉમેદવારના સહીના નમૂના, પેપર સીલ સહિત સ્ટેશનરીની સામગ્રી તાલુકા મથકોએથી મતદાન કેન્દ્રો સુધી મોકલવામાં આવી
  • નડિયાદ, કપડવંજ, માતર, મહેમદાવાદ, ઠાસરા, ગળતેશ્વર, કઠલાલ, મહુધા, ખેડા અને વસો તાલુકામાંથી 1232 મતદાન કેન્દ્રોએ સામગ્રી પહોંચાડાઈ
  • કડકડતી ઠંડી વચ્ચે આવતીકાલે મતદાન થશે, સવારના 7થી સાંજના 6 વાગ્યા સુધી મતદાનની પ્રક્રિયા હાથ ધરાશે

ખેડા જિલ્લામાં આવતીકાલે યોજાનાર ગ્રામ પંચાયતોની ચૂંટણી પૂર્વે જિલ્લાના તાલુકા મથકોએથી ચૂંટણીને લગતી સરસામગ્રીઓ સહિત પોલીંગ સ્ટાફને રવાના કરાયો છે. આ પહેલા ચકાસણી કરી ગણતરી વાઈસ મતદાન કેન્દ્રો સુધી આ સામગ્રીને રવાના કરાઈ છે.

ખેડા જિલ્લામાં 432 પૈકી 417 ગ્રામ પંચાયતની ચૂંટણી આવતીકાલે થનાર છે. જેમાં સરપંચોની 414 બેઠકો માટે 1465 સરપંચ પદના ઉમેદવાર તથા વોર્ડના સભ્યોની 1333 બેઠકો માટે 5311 ઉમેદવારો મેદાનમાં છે. જે તમામના ભાવિ આવતીકાલે સીલ થનાર છે. જે માટે શનિવારે તૈયારી રુપ આયોજન તંત્ર દ્વારા કરાયું હતું.

આજે જિલ્લાના 10 તાલુકાઓમાં નડિયાદ, કપડવંજ, માતર, મહેમદાવાદ, ઠાસરા, ગળતેશ્વર, કઠલાલ, મહુધા, ખેડા અને વસો તાલુકામાંથી નિયત કરેલા સ્થળો પરથી આજે ચૂંટણીની વિવિધ સામગ્રીઓ 1232 મતદાન કેન્દ્રો સુધી રવાના કરાઈ છે. પોલીંગ સ્ટાફ સહિત ચૂંટણીના કર્મીઓને જે તે જવાબદારી સોંપી ગામના બુથ પર જવા રવાના કરાયા છે.

જિલ્લાની કુલ 417 ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં 288 સંવેદનશીલ મથકો છે વળી 174 અતિ સંવેદનશીલ મથકો છે. જ્યારે 1725 મત પેટીઓ દ્વારા મતદાન થનાર છે. જેમાં 88 ચૂંટણીના અધિકારી અને 88 મદદનીશ ચૂંટણીના અધિકારી તથા 7025 પોલીંગ સ્ટાફ તેમજ 2649 પોલીસ સ્ટાફ ખડે પગે રહેનાર છે.

આજ સાંજ સુધી ઉપરોક્ત તમામ લોકોને નિયત કરેલ વાહન ST બસ દ્વારા મતદાન કેન્દ્રો પર પહોંચાડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આવતીકાલે જીલ્લામાં મતદાન થનાર છે. સવારના 7થી સાંજના 6 વાગ્યા સુધી મતદાનની પ્રક્રિયા હાથ ધરાશે. આ વચ્ચે આજે ગામોમાં કતલની રાત છે.

કઈ કઈ સામગ્રી પહોંચાડાઈ

મતપેટીઓ, બેલેટ પેપર, હરીફ ઉમેદવારોની યાદી, ઉમેદવારના સહીના નમૂના, પેપર સીલ, સમાવિષ્ટ વિસ્તારની યાદી, વિશિષ્ટ દર્શક સિક્કો, બ્રાસ સીલ, મતદાન કરવા અંગેનો સિક્કો, ઈંચ સહિત સ્ટેશનરીની સામગ્રી તાલુકા મથકોએથી મતદાન કેન્દ્રો સુધી મોકલવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...