એક્સપ્રેસ હાઇવે પર ત્રિપલ અકસ્માત:મહેમદાવાદના માંકવા નજીક બંધ આઇસર પાછળ મીની બસે ઘૂસી, બેના ઘટનાસ્થળે જ મોત

નડિયાદ2 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બંધ પડેલી આઈસર અને ટો કરવા આવેલી આઇસરને મીની બસે પાછળથી ટક્કર મારી
  • અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પર માંકવા નજીકની ઘટના
  • અકસ્માત બાદ મીની બસનો ચાલક સ્થળ પર વાહન મૂકી ફરાર થઈ ગયો હતો

ખેડા જિલ્લામાંથી પસાર થતાં અમદાવાદ-વડોદરાના એક્સપ્રેસ હાઇવે પર અકસ્માતોનું પ્રમાણ દિવસેને દિવસે વધી રહ્યું છે. ગત મધરાતે વડોદરાથી અમદાવાદ તરફ જતાં મહેમદાવાદ પાસેના માંકવા ગામ પાસે ટ્રિપલ અકસ્માત સર્જાયો છે. જેમાં બે ચાલકોને કાળ ભરખી ગયો છે. પુરપાટે આવતી મીની બસે બંધ પડેલી આઈસર અને ટો કરવા આવેલી આઇસરને પાછળથી ટક્કર મારતાં બન્ને આઈસર ચાલકોના ઘટના સ્થળે કમકમાટી ભર્યા મોત નીપજ્યાં છે. મહેમદાવાદ પોલીસે ફરિયાદના આધારે ફેટલ અકસ્માતનો ગુનો નોંધ્યો છે.

મહેમદાવાદ તાલુકાના માંકવા ગામની સીમમાં ગત મધરાત્રે ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. અહીંયાથી પસાર થતાં અમદાવાદ-વડોદરાના એક્સપ્રેસ હાઇવે પર અમદાવાદ તરફ જઈ રહેલી આઈસર (GJ-27-T-8851) ટ્રક એકાએક બંધ પડી ગઈ હતી. તેથી આ આઈસરના ચાલક અશોક પ્રતાપ રાઠોડે પોતાના વાહનને રોડની સાઈડમાં થોભાવ્યું હતું. જે બાદ ચાલુ કરવાના પ્રયાસો કર્યા પરંતુ વાહન ચાલુ થયું નહોતું. અશોક પાસે વાહનને ટો કરવા સિવાય અન્ય કોઈ વિકલ્પ નહોતો. ભારે જહેમત બાદ ટોઈંગ વાહન મળ્યું હતું. અન્ય ટોઈંગ આઈસર ટ્રક (નં. GJ-23-W-7791)ના ચાલકે પોતાનું વાહન આ બંધ પડેલ વાહન આગળ ઊભું કરી બન્ને આઈસર ચાલકો ટો કરવાનો પટ્ટો બાંધી રહ્યા હતા.

આ સમયે પુરપાટે આવતી મીની બસ (નં. MH-46-J-0190)ના ચાલકે આ બંધ પડેલ આઈસરને પાછળથી ટક્કર મારી હતી. આથી બંધ પડેલ વાહનની ટો કરવાની કામગીરી કરતાં અશોક રાઠોડ (ઉ. વ. 41) અને ટોઈંગ ચાલક પંકજ જયંતિભાઈ ઝાલા (રહે. કાણિયેલ, તા. દસક્રોઈ) બન્નેને માથાના ભાગે ગંભીર ઇજાઓ થઇ હતી. આથી બન્નેના ઘટના સ્થળે કરુણ મોત નીપજ્યું છે. જ્યારે મીની બસ ચાલક તેનું વાહન ઘટના સ્થળે મૂકી ફરાર થઈ ગયો હતો.

એક્સપ્રેસ હાઇવેના લોકોને આ ઘટનાની જાણ થતાં તેઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. જે બાદ મૃતકના પરિવારજનોને અને મહેમદાવાદ પોલીસને જાણ કરી હતી. પોલીસે આ અંગે મરણજનાર અશોકના સગાભાઈ દશરથ રાઠોડની ફરિયાદના આધારે મીની બસ ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...