તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:ખેડા જિલ્લામાં અકસ્માતની અલગ અલગ બે ઘટનામાં બે લોકોના મોત નિપજ્યા

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નડિયાદના કઠલાલ રોડ પર પશુ સાથે બાઈક અથડાતા યુવકનું મોત
  • મહેમદાવાદના દેવકીવણસોલ પાસે ટ્રક અને રિક્ષા વચ્ચે અકસ્માત થતા એકનું મોત

ખેડા જિલ્લામાં વિતેલા 24 કલાક દરમિયાન બે જુદા જુદા માર્ગ અકસ્માતમાં બે યુવાનોના કમકમાટી ભર્યા મોત નીપજ્યા છે. આ બન્ને બનાવોમાં મિત્રતા નીભાવવા ગયેલા યુવાનોને જ કાળ ભરખી ગયો છે. નડિયાદના કઠલાલ રોડ પર ધંધા અર્થે મિત્ર સાથે બાઈક પર નીકળેલ કઠલાલના યુવકનું અકસ્માતમાં મૃત્યુ થયું છે. જેમાં પશુ સાથે વાહન અથડાતાં અકસ્માત સર્જાયો છે. જ્યારે મહેમદાવાદના દેવકીવણસોલ પાસે મિત્રની રીક્ષા લઈને હોસ્પિટલમાં ચ્હા નાસ્તો પહોંચાડવા જતાં સણસોલીના યુવકનું અકસ્માતમાં મોત નિપજ્યું છે.

પહેલા બનાવમાં મળતી વિગતો મુજબ જોઈએ તો મુળ રાજસ્થાનના વતની અને હાલ કઠલાલ બસ સ્ટેન્ડ પાસે રહેતા 35 વર્ષીય અમીતકુમાર મહાવીરપ્રસાદ જાગીર પોતે ફર્નીચરનું કામ કરી ગુજરાન ચલાવતા હતા. ગતરોજ તેઓ પોતાના મિત્ર સંજય સોની સાથે મિત્રના મોટરસાયકલ પર બેસીને ધંધા અર્થે નડિયાદ આવ્યા હતા. મિત્રનું ધંધાનું કામ પતાવી મોડી રાતે કઠલાલ ખાતે બન્ને મિત્રો પરત ફરી રહ્યા હતા. આ સમયે મોટરસાયકલ અમીત ચલાવી રહ્યો હતો. સાડા દસ વાગ્યાની આસપાસ બન્ને લોકો આ મોટરસાયકલ પર નડિયાદના કઠલાલ રોડ પર વીણા ગામ નજીકથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે એકાએક ગાય રોડ પર આવી જતાં ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો અને ગાય સાથે જ વાહનને અથડાવ્યું હતું. જેથી બાઈક ચાલક અમીત અને પાછળ બેઠેલ સંજય બન્ને રોડ પર ફંગોળાઈ પડ્યા હતા. આથી બન્ને ગંભીર ઈજાઓ પહોંચતા બે પૈકી અમીતનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે.

અન્ય એક બનાવ મહેમદાવાદ પંથકમાં બન્યો છે. મહેમદાવાદ તાલુકાના સણસોલી ગામે રહેતા જયેશ રમેશભાઈ રાવળ પોતે વટવા જીઆઇડીસીમાં નોકરી કરે છે. ગામમાં રહેતા તેમના મિત્ર પ્રહલાદભાઈ પરમારની પત્ની બીમાર હોવાથી તેણીને મહેમદાવાદ ખાત્રજ ચોકડી પાસે આવેલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.

ગતરોજ જયેશ પોતાના મિત્ર પ્રહલાદની રીક્ષા લઈને હોસ્પિટલમાં સારવાર લઈ રહેલ તેની પત્ની અને પોતાના મિત્ર માટે સવારે ચ્હા નાસ્તો પહોંચાડવા જતો હતો. આ દરમિયાન દેવકીવણસોલ ગામે સામેથી રોંગ સાઈડે આવતી ટ્રક (નં. GJ 10 Z 7400)એ રીક્ષાને ટક્કર મારી હતી. આથી આ અકસ્માતમાં રીક્ષા ચાલક જયેશ રાવળને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માત બાદ ટ્રક ચાલક આગળ ટ્રક મુકી ફરાર થઈ ગયો હતો. અકસ્માત બાદ આસપાસના લોકોએ ઈજાગ્રસ્તને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન જયેશ રાવળનું મોત નીપજ્યું છે. આ બનાવ સંદર્ભે મૃતકના સગાભાઈ મહેશ રાવળની ફરિયાદના આધારે મહેમદાવાદ પોલીસે ફેટલ અકસ્માતનો ગુનો નોંધ્યો છે.

અન્ય સમાચારો પણ છે...