તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એક્સિડન્ટ:ખેડા જિલ્લામાં વિતેલા 24 કલાક દરમિયાન બે માર્ગ અકસ્માતના બનાવોમાં બે વ્યક્તિઓના મોત, બે ઘાયલ

નડિયાદ7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મહેમદાવાદના અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પર પીકઅપ ડાલુનું ટાયર ફાટતાં એકનું મોત
  • કપડવંજ-નડિયાદ રોડ પર અજાણ્યા વાહનની ટક્કરે સ્કૂટર ચાલકનું મોત

જિલ્લામાં સતત બીજા દિવસે પણ અકસ્માતોની વણઝાર અટકી નથી. દિવસેને દિવસે વધી રહેલા માર્ગ અકસ્માતના બનાવોમાં કેટલાય લોકો મોતના મુખમાં ધકેલાતાં હોવાનાં સમાચાર દરરોજ સાંભળીએ છીએ. ખેડા જિલ્લામાં વિતેલા 24 કલાક દરમિયાન બે જુદા જુદા અકસ્માતના બનાવો બનવા પામ્યા છે. જેમાં મહેમદાવાદ પંથકના અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પર પીકઅપ ડાલુ પલ્ટી ખાતાં દીકરીની ખબર કાઢવા જતાં પિતાનું મૃત્યુ થયું છે. જ્યારે કપડવંજના નડિયાદ રોડ પર હિટ એન્ડ રનની ઘટનામાં એક વ્યક્તિનો જીવ ગયો છે. આ બન્ને બનાવો સંદર્ભે સ્થાનિક પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ જવા પામી છે.

અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પર પીકઅપ ડાલુ પલ્ટી ખાતા પિતાનું મૃત્યુ

મહેમદાવાદ પંથકમાંથી પસાર થતાં અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પર વડોદરાથી અમદાવાદ દીકરીની ખબર કાઢવા જતાં પિતાનું અકસ્માતમાં મૃત્યુ થયું છે. વડોદરા જિલ્લાના દમાપુરા ગામે રહેતા જશવંત ઉદેસિંહ પરમાર અને તેમની પત્ની સુરજબેન તથા મીનાબેન હર્ષદભાઈ પરમાર ત્રણેય લોકો ગતરોજ વડોદરાથી અમદાવાદ મુકામે ખાનગી વાહનમાં બેસી આવતાં હતા.

વાહનનું પાછળનું ટાયર ફાટવાથી બનાવ બન્યો હતો

જશવંતભાઈની દીકરી અમદાવાદ જિલ્લાના હિરાપુર ગામે રહે છે. અને તેમની ખબર કાઢવા ઉપરોક્ત ત્રણેય લોકો હિરાપુર ગામે આવતાં હતાં. વડોદરા અમદાવાદ એક્સપ્રેસ હાઇવે પરથી ત્રણેય લોકો બોલેરો પીકઅપ ડાલુમાં બેસી અમદાવાદ તરફ આવી રહ્યાં હતા. ત્યારે બપોરના સુમારે ખેડા જિલ્લાના મહેમદાવાદ પંથકના સૂંઢા વણસોલ ગામે ઉપરોક્ત વાહનનું પાછળનું ટાયર ફાટવાનો બનાવ બન્યો હતો. આથી વાહન એકાએક રોડ પર ઉથલી પડ્યું હતું. જેના કારણે વાહનના પાછળના ભાગે બેઠેલા જશવંત પરમાર, સુરજબેન અને મીનાબેન રોડ પર પટકાતાં શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી.

આ તમામને સારવાર માટે નડિયાદ સિવિલ હોસ્પિટલમાં અને ત્યાંથી વધુ સારવાર માટે વડોદરા ખસેડ્યાં હતા. જ્યાં સારવાર દરમિયાન જશવંત પરમારનું મૃત્યુ થયું છે. આ અંગે મૃતકના પિતરાઇ ભાઇ વનરાજસિંહ પરમારની ફરિયાદના આધારે મહેમદાવાદ પોલીસે ફેટલ અકસ્માતનો ગુનો નોંધ્યો છે.

કપડવંજ-નડિયાદ રોડ પર હિટ એન્ડ રનની ઘટનામાં આધેડનું મોત

કપડવંજના ઈસ્લામપુરા વિસ્તારમાં રહેતા કરીમભાઈ ઉર્ફે સત્તારભાઈ આદમભાઈ વ્હોરા (ઉ. વ. 50)નું ગતરોજ અકસ્માતમાં મોત નીપજ્યું છે. ગતરોજ તેઓ પોતાનું ઈટર્નો સ્કૂટર લઈને કઠલાલથી કપડવંજ પોતાના ઘરે મોડી રાત્રે આવતાં હતાં. ત્યારે નડિયાદ-કપડવંજ રોડ પર મહંમદપુરા સીમમાં કરીમભાઈ ઉર્ફે સત્તારભાઈના વાહનને કોઈ અજાણ્યા વાહને ટક્કર મારી હતી. જે અકસ્માત બાદ આ વાહન ચાલક વાહન લઈને ફરાર થઈ ગયો હતો. તો બીજી તરફ રોડ ઉપર પટકાયેલા કરીમભાઈને શરીરે ગંભીર ઈજાઓ થતાં તેમનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું છે. આ અંગે મૃતકના ભત્રીજા વસીમ મહેબુબભાઈ ચૌહાણે કપડવંજ ટાઉન પોલીસને જાણ કરતાં પોલીસે તેમની ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી દીધી છે.

અન્ય સમાચારો પણ છે...