હુમલાના બનાવો:નડિયાદ અને ઠાસરાના વણોતીમાં મારામારીના બનાવોમાં ચારને ઈજા થઇ

નડિયાદ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બે સગાભાઈઓ પર તેના કાકા-કાકીએ કુહાડી વડે હુમલો કર્યો
  • ઠાસરાના વણોતીમાં અગાઉના ઝઘડાની રીસ રાખી ત્રણ વ્યક્તિઓએ બેને લાકડી ફટકારી

ખેડા જિલ્લામાં મારામારીના બે જુદા જુદા બનાવો બનવા પામ્યા છે. નડિયાદમાં લોખંડની એંગલ કેમ લાવેલા છો તેમ કહી કાકા અને કાકીએ પોતાના બે ભત્રીજાઓ સાથે ઝઘડો કરી કુહાડી વડે હુમલો કર્યો છે. આ અંગે નડિયાદ ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ જવા પામી છે. જ્યારે ઠાસરાના વણોતીમાં અગાઉના ઝઘડાની રીસ રાખી ત્રણ વ્યક્તિઓએ બે ઈસમોને લાકડી ફટકારી છે. આ અંગે પણ ડાકોર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ જવા પામી છે.

નડિયાદ શહેરના શીતલ સિનેમા પાછળ ખોડીયાર ચોક વિસ્તારમાં રહેતા ઋષિ પરેશ બારોટ અને તેના ભાઈ ધ્રુવ બારોટ સાથે તેના જ કાકા અને કાકીએ ઝઘડો કર્યો છે. લોખંડની એંગલ કેમ લાવ્યા છો તેમ જણાવી કાકા અને કાકીએ પોતાના ભત્રીજાઓ સાથે મારમારી કરી છે. ઉશ્કેરાયેલા કાકા અને કાકીએ કુહાડી લઈ આવી બન્ને ભાઈઓ પર હુમલો કર્યો છે. આ અંગે ઋષિએ નડિયાદ ટાઉન પોલીસે તેના કાકા ધર્મેશ અશ્વિન બ્રહ્મભટ્ટ અને કાકી અર્ચનાબેન બ્રહ્મભટ્ટ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસે આઈપીસી 324, 323, 504, 506(2), 114 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી દીધી છે.

અન્ય એક બનાવ ઠાસરા પંથકમાં બન્યો છે. ઠાસરા તાલુકાના વણોતી ગામે અગાઉના ઝઘડાની રીસ રાખી ત્રણ વ્યક્તિઓએ મારામારી કરી છે. અહીંયા રહેતા પંકજ મોહન પરમાર અને તેમની પત્ની રીન્કુ તથા માતા કપિલાબેન તમામ લોકો ગતરોજ પોતાના સગાને ત્યાં લગ્ન પ્રસંગ પૂર્ણ કરી ઘરે આવતાં હતાં. આ દરમિયાન ગામમાં રહેતા નરેન્દ્ર વજા પરમાર, મીનાબેન વજા પરમાર અને ગોપાલ નરેન્દ્ર પરમારે અગાઉના ઝઘડાની રીસ રાખી ઉપરોક્ત ત્રણેય વ્યક્તિઓએ સાથે ઝઘડો કર્યો હતો. તેમના કૌટુંબિક ભાઈની તકરારમાં થયેલ ઝઘડામાં આ ત્રણેય લોકોએ ઉપરોક્ત પંકજ અને તેમની માતાને લાકડી ફટકારી છે. આ અંગે રીન્કુબેને ઉપરોક્ત ત્રણેય વ્યક્તિઓ વિરુદ્ધ ડાકોર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...