લગ્નની સિઝન શરૂ:ખેડા જિલ્લામાં લગ્નની સિઝન ખીલશે, એકલા નડિયાદમાં જ 1 હજાર લગ્ન

નડિયાદ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ડિસેમ્બર-જાન્યુઆરી આવતાં જ અને કોરોનાના કેસમાં સંભવિત ઘટાડો જોવા મળતાં ચાલુ વર્ષે લગ્નની મૌસમ જામે તેવો આશાવાદ

આગામી મંગળવારે તુલસી વિવાહ બાદ ચરોતરમાં લગ્નની સિઝન શરૂ થઈ જશે. કોરોનાકાળમાં છેલ્લા બે વર્ષથી લોકો સામાજીક પ્રસંગો બંધ રાખી બેસી રહ્યા છે ત્યારે આ વર્ષે 400 લોકોના પરવાના સાથે સરકારે આંશિક રીતે સામાજીક પ્રસંગો કરવાની છુટછાટ આપી છે ત્યારે લોકો પોતાના સામાજીક પ્રસંગો ઉમંગથી ઉજવવાના મૂડમાં છે. નવેમ્બરથી શરૂ થતો લગ્નગાળો આગામી ફેબ્રુઆરી માસ સુધી શુભમૂર્હ્તોના દિવસોમાં ચાલુ રહેશે.

લગ્નસરાની સિઝન આવતા નડિયાદમાં 13થી વધુ પાર્ટીપ્લોટના સંચાલકો અને 15થી વધુ સમાજની વાડીઓના ટ્રસ્ટ સંચાલકો માટે છેલ્લા બે વર્ષમાં થયેલા નુકસાનની ભરપાઈ કરવા માટેના દ્વાર ખુલી જશે. આ ઉપરાંત લગ્ન સિઝન સાથે જોડાયેલા અનેક ક્ષેત્રના વેપારીઓ માટે પણ કમાણીના દ્વાર બે વર્ષ બાદ ખુલશે. પરીણામે નડિયાદમાં 28 કરતા વધુ પાર્ટીપ્લોટ અને સમાજની વાડીઓમાં લગ્નના 35 જેટલા મૂર્હ્તોના દિવસો માટે બુકીંગ શરૂ થઈ ગયુ છે.

પાર્ટી પ્લોટના સંચાલકોના જણાવ્યા મુજબ અત્યાર સુધી સરેરાશ 15 ઉપરાંત બુકીંગ થઈ ગયા છે. તેમજ ઈન્કવાઈરી પણ સારી છે ત્યારે પૂર્ણેશ ડેકોરેશનના સંચાલક ભદ્રેશભાઈ શાહના જણાવ્યા મુજબ મોટા પાર્ટી પ્લોટ, સમાજની વાડીઓ અને છુટાછવાયા લગ્નો મળી 1000 ઉપરાંત સામાજીક પ્રસંગો થાય તેવી શક્યતાઓ છે, જેમાં સરેરાશ વ્યક્તિઓની ગણતરી કરતા 5લાખ કરતા વધુ લોકો આ પ્રસંગોમાં ભાગ લેશે.

આ વર્ષે ઘણા સારા મુહૂર્ત, બુકિંગ વધારે છે, સમય ઓછો છે
કોરોના બાદ આ વર્ષે લગ્નની સીઝન સારી છે. ઘણા સારા મુહૂર્ત છે, જેમાં લગ્નના આયોજન માટે યજમાન એ તૈયારી કરી લીધી છે. અમારી પાસે ઘણા એ એડવાન્સ બુકિંગ કરાવી લીધા છે. મોટી સંખ્યામાં લગ્ન હોવાથી અમારી પાસે જ સમય ઓછો છે. ઘણા એન.આર.આઇ તો કમુરતા માં પણ લગ્ન કરે છે. > સમીરભાઈ જોષી, ગોર મહારાજ

એન. આર. આઈ. ફંક્શન ઘટ્યા
એન. આર. આઈ.ના હબ ગણાતા ચરોતરમાં આ વખતે તેમના ફંક્શન ઘટ્યા છે. પાર્ટીપ્લોટના સંચાલકો પાસેથી મળતી વિગતો મુજબ કોરોનાકાળ પહેલા નડિયાદમાં લગ્નેતર સિઝનમાં થતા કુલ લગ્નોના 30 ટકા તો એન. આર. આઈ.ના થતા હતા. તેઓ અગાઉથી જ તમામ પ્રોસીજર પૂર્ણ કરી વિદેશથી આવી પ્રસંગ ઉજવી લેતા હતા. જો કે, આ વખતે કોરોનાના કારણે ફ્લાઈટોના ઈસ્યુ ઉપરાંત એક દેશમાંથી બીજા દેશમાં જવા પરના પ્રતિબંધના કારણે એન.આર.આઈ.ના બુકીંગમાં થોડો ઘટાડો જણાય છે.

ફુગાવો વધતા ભાવોમા તોતિંગ વધારો
ચાલુ વર્ષે પેટ્રોલ-ડીઝલના વધેલા ભાવોના કારણે અનેક વસ્તુઓના ભાવો વધ્યા છે. ઉપરાંત કેટરીંગને લગતી વસ્તુઓમાં પણ ભાવો વધ્યા છે. જેના કારણે ફુગાવો વધ્યો છે. પરીણામે જે ડીશ અગાઉ 200 રૂપિયામાં તૈયાર થતી હતી, તે હવે 260 રૂપિયામાં તૈયાર થશે. આ જ રીતે સજાવટના સામાનના ભાવો પણ વધ્યા છે, એટલે લગ્નને લગતી તમામ બાબતોમાં ભાવો વધેલા જણાયા છે, એટલે પાર્ટીપ્લોટમાં પણ તે મુજબ ભાવો વધશે.

સંચાલકોને વિનંતી કે આમંત્રિતો માટે રસી ફરજીયાત કરે
કોરોનાના કારણે બે વર્ષ સુધી સતત લોકો સામાજીક પ્રસંગોથી દૂર રહ્યા છે. આ સિઝનમાં લોકોમાં ઉત્સાહ દેખાઈ રહ્યો છે. ખૂબ જ મોટા પ્રમાણમાં બુકીંગ થઈ રહ્યા છે. ત્યારે સરકારે જે રીતે ગાઈડલાઈન જાહેર કરી છે, તે મુજબ પાર્ટી પ્લોટમાં પ્રવેશદ્વાર પર સેનેટાઈઝીંગની વ્યવસ્થા કરવામાં આવશે. પાર્ટીપ્લોટમાં કામ કરતો સ્ટાફને રસીના બંને ડોઝ ફરજીયાત કરી દેવાયા છે. હવે પ્રસંગ કરનારા પરીવારોને વિનંતી છે કે, તેઓ પોતાના આમંત્રિત મહેમાનો માટે રસી ફરજીયાત કરે. ઉપરાંત પ્રશાસનને વિનંતી છે કે, પાર્ટીપ્લોટના સંચાલકોને સહયોગ આપી લગ્નસરામાં રસીકરણ થાય તે માટે પ્રયત્ન કરે. > ભદ્રેશ શાહ, પૂર્ણિમા ડેકોરેશન

લગ્નની તારીખો માટે સારી ઈન્કવાયરી છે
આ વખતે લગ્ન માટેના જે શુભમૂર્હતો છે, તે દિવસો માટે લોકોની ઈન્કવાઈરી સારી છે. ગયા વર્ષે ધંધો બિલકુલ બંધ રહ્યા બાદ, આ વર્ષે લોકો ઓછા મહેમાનો સાથે પણ વરઘોડો કાઢવા માટે મન બનાવી લીધુ છે. જેના પરીણામે અત્યાર સુધી 12થી વધુ દિવસો માટે બગીનું બુકીંગ થઈ ગયુ છે. બગીના ભાવો કલાક પર લેવાય છે. ત્યારે પ્રતિ કલાક અમે 1000 રૂપિયાનો વધારો કર્યો છે. > પ્રકાશભાઈ તળપદા, બગી માલિક

અન્ય સમાચારો પણ છે...