• Gujarati News
  • Local
  • Gujarat
  • Nadiad
  • A Seminar Was Held In Nadiad On The Topic Of "Kheda District's Contribution In The Freedom Struggle" On The Occasion Of "Azadi Ka Amrut Mahotsav"

પ્રેસ પરિસંવાદ:નડિયાદમાં "આઝાદી કા અમૃત મહોત્સવ" નિમિત્તે સ્વાતંત્ર્ય સંગ્રામમાં ખમીરવંતા ખેડા જિલ્લાનું યોગદાન વિષય પર પરિસંવાદ યોજાયો

નડિયાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સચિવ, પ્રેસ અકાદમી, ગાંધીનગર અને માહિતી નિયામકની કચેરી દ્વારા પરિસંવાદનું આયોજન કરાયું
  • સ્વાતંત્ર્યની લડાઇમાં દેશવાસીઓમાં જોમ અને જુસ્સો પેદા કરવામાં ખેડાના શહિદોનો અમુલ્ય ફાળો

નડિયાદમાં "આઝાદી કા અમૃત મહોત્સવ" નિમિત્તે સ્વાતંત્ર્ય સંગ્રામમાં ખેડા જિલ્લાનું યોગદાન વિષય પર એક પ્રેસ પરિસંવાદ યોજાયો હતો. સચિવ, પ્રેસ અકાદમી, ગાંધીનગર અને જિલ્લા માહિતી કચેરી, નડિયાદ-ખેડા દ્વારા આયોજિત આ પરિસંવાદમાં જાણીતા શિક્ષણવિદ વિપુલ પટેલે ખેડા જિલ્લામાં આઝાદી સમયનો માહોલ અને અનેક નામી અનામી સ્વાતંત્ર્ય વીરોના પ્રદાન વિશે તેમજ ખમીરવંતા ખેડા જિલ્લા વિશે વિગત વાર વાત કરી હતી.

અંગ્રેજોએ કઈ રીતે દેશમાં પોતાની સત્તા સ્થાપી એ વિશે વાત કરતા વિપુલ પટેલે જણાવ્યું કે, અંગ્રેજો વેપાર કરવાના ઇરાદે દેશમાં આવ્યાં હતા, પરંતુ પોતાના રક્ષા અર્થે લાવેલા લશ્કરની મદદથી તેમણે ધીરે ધીરે દેશના અનેક પ્રદેશોનો કબજો જમાવ્યો હતો. એ સમયે દેશનાં રાજાઓમાં એકતાનો અભાવ હતો તેનો અંગ્રેજોએ ભરપૂર લાભ લીધો અને પોતાની સત્તા સ્થાપી.

અંગ્રેજો સામે અનેક રાજાઓએ લડાઇઓ લડી પરંતુ તેઓ એકલા જ લડી રહ્યાં હતા, તેમને અન્ય રાજાઓનો સાથ મળ્યો નહી. તેમણે વર્ષ-1857 ના સ્વાતંત્ર્ય સંગ્રામનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, આ અંગ્રેજો સામેનો જોરદાર વિપ્લવ હતો. જેમાં અનેક સ્વાતંત્ર્ય વીરો શહીદ થયા. અંગ્રેજોને પોતાના લશ્કરમાં સામેલ કરતા નહોતા. વર્ષ 1857ની ક્રાંતિથી દેશભરમાં સ્વાતંત્ર્ય માટે લોકજાગૃતિ આવી.

ખેડા જિલ્લામાં કઇ રીતે આઝાદીનો જુવાળ પ્રસર્યોએ વિશે વાત કરતા જણાવ્યું કે, ગાંધીજી વર્ષ 1915 પછી દક્ષિણ આફ્રિકામાં રંગભેદની નીતિ સામે આંદોલન કર્યા પછી ભારત પરત આવ્યાં હતા. ખેડામાં પણ સ્વાતંત્ર્યવીરો આંદોલન ચલાવી રહ્યાં હતા. ખેડાનાં ગામે ગામ તેના પ્રત્યાઘાત મળી રહ્યાં હતા. ખેડામાં સ્વાતંત્ર્ય માટે અનોખો જુસ્સો જોવા મળતો હતો. આ સ્વાતંત્ર્ય વીરોએ મરજીવા થઇને આંદોલનમાં ઝપલાવ્યું હતું. એ માટે તેમણે પોતાનું સર્વસ્વ દાવ પર લગાવ્યું હતું. અંગ્રેજોના દમનનો કોઇ પાર નહોતો છતાં પણ સૌ કોઇએ હિંમતભેર તેનો સામનો કર્યો હતો.

આ પરિસંવાદમાં આઝાદીના અમૃત મહોત્સવનું મહાત્મ્ય સમજાવતાં જિલ્લા વિકાસ અધિકારી મેહુલ દવેએ જણાવ્યું હતુ કે, આઝાદીનો અમૃત મહોત્સવ એ રાષ્ટ્રનિર્માણનો અવસર છે. દેશ અને રાષ્ટ્ર વચ્ચે બે મહત્વનાં તફાવત છે. દેશે ભૌગોલિક પ્રદેશ સાથે જોડાયેલી વિભાવના છે જયારે રાષ્ટ્ર એ લોકોના મન સાથે જોડાયેલા ઐક્યની વિભાવના છે. હું ભારતીય છું એ રાષ્ટ્રભાવના આપણે રોપવાની છે.

ખેડા જિલ્લાના ઇતિહાસનાં અભ્યાસુ અને પીઢ પત્રકાર વિનુભાઇ સુથારે જણાવ્યું કે, સ્વાતંત્ર્ય સંગ્રામમાં ખેડા જિલ્લાનું પ્રદાન અનન્ય છે. ઇતિહાસ સાક્ષી છે કે ખેડાની ઘરતીના સપુતોએ પોતાનું બલિદાન આપી દેશની આઝાદીમાં અમૂલ્ય યોગદાન આપ્યું છે. અંગ્રેજોની ગુલામીમાંથી મુક્તિ અપાવી.

સ્વાતંત્ર્યની લડાઇમાં દેશવાસીઓમાં જોમ અને જુસ્સો પેદા કરવામાં ખેડાના શહિદોનો સિંહ ફાળો રહ્યો છે. આ ઉપરાંત સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન વર્ષ 1930માં દાંડીયાત્રા દરમિયાન ગાંધીજીએ ખેડા જિલ્લાની મુલાકાત લીધી હતી. કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા પત્રકાર મિત્રોએ સમગ્ર કાર્યક્રમ ખૂબ જ રસપૂર્વક માણ્યો હતો.

આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન નડિયાદ માહિતી ખાતાના કર્મચારી રીન્કલબેન વાડદોરીયા અને આભારવિધિ ટેકનીકલ આસીસ્‍ટન્‍ટ દિવ્‍યેશ આચાર્યએ કરી હતી. આ પરિસંવાદમાં નાયબ માહિતી નિયામક ઇલાબેન વ્‍યાસ સહિતનાં અધિકારીઓ તેમજ જિલ્લાના પત્રકાર મિત્રો હાજર રહ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...