રજૂઆત:નડિયાદના મંજીપુરામાં રસ્તાના કામ બાબતે તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર અપાયું

નડિયાદ11 દિવસ પહેલા
  • સરપંચ ભેદભાવ રાખી દલિત સોસાયટીના લોકો માટે રસ્તો ન બનાવતા હોવાનો આક્ષેપ
  • કામ શરૂ નહીં થાય તો આમરણાંત ઉપવાસ આંદોલન છેડવાની ચીમકી

ખેડા જિલ્લાના નડિયાદની બાજુમાં આવેલા મંજીપુરાની હદના શ્યામ રો-હાઉસ સોસાયટી વિસ્તારના લોકોએ રસ્તાના કામ બાબતે તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું. તેમજ જો આ રસ્તાનું કામ શરૂ નહીં થાય તો આવનારી પહેલી ડિસેમ્બરના રોજ બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા નજીક આમરણાંત ઉપવાસ આંદોલન છેડાશે તેવી ચીમકી પણ લોકોએ ઉચ્ચારી હતી.

નડિયાદ તાલુકાના મંજીપુરામાં આવેલી શ્યામ રો-હાઉસ સોસાયટીમાં રહેતા રહીશોએ આજે સોમવારે નડિયાદ તાલુકા વિકાસ અધિકારીની કચેરીએ આવી મદદનીશ તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું. આ આવેદનપત્રમાં એવો આક્ષેપ કરાયો હતો કે ગામના સરપંચ ભેદભાવ રાખી દલિત સોસાયટીમાં વસતા લોકો માટે મંજૂર રસ્તો બનાવતા નથી. તેમજ આ બાબતે ગ્રામ પંચાયતમાં તપાસ કરવા જતાં સરપંચ તમારી સોસાયટીના ચારથી પાંચ વ્યક્તિઓ અરજી આપી ગયા છે અને આ રસ્તો લાંબો બનાવવો પડશે એવું કહી ગયા છે. તેમજ આ અરજીનો નિકાલ થયા બાદ રસ્તાનું કામ શરૂ કરીશું તેવું જણાવે છે. જો કે અત્યાર સુધીમાં અરજીનો નિકાલ થયો નથી એટલે કામ અટક્યું છે તેવી સાંત્વના સાથે વહેલી તકે આ કામ શરૂ કરવામાં આવે તેવી લોક માંગ આવેદનપત્ર દ્વારા કરવામાં આવી હતી. તેમજ જો આ કામ શરૂ નહીં થાય તો તારીખ પહેલી ડિસેમ્બર 2021ના રોજ આ વિસ્તારના લોકો ગાંધીચિંધ્યા માર્ગે બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા નજીક ઉપવાસ આંદોલન શરૂ કરશે તેવી પણ ચિમકી ઉચ્ચારી હતી.

આ સમગ્ર મામલે નડિયાદ તાલુકા પંચાયતના મદદનીશ તાલુકા વિકાસ અધિકારી સંજય ભાઈએ જણાવ્યું હતું કે તેમને આજે આવેદનપત્ર મળ્યું છે. કામ કઈ જગ્યાએ અટક્યું છે તે બાબતે તેઓ તપાસ કરાવશે અને વહેલી તકે કામ શરૂ થશે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...