ખેડા જિલ્લાના કપડવંજ પંથકમાંથી આજે એક કાર મળી આવતાં ચકચાર જાગી છે. કારમાં ડ્રાઈવર સીટ પર લોહીના ડાઘ જોવા મળતાં અહીંયા લોકોના ટોળેટોળા સ્થળ પર ઉમટ્યા હતા. આ બનાવમાં સત્ય હકીકત શુ છે તે તો પોલીસ તપાસનો વિષય છે.
કપડવંજ તાલુકાના ચારણીયા ગામ પાસેથી નર્મદાની મુખ્ય કેનાલ પસાર થાય છે. બુધવારે સવારે અહીંયા પુલ પર એક કાર મળી આવી છે. કારની ડ્રાઈવરની સીટ પર લોહીના ડાઘ જોવા મળતાં લોકોના ટોળેટોળા સ્થળ પર દોડી ગયા છે. સ્થાનિકોના મતે અહીંયા નહેરના પાણીમાં કોઈ ઇસમે ઝંપલાવ્યું હોવાની ચર્ચાએ જોર પકડયું છે. જેનો મૃતદેહ તણાતો તણાતો આગળ અમદાવાદ જિલ્લાની હદ તરફ ગયો હોવાનું અનુમાન છે.
આ બનાવ આત્મહત્યાનો છે કે હત્યાનો તે તો પોલીસ તપાસનો વિષય છે. આ અંગે આતરસુંબા પોલીસ મથકના પોસઈ એમ. એમ. દેસાઈનો સંપર્ક સાંધતા તેમણે ત્યાં માણસોની ટીમ મોકલી હોવાનું જણાવ્યું છે. તો આ તરફ બીટ જમાદારનો સંપર્ક સાંધતા તેમણે જણાવ્યું હતું કે હાલ કારના માલિકને બોલાવ્યા છે જે બાદ જ માલુમ પડશે કે સમગ્ર ઘટના શુ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.