તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અષાઢી બીજ:નડિયાદ સહિત સમગ્ર જિલ્લામાં ઠેરઠેર અષાઢી બીજની ઉજવણી કરાઈ, સાદગી પૂર્વક રથયાત્રાનું આયોજન કરાયું

નડિયાદ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
નડિયાદ સંતરામ વિદ્યાલયમાં રથયાત્રા મહોત્સવ ઉજવાયો - Divya Bhaskar
નડિયાદ સંતરામ વિદ્યાલયમાં રથયાત્રા મહોત્સવ ઉજવાયો
  • નડિયાદ, વડતાલ, કપડવંજ, મહેમદાવાદ, કઠલાલ સહિત પંથકમાં અષાઢી બીજની ઉજવણી થઈ

સમગ્ર ખેડા જિલ્લામાં ઠેરઠેર અષાઢી બીજની ઉજવણી કરાઈ છે. જોકે, આ વખતે આ પર્વની ખુબજ સાદગીથી ઉજવણી થઈ છે. ઘણી જગ્યાએ રથયાત્રાનું આયોજન થયું પરંતુ મંદિર પરિસરમાં ભગવાનને ફેરવી ગણતરીની મિનિટોમાં જ આ રથયાત્રાને પૂર્ણ કરી દેવાઈ હતી.

અષાઢી બીજનું ખુબજ ધાર્મિક મહત્વ હોય છે. આ દિવસે ભગવાન સ્વયંમ નગરચર્યા માટે નીકળી ભક્તોને દર્શન આપે છે. નડિયાદ સહિત સમગ્ર જિલ્લામાં આ પાવન પર્વની ઉજવણી કરાઈ છે. જોકે, છેલ્લાં 2 વર્ષથી કોરોનાનું ગ્રહણ આ પર્વને નડી રહ્યું છે. સોમવારે અષાઢી બીજની જીલ્લાના તમામ તાલુકામાં આવેલા નાના મોટા મંદિરોમાં ઉજવણી થઈ છે. ક્યાંક બંધ બારણે તો ક્યાંક ભક્તો વીના તો ક્યાંક જુજ ભક્તો સાથે આ પર્વની ઉજવણી કરાઈ છે. આ ઉપરાંત ખાનગી સંસ્થાઓ દ્વારા પણ આ પર્વની ઉજવણી કરાઈ છે.

નડિયાદ સંતરામ મંદિરમાં રથયાત્રા મહોત્સવ ઉજવાયો
નડિયાદ સંતરામ મંદિરમાં રથયાત્રા મહોત્સવ ઉજવાયો

નડિયાદ સંતરામ વિદ્યાલયમાં રથયાત્રા મહોત્સવ ઉજવાયો છે. અહીંયા સૌ પ્રથમ ભગવાન શ્રી જગન્નાથજીની આરતી ઉતારવામાં આવી ત્યારબાદ પાલખીમાં બેસી પાલખીયાત્રા હોલમાં ફેરવવામાં આવી હતી. આ સમયે શાળાના આચાર્ય તથા શિક્ષકગણ હાજર રહ્યા હતા આ ઉપરાંત મોટાનારાયણ દેવ મંદિરમાં ભગવાનને સાજ શણગાર કરવામાં આવ્યો હતો.

વડતાલમાં અષાઢી બીજ નિમિત્તે જાંબુફળોત્સવનું આયોજન કરાયું

સ્વામિનારાયણ સંપ્રદાયના મુખ્ય તીર્થધામ વડતાલ ખાતે અષાઢી બીજ નિમિત્તે જાંબુફળોત્સવનું આયોજન કરાયું હતું. તેમજ નીજ મંદિરમાં રથયાત્રાનું પૂજન પણ કરવામાં આવ્યુ હતું. જાંબુ તથા ફણગાયેલા મગનો પ્રસાદ ભગવાનને ભોગ લગાવવામાં આવ્યો હતો.

કપડવંજમાં શ્રી ગોકુલનાથજી તથા શ્રી નારાયણદેવ મંદિરમાં રથયાત્રા પર્વ ઉજવાયો

કપડવંજના સુપ્રસિદ્ધ ઐતિહાસિક શ્રી ગોકુલનાથજીના મંદિર તથા શ્રી નારાયણ દેવ દાદાના મંદિરમાં આજ રોજ અષાઢી બીજ પુષ્યનક્ષત્રમાં રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્ષે સરકારી નિયમોનુસાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ફક્ત મંદિર પરિસરમાં જ રથયાત્રાનું પરિભ્રમણ કરાવવામાં આવ્યું હતું. જેના દર્શનનો લાભ ભક્તજનો તથા વૈષ્ણવોમાં લીધો હતો.

મહેમદાવાદમાં સિધ્ધિ વિનાયક મંદિરમાં અષાઢી બીજની ઉજવણી થઈ

શ્રી સિદ્ધિ વિનાયક રથયાત્રા સેના આયોજિત શ્રી જગન્નાથજી રથયાત્રા અસ્ટમ ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. સવારે 9:30 કલાકે સિદ્ધિવિનાયક દેવસ્થાન પરિસરમાં બ્રાહ્મણો દ્વારા શાસ્ત્રોક્ત વિધિ અનુસાર રથયાત્રાનો પ્રારંભ થયો હતો. જેમાં અતિથિ તરીકે મહેમદાવાદના ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ સહિત અન્ય લોકો હાજર રહ્યા હતા.

રથમાં ભગવાન જગન્નાથજીને બિરાજમાન કરવામાં આવ્યા ત્યારબાદ મંદિર પરિસરમાં રથનું પરિભ્રમણ કરવામાં આવ્યું હતું. આ સાથે 11 કલાકે મંદિર પરિસરમાં મોસાળુ ભરવામાં આવ્યું હતું. આ મોસાળું અલ્પેશભાઈ પીતામ્બરભાઈ પટેલ લોવેના ગ્રુપ ખાત્રજ પંચવટી તરફથી કરવામાં આવ્યું હતું. જે બાદ 12:00 કલાકે સિદ્ધિવિનાયક દેવસ્થાન પરિસરમાં પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. જ્યારે કઠલાલમાં પટેલ વાડા વિસ્તારમાં આવેલા રામજી મંદિરમાં અષાઢી બીજની ઉજવણી કરાઈ છે. આ પર્વની ખુબજ સાદગીથી ઉજવણી કરાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...