સરપંચનો સરતાજ કોના શીરે?:મહેમદાવાદના નવચેતન ગામે એક જ સમાજની બે મહિલાઓ વચ્ચે સરપંચ પદનો જંગ, સમરસ કરવા અનેક પ્રયાસો કરાય પણ સફળતા ન મળી

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • NRI દાતાનો સહયોગથી ગામ વિકાસ તરફ જઈ રહ્યું છે
  • 1500ની વસ્તી ધરાવતા આ ગામમાં 8 વોર્ડ

રાજ્યમાં ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈ ધમધમાટ ચાલી રહ્યો છે. ત્યારે ખેડા જિલ્લાના નવચેતન ગામમાં પણ ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાશે. જે માટે એક જ સમાજની બે મહિલાઓએ સરપંચ પદ માટે ઉમેદવારી નોંધાવી છે. ખેડા જિલ્લાના મહેમદાવાદ અને મહુધા તાલુકાની બોર્ડર પર આવેલા નવચેતન ગામનો વિકાસ ધીમી ધારે થઈ રહ્યો છે. જોકે, ગામના NRI દાતાઓ થકી ગામને સારુ અને સગવડ ભર્યુ બનાવવા માટે કામગીરી કરવામાં આવી રહી છે.

મહેમદાવાદ તાલુકાના નવચેતન ગામ 1500ની વસ્તી ધરાવતું ગામ છે. ચાલુ વર્ષની ચૂંટણીમાં ગામના તમામ 8 વોર્ડ બિનહરીફ આવ્યાં છે. તો બીજી બાજુ સરપંચ પદ માટે એક જ સમાજના બે લોકો સામે જંગ છેડાયો છે. અહીંયા મહિલા સીટ હોવાથી પરમાર રીટાબેન કલ્પેશભાઈ અને પરમાર નીરાબેન ભયલાલભાઈ વચ્ચે સરપંચ પદનો જંગ જામ્યો છે. બન્ને પક્ષો એડીચોટીનું જોર લગાવી પદને હાંસલ કરવા કામગીરી આરંભી છે.

NRIના સહયોગથી કામ વિકાસના રસ્તે જઈ રહ્યું છે

ગામના પૂર્વ સરપંચના પતિ નગીનભાઈ પટેલ સાથે વાત કરતાં તેઓએ જણાવ્યું હતું કે, સમરસ કરવા અનેકો પ્રયાસ કરવામાં આવ્યાં હતા પરંતુ તેમાં સફળતા મેળવી શક્યા નહોતા. એક જ સમાજના લોકો વચ્ચે આ વખતે ચૂંટણી જંગ જામ્યો છે. ગામના વિકાસ માટેની વાત કરતાં તેઓએ જણાવ્યું હતું કે, ગામના વતનપ્રેમી NRI ગોરધન ફુલાભાઈ પટેલ, રતિલાલ બેચરભાઈ પટેલ અને વ્યાસ મોનીકાબેન રમેશચન્દ્ર દ્રારા અનેકો પ્રયાસ કરી ગામનો બદલાવ કરવામાં આવ્યો છે. જેમાં ઉપરોક્ત ગોરધનભાઇ અને રતીલાલભાઈએ ગામમાં કોમ્યુનિટી હોલના નિર્માણમાં મહત્વનું યોગદાન તથા ગેટ બનાવ્યો છે. તો વ્યાસ મોનીકાબેન દ્વારા પણ ધાર્મિક પ્રવૃત્તિમાં સિંહફાળો છે.

ગામની સમસ્યા

ગામની મુશ્કેલી અંગે તેમણે જણાવ્યું હતું કે, અહીંયા પંચાયત ઘરનું મકાન નથી જેની આયોજનની ગ્રાન્ટ મંજૂર થઈ ચૂકી છે અને ચૂંટણી બાદ આ કામગીરી થશે. રાજીવ ગાંધી ભવનનું પણ ધીમીધારે કામ થઈ રહ્યું છે. આ ઉપરાંત આ ગામ બે તાલુકા મથકોને જોડે છે જેથી અહીંયા કોઈ સીમાડાના પાકા રોડ નથી.

ગામના ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળતું નથી

આજે પણ ગામના ખેડૂતોને સિંચાઈ માટે પાણી નહી મળતાં વલખાં મારવા પડી રહ્યા છે. ગામમાં લગભગ 200 જેટલા ખેડૂતો વસવાટ કરી રહ્યા છે. જેઓના ખેતરો ગામના સીમાડે આવ્યા છે. શેઢી શાખાની નવચેતનની માઈનોર નહેરમાં પાણી ન આવતાં ખેતી કરવી ખુબજ પીડા દાયક બની છે. વારંવાર આ અંગે સરપંચ તથા ગ્રામજનો અને ખેડૂતોએ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી તેમ છતાં તંત્ર દ્વારા કોઈ પગલા નહી લેવાતાં આજે પણ સિંચાઈ માટે પાણીની તકલીફ ગ્રામજનોને પડી રહી છે.

ગામમાં બસોની તકલીફ અને ઉકરડાનો પ્રશ્ન યથાવત

એક ગ્રામજને જણાવ્યું હતું કે અહીંયા આવતી બે ડેપોની બસો પૈકી હાલ કોઈ બસો આવતી નથી. જેના કારણે વિદ્યાર્થી વર્ગ અને નોકરિયાત વર્ગને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ઉપરાંત ઉકરડા અને શૌચાલયની પણ સમસ્યા હોવાનું જણાવ્યું છે. ત્યારે હવે ગામના મતદારો કોને ફળશે તે આગામી 21મી ડીસેમ્બરે માલૂમ પડશે.

અન્ય સમાચારો પણ છે...