ગોલમાલ:ખેડાના ચિત્રાસર ગામે દૂ. ઉ. મંડળીમાં માજી સેક્રેટરીએ પોતાના મળતીયાને સાથે રાખી રૂપિયા 8.49 લાખની ઉચાપત કરી

નડિયાદ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વર્ષ 2018-19માં લાખો રૂપિયાની ઉચાપત આચરવાનું કૌભાંડ આચરવામાં આવ્યું
  • માજી સેક્રેટરી અને લેવડ દેવડ કરતાં તેના મળતીયા સામે પોલીસ ફરિયાદ નોંધાઈ
  • ઓડીટ કરતાં ભાંડો ફુટ્યો અને સમગ્ર મામલો બહાર આવ્યો

સહકારી માળાખાઓમાં મોટા પાયે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે. ખેડા જિલ્લામાં એક પછી એક ઉચાપતના કિસ્સાઓ પ્રકાશમાં આવી રહ્યા છે. ખેડાના ચિત્રાસર ગામની દૂધ ઉત્પાદક સહકારી મંડળીના માજી સેક્રેટરીએ લાખોની ઉચાપત આચરતાં ચકચાર મચી જવા પામી છે. આ માજી સેક્રેટરી ઓછુ ભણેલા હોવાથી તેના મળતીયાને સાથે રાખી મંડળીમાંથી કુલ રૂપિયા 8 લાખ 49 હજાર 817ની કાયમી ઉચાપત આચરી નાણાં ચાઉ કર્યા છે. આ મામલે ખેડા ટાઉન પોલીસમાં માજી સેક્રેટરી અને લેવડ દેવડ કરતાં તેના મળતીયા સામે પોલીસ ફરિયાદ નોંધાઈ જવા પામી છે.

ખેડા તાલુકાના ચિત્રાસર ગામે ભાથીજીવાળા ફળિયામાં રહેતા ભીખાભાઇ ગોતાભાઈ ઠાકોર ગામની દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં ચેરમેન તરીકે ફરજ બજાવે છે. આ દૂધ ઉત્પાદક મંડળીમાં વર્ષ 2018-19 દરમિયાન ગામના બળદેવ ખોજાભાઈ પરમાર સેક્રેટરી તરીકે હતા. જોકે બળદેવ પોતે ઓછું ભણેલા હોવાથી મંડળીના પૈસાની લેવડ દેવડ ગામના અંબાલાલ ચતુરભાઈ ઠાકોર કરતા હતા. અંબાલાલ ઠાકોર પોતે દાણા વિતરણ તથા મંડળીના નાણાંની લેવડ દેવડ કરતા હતા.

ઓક્ટોબર 2018થી માર્ચ 2020 સુધી ઓડિટર દ્વારા ઓડીટ કરવામાં આવ્યું હતું. દરમિયાન આ દૂધ ઉત્પાદક મંડળીમાં મોટાપાયે ગોલમાલ થઈ હોવાનું રીપોર્ટે ખુલાસો કર્યો હતો. જેમાં સેક્રેટરી બળદેવ પરમાર અને તેના મળતીયા અંબાલાલ ઠાકોરે ભેગા મળી સહકારી મંડળીમાં અમૂલ દાણની 220 ગુણ, ન્યુ સુપર પાવર દાણ 60 ગુણ, મકાઈ ભરડો 310 ગુણ તથા સ્પેશ્યલ વિઝિટ અને ગ્રાહક ચૂકવણીના બાકી ખાતે મળી કુલ રૂપિયા 8 લાખ 49 હજાર 817ની ગોલમાલ આચરી હતી. હિસાબ ન મળતા આ રકમની કાયમી ઉચાપતનો ચોંકાવનાર ખુલાસો થયો હતો.

આથી આ ઉચાપત સંદર્ભે જિલ્લા રજીસ્ટ્રાર દ્વારા પોલીસ ફરિયાદનો હુકમ થતાં હાલના ચેરમેન ભીખાભાઇ ઠાકોરે ઉપરોક્ત નાણાં ચાઉ કરનાર માજી સેક્રેટરી બળદેવ પરમાર અને તેના મળતીયા અંબાલાલ ઠાકોર સામે ખેડા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આઈપીસી 409, 114 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી દીધી છે.

અન્ય સમાચારો પણ છે...