ગૌરવ:નડિયાદના વીણાની દીકરીએ અમેરિકન આર્મીમાં સ્થાન મેળવ્યું

નડિયાદ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • માહી પટેલે કૉલેજકાળથી જ આર્મીની તૈયારી શરૂ કરી હતી

દેશની દીકરીઓ આજે દેશમાં જ નહીં, પરંતુ વિદેશમાં પણ પોતાની પ્રતિભાનો પરચો બતાવી રહી છે. મૂળ નડિયાદના વીણા ગામની 22 વર્ષીય દીકરીએ અમેરિકાની આર્મીમાં સ્થાન મેળવ્યું છે, જે ગુજરાત માટે જ નહીં, પણ સમગ્ર દેશ માટે ગૌરવની વાત છે.

વીણા ગામના જિજ્ઞેશભાઈ અને રૂપલબેન વર્ષો પહેલાં અમેરિકામાં સ્થાયી થયાં હતાં, જ્યાં તેમણે ઈન્ડિયન ગ્રોસરીનો સ્ટોરના નાનકડા વ્યવસાયથી જીવનની સફરની શરૂઆત કરી હતી. ત્યારે તેમને સપનામાંય વિચાર્યું નહીં હોય કે તેમની નાનકડી દીકરી માહી પટેલ અમેરિકાની આર્મીમાં જોઈન થઈને વિદેશમાં દેશનું ગૌરવ વધારશે.

વર્ષ 1999માં જન્મેલી માહી પટેલ નાનપણથી આર્મીમાં જોડાવવા માગતી હતી, જેથી તે હંમેશાં સ્કૂલ-કૉલેજની વિવિધ સ્પર્ધામાં ભાગ લેતી હતી. કૉલેજ દરમિયાન તેને લશ્કરી તાલીમ લીધી હતી. ત્યાર બાદ તેણે અમેરિકન આર્મીમાં જોડાવવા માટેની લશ્કરી પરીક્ષા પાસ કરી હતી અને આજે તેણે પોતાનું સપનું સાકાર કર્યું છે. હાલ તે અમેરિકા સ્થિત આર્મી કેમ્પમાં રહીને દેશની સુરક્ષા કરી રહી છે.

માહી પટેલે 5 વર્ષની થઈ ત્યાં સુધી વીણામાં રહી હતી
માહીના પિતા જિજ્ઞેશ પટેલની ઈચ્છા હતી કે તેમનાં બાળકો ગુજરાતી સંસ્કૃતિથી જોડાયેલા રહે. એ પણ ગુજરાતી લખતાં-વાંચતા શીખે. પોતાની ધરોહર અને માતૃભાષાને પ્રેમ કરે. એટલે તેમણે 8 મહિનાની માહીને વીણા પોતાના ભાઈ સાથે રહેવા મોકલી દીધી હતી. માહી 5 વર્ષ સુધી પોતાના કાકાને ત્યાં રહેતી હતી. ત્યાર બાદ અમેરિકામાં જઈને તેણે પોતાનો આગળનો અભ્યાસ શરૂ કર્યો હતો.