દુષ્કર્મની ઘટના:વડતાલ મંદિરના પાર્ષદે 8 વર્ષની બાળા પર દુષ્કર્મ આચર્યું, પોલીસે આરોપીની ધરપકડ કરી

નડિયાદ2 મહિનો પહેલા
  • પાર્ષદે સ્વામિનારાયણ સત્સંગી પરિવાર સાથે પરીચય કેળવ્યો હતો
  • સત્સંગી પરિવારની બાળા પર પાર્ષદે નજર બગાડી

સતત વિવાદોમાં સપડાયેલા વડતાલ સ્વામિનારાયણ મંદિર વધુ એક વખત વિવાદમાં આવી ચુક્યૂં છે. ગઈકાલે 47 વર્ષીય મંદિરના પાર્ષદે આઠ વર્ષીય બાળકીને ગોમતી તળાવે ફરવા લઈ જવાના બહાને લક્ષ્મીનારાયણ ભુવન લઈ જઈ તેની સાથે દુષ્કર્મ આચરતા ચકચાર જાગી છે. ભોગ બનેલી 8 વર્ષીય બાળકીએ આ વાત તેના માતાપિતાને કરતા તેના માવતરે ચકલાસી પોલીસ મથકે આ અંગે પાર્ષદ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતાં સમગ્ર પંથકમાં હડકંપ મચી જવા પામ્યો છે. પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપી ઈસમને પકડી પાડી જેલ હવાલે કર્યો છે.

મૂળ મધ્યપ્રદેશ છેલ્લા 30 વર્ષથી વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં રહેતા 47 વર્ષીય પાર્ષદ સોહમ ભગતે એક માસૂમ 8 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચરતા ચકચાર જાગી છે. સોહમ ભગતે મુળ મધ્યપ્રદેશના અને વર્ષોથી અહીંયા સ્થાઈ થયેલા એક સ્વામિનારાયણ સત્સંગી પરિવાર સાથે પરીચય કેળવ્યો હતો. અવાર નવાર આ સત્સંગી તેમના પરિવાર સાથે મંદિરમાં આવતાં જતાં હતા.

માતાએ પૂછપરછ કરતા હકિકત બહાર આવી
ગઈકાલે પીડિત પરિવારના ઘરેથી સોહમ ભગત આઠ વર્ષીય બાળકીને ગોમતી તળાવ બતાવવાના બહાને વડતાલ સ્થિત લક્ષ્મીનારાયણ ભૂવન લઈ ગયો હતો. જ્યાં આવેલ રૂમમાં તેણે બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હોવાનું ડીવાયએસપી જી.એસ. શ્યાને જણાવ્યું છે. દુષ્કર્મનો ભોગ બનેલી બાળાની પીડા માવતરના નજરે ચડી જતા તેમણે બાળકીને આ બાબતે પૂછપરછ કરતા બાળકીએ તમામ હકીકત જણાવી હતી. જે બાદ માવતરે મંદિર પ્રશાસને કાને વાત નાખતાં મંદિર પ્રશાસને આ હવસખોર સોહમ ભગતને પોલીસના હવાલે કર્યો છે.

ભોગ બનનાર બાળકીને અમદાવાદ લઇ જવાઈ
આ બનાવ અંગે ચકલાસી પોલીસને જાણ કરતા ચકલાસી પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી. ભોગ બનનાર બાળકીને મેડિકલ તપાસ માટે અમદાવાદ લઈ જવામાં આવી છે. તેમજ ગભરાયેલી બાળકીનું તબીબની ટીમ દ્વારા કાઉન્સિંલંગ કરવામાં આવી રહ્યું હોવાનું ડાકોર સીપીઆઇ આર. એન. વાઘેલાએ જણાવ્યું છે. વધુમાં હાલ આરોપી સોહમ ભગતની પણ ધરપકડ કરી તેને પણ મેડિકલ ટેસ્ટ માટે લઈ જવામાં આવ્યો છે. તો સમગ્ર ઘટના ઉજાગર કઈ રીતે બની તે બાબત પર પણ પોલીસ કશુ કહેવા માંગતી નથી.

અન્ય સમાચારો પણ છે...