કાર્તિકી સમૈયોનો ચોથો દિવસ:વડતાલમાં લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજનો 197મો વાર્ષિક પાટોત્સવ દબદબાભેર ઉજવાયો

નડિયાદ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આ પ્રસંગે ભવ્ય અન્નકૂટ ભગવાનને ધરાવવામાં આવ્યો

ભગવાન શ્રી હરિએ જ્યાં પોતાનું સ્વરૂપ શ્રીહરિકૃષ્ણ સ્વરૂપે પધરાવ્યું છે તેવા વડતાલધામનાં લક્ષ્મીનારાયણ દેવ આદી દેવોનો 197મો પાટોત્સવ આચાર્ય રાકેશપ્રસાદ મહારાજની નિશ્રામાં ખુબજ દબદબા ભેર ઉજવાયો હતો. આ પ્રસંગે ભવ્ય અન્નકૂટ ભગવાનને ધરાવવામાં આવ્યો હતો. તેમ મંદિરનાં કોઠારી ડો.સંત સ્વામીએ જણાવ્યું હતું. ભગવાન સ્વામિનારાયણે સ્વહસ્તે છ મંદિરોની સ્થાપના કરેલી છે. જેમાં વડતાલમાં શ્રીહરિએ પોતાનું સ્વરૂપ સ્વહસ્તે પધરાવ્યું હતું. ભગવાન શ્રીહરિએ વડતાલમાં લક્ષ્મીનારાયણ દેવની સ્થાપના કરી હતી. કારતક સુદ 12ને મંગળવારનાં રોજ 197મો વાર્ષિક પાટોત્સવ બુવા(હાલ યુ.એસ.એ.)ના હરિભક્ત મુકુંદભાઈ નટવરભાઈ પટેલ પરિવારનાં યજમાનપદે યોજાયો હતો.

સવારે મંગળાઆરતી બાદ પાર્ટોત્સવની પૂજાવિધીમાં મુકુંદભાઈ પટેલ તથા પરિવારનાં સભ્યો હરિકૃષ્ણભાઈ, રાજેન્દ્રભાઈ વગેરે ઉપસ્થિત રહ્યાં હતાં. ચેરમેન દેવપ્રકાશદાસજી સ્વામી યજમાનોને પાટોત્સવનો લ્હાવો અપાવ્યો હતો. અભિષેક વિધીમાં આચાર્ય મહારાજ તથા બંન્ને લાલજી મહારાજ ઉપસ્થિત રહ્યાં હતાં. તેમના હસ્તે દેવોને અભિષેક થયો હતો. અભિષેક વિધીમાં મુખ્ય પુજારી બ.હરિકૃષ્ણાનંદજી, બ.ચૈતન્યાનંદજી વગેરે ભૂદેવો જોડાયા હતા. વડતાલ મંદિરનાં કોઠારી ડો.સંત સ્વામીએ મંગલ ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે, યજમાન મુકુંદભાઈ પટેલ આજે ધન્ય થઈ ગયા છે. તેમને આજે હરિકૃષ્ણ મહારાજનાં બાલ સ્વરૂપનાં પૂજન અભિષેકનો લ્હાવો મળ્યો છે. જે તેમના અને તેમના પરિવાર માટે એક સ્મૃતિરૂપ બની રહેશે. મુકુંદભાઈએ આ કાર્તિકી સમૈયો તેમને ડગલે ને ડગલે માનસન્માન ને સંતોનાં રૂડા આશીર્વાદ મળ્યાં છે.

પાટોત્સવની પૂર્વ રાત્રીએ સંતોને સંપ્રદાયની એનીમેશન ફિલ્મનાં પુરસ્કર્તા
જ્ઞાનજીવનદાસજી સ્વામી દ્વારા તૈયાર કરવામાં આવેલા 'શ્રી સ્વામિનારાયણ રાસ-1'નું આચાર્ય મહારાજ તથા સંપ્રદાયનાં વરિષ્ઠ સંતોનાં હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે બોલીવુડ સિંગર દિલેર મહેંદી તથા તેઓની ટીમ દ્વારા ભજન સંધ્યાનો ખાસ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.

સ્વામીજીના માર્ગદર્શન હેઠળ એનીમેશન ટેકનીકલ ટીમ દ્વારા સ્વામિનારાયણ રાસ ભાગ-1ની આ ડોક્યુમેન્ટરીનાં સર્જનમાં પુરૂ હીર નીચોવામાં આવ્યું છે. રાસમાં એક પ્રકારનું સજીવારોપણનો ભાવ નિરોપાયો હોય જૈનાર તે પણ આ રાસનાં એક ખેલૈયા હોવાની અનુભૂતિ થયા વગર રહેતી નથી. બોલીવુડ સિંગર દિલેર મહેંદી, કિર્તિદાન ગઢવી, પાર્થિવ ગોહીલ સહિતનાં સાત કલાકારોએ રાસમાં સંગીતકલા પીરસી છે. રાસના વિમોચન પ્રસંગે સમગ્ર સભામંડપ હકડેઠઠ હરિભક્તોથી ભરાઈ ગયો હતો. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન પૂ.શ્યામવલ્લભ સ્વામીએ કર્યું હતું.

નૂતન ગૌશાળાનું ઉદ્ઘાટન
વડતાલ સ્વામિનારાયણ મંદિર દ્વારા તૈયાર કરવામાં આવેલા નૂતન ગૌશાળાનું આચાર્યશ્રી મહારાજ તથા લાલજી મહારાજનાં હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગૌશાળાનાં યજમાન ઘનશ્યામભાઈ શીવાભાઈ પટેલ પરિવાર (ખાંધલી), ચેરમેન દેવપ્રકાશદાસજી સ્વામી, કોઠારી ર્ડા.સંત સ્વામી, બાપુ સ્વામી, બાલુ સ્વામી મેમનગર, વિષ્ણુ સ્વામી અથાણાવાળા, ધોરાજીનાં મહંત સ્વામી, જ્ઞાનપ્રકાશ સ્વામી ગાંધીનગર વગેરે ઉપસ્થિત રહ્યાં હતાં. વડતાલ મંદિર દ્વારા હાલ 225થી વધુ ગીર ગાયોનું જતન કરવામાં આવે છે.

પાંચ પુસ્તકોનું વિમોચન કરાયું
કાર્તિકી સમૈયા પ્રસંગે પાટોત્સવનાં શુભદિને વડતાલ ટેમ્પલ કમીટી દ્વારા વચનામૃત ભૂમિકા, વચનામૃત ગુટકો, ભક્તચિંતામગ્રી ગુટકો, શ્રીહરિચિંતામણી ભાગ-1-2-3, તથા શિક્ષાપત્રીનું આચાર્ય મહારાજ તથા વરિષ્ઠ સંતોનાં હસ્તે વિમોચન કરાયું હતું. વચનામૃત ભૂમિકાએ સંસ્કૃતનો ગ્રંથ છે. એસ.જી.વી.પી.નાં અધ્યક્ષ પૂ.માધવપ્રિયદાસજી સ્વામીએ લખ્યો છે. સોમનાથ યુનિવર્સિટીના અભ્યાસક્રમમાં નિર્ધારિત કરવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...