તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Nadiad
  • Two Youths From The Same Family Were Killed When A Dumper Collided With A Truck Coming From The Opposite Direction And Slid 30 Feet.

ખેડાનો ટ્રિપલ અકસ્માત:રિવર્સ લઈ રહેલા ડમ્પરે ટક્કર મારતાં બાઇક સામેથી આવતી ટ્રક સાથે અથડાઈ, 30 ફૂટ ઘસડાઈ, એક જ કુટુંબના બે જુવાનજોધ દીકરાનાં મોત

નડિયાદ8 દિવસ પહેલા
ખેડાના ગળતેશ્વરમાં ગત રાત્રે બનેલા ટ્રિપલ અકસ્માતમાં બે યુવકને કાળ ભરખી ગયો.
  • ગળતેશ્વરના સેવાલિયામાં બે યુવકને કાળ ભરખી ગયો
  • બંને યુવકને નોકરીથી પરત ફરતી વખતે અકસ્માત નડ્યો
  • સેવાલિયા પોલીસે ફરિયાદના આધારે ડમ્પર અને ટ્રકચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી

ખેડા જિલ્લાના ગળતેશ્વર પંથકમાં ગત રાત્રે બનેલા ટ્રિપલ અકસ્માતમાં બે યુવકને કાળ ભરખી ગયો છે. નોકરી પરથી આ બન્ને યુવકો બાઇક પર ઘરે પરત આવી રહ્યા હતા ત્યારે ટ્રિપલ અકસ્માતનો ભોગ બનતાં તેમના પ્રાણ ખંખેરાઈ ગયા છે. એક જ કુટુંબના આ બન્ને યુવકનાં અકસ્માતમાં અકાળે મૃત્યુ થતાં પરિવારજનો પર આભ તૂટી પડયું છે. આ બન્ને યુવક સેવાલિયા પાસે રિવર્સ લઈ રહેલા ડમ્પરની ટક્કરથી રોડ પર પટકાયા અને સામેથી આવતી ટ્રકે આ બન્નેને 30 ફૂટ ઘસડતાં તેમનાં મૃત્યુ થયાં છે. આ બનાવ સંદર્ભે સેવાલિયા પોલીસે ફરિયાદના આધારે અકસ્માતનો ગુનો નોંધ્યો છે.

બન્ને યુવક એક જ કુટુંબના.
બન્ને યુવક એક જ કુટુંબના.

બન્ને યુવકનાં ઘટનાસ્થળે જ મોત
ગળતેશ્વર તાલુકાના સેવાલિયા-ગોધરા રોડ પર ગત મોડી રાત્રે ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. અહીં આવેલી જનપથ હોટલ નજીક પસાર થઈ રહેલી બાઈક (નં. GJ-7-BP-9251)ને અકસ્માત નડ્યો હતો. આ બાઈક પસાર થઈ રહ્યું હતું ત્યારે ડમ્પર (નં. GJ-17-UU-3611)ના ચાલકે પોતાનું વાહન રિવર્સ કરી એકાએક રોડ પર લાવી દીધું હતું, જેને કારણે ઉપરોક્ત બાઇક આ ડમ્પર સાથે અથડાતાં બાઈકચાલક અને પાછળ બેઠેલો યુવક રોડ ઉપર પટકાયા હતા.
પટકાયેલા આ બન્ને યુવક હજુ કઈ સમજી કે વિચારી શકે એ પહેલાં જ સામેથી આવતી ટ્રક (નં. GJ-17-UU-4798)ની નીચે આવી જતાં આશરે 30 ફૂટ સુધી રોડ પર ઘસડાયા હતા, જેને કારણે આ બન્ને યુવકોને શરીરે ગંભીર ઈજાઓ થતાં તેમનાં ઘટનાસ્થળે જ મૃત્યુ થયાં હતાં. અકસ્માત બાદ ઉપરોક્ત ડમ્પર અને ટ્રકચાલક વાહન મૂકી બનાવ સ્થળથી ફરાર થઈ ગયા હતા.

ગળતેશ્વરના સેવાલિયા-ગોધરા રોડ પર ગત મોડી રાત્રે અકસ્માત સર્જાયો.
ગળતેશ્વરના સેવાલિયા-ગોધરા રોડ પર ગત મોડી રાત્રે અકસ્માત સર્જાયો.

બન્ને યુવકો નોકરી પર આવવા-જવા બાઇકનો ઉપયોગ કરતા હતા
ઘટના બાદ આસપાસના લોકો દોડી આવ્યા હતા, હાઈવે પર ભારે ટ્રાફિકજામ થતાં સેવાલિયા પોલીસ પણ દોડી આવી ટ્રાફિકને ખુલ્લો કર્યો હતો. પોલીસે બન્ને મૃતકના વાલીવારસોને શોધવા કવાયત કરતાં બાઈકચાલક વિજય રાજુભાઈ મારવાડી (ઉં. વ. 24) અને પાછળ બેઠેલા અજય તુલસીભાઈ મારવાડી (ઉં. વ. 21) હોવાનું જાણવા મળ્યુ હતું. આ બન્ને યુવકો એક જ કુટુંબના હોવાથી અહીં આવેલા તેમના પરિવારના સભ્યોમાં ભારે આક્રંદ વ્યાપ્યો હતો.

આ બન્ને યુવકો ક્વોરીમાં નોકરી કરતા હતા અને બાઇક મારફત ઘરેથી નોકરીએ અપડાઉન કરતા હોવાનું તેમના પરિવારના સભ્યોએ જણાવ્યું હતું. ઘરે આવતી વેળાએ આ અકસ્માત થતાં મારવાડી પરિવાર પર આભ તૂટી પડ્યો છે. આ અકસ્માત સંદર્ભે પોલીસે સુરેશ મારવાડીની ફરિયાદના આધારે ઉપરોક્ત ડમ્પર અને ટ્રકચાલક વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.

અન્ય સમાચારો પણ છે...