તહેવાર માતમમાં ફેરવાયો:માતર પાસેના નેશનલ હાઈવે પર રિક્ષા પાછળ કાર ઘૂસી જતાં બેના મોત, 3 ઘાયલ

નડિયાદએક મહિનો પહેલા
  • હોટલમાં નાસ્તો કરી રોડ પર જતાં અકસ્માત થયો

ખેડા જિલ્લાના માતર પંથકમાંથી પસાર થતાં નેશનલ હાઈવે નં. 8 પર રિક્ષા પાછળ કાર અથડાતા બે વ્યક્તિઓના કમકમાટી ભર્યા મોત નીપજ્યા છે. જ્યારે રીક્ષામાં બેઠેલ ત્રણ વ્યક્તિઓને ઈજાઓ પહોંચી છે. ઇજાગ્રસ્તોના નિવેદન લેતાં હોટલમાં નાસ્તો કરી રોડ પર જતાં આ વાહનને અકસ્માત થયો છે. માતર પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અમદાવાદ શાહઆલમ વિસ્તારમાં રહેતા મહંમદ ફારુખ અનવરભાઈ શેખ આજે સવારે રિક્ષામાં પોતાના સબંધીઓને લઈ ખેડા જિલ્લાના માતર પંથકના હાઇવે પરથી પસાર થતાં હતા. આ સમયે માતર નજીક એપેક્ષ હોટલમાં નાસ્તો કરવા ગયા હતા. નાસ્તો કરી રોડ પર આવી રિક્ષામાં બેસવા જતાં હતા. ત્યારે પાછળથી પુરપાટે આવતી કાર (GJ 01 KQ 0086)એ ધડાકા ભેર રિક્ષા પાછળ પોતાની કાર અથડાવી હતી.

રિક્ષામાં જઈ રહેલા ઇરફાન હસુભાઈ શેખ (ઉં. વ. 46) ,તેમજ મુમતાજ બાનું અનવર ભાઈ શેખ (ઉં. વ. 65)ને શરીર પર ગંભીર ઇજા થતાં ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય ત્રણ વ્યક્તિઓને ઇજા પહોંચી હતી. આ અકસ્માતમાં રીક્ષાનો લોચો વળી ગયો હતો. જ્યારે કારને પણ ઘણું નુકસાન પહોંચ્યું હતું.

ગંભીર રીતે ઘાયલ થયેલા ત્રણેય ઇજાગ્રસ્તોને તુરંત જ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યારે કાર ચાલક અકસ્માત સર્જી ફરાર થઈ ગયો હતો. આ બનાવની જાણ માતર પોલીસને કરવામાં આવતાં પોલીસે ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસે ફારૂક અનવર ભાઈ શેખની ફરિયાદના આધારે ફેટલ અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ખેડા સિવિલના તબીબે મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવાની ના પાડતાં મામલો ગરમાયો
મળતી માહિતી મુજબ, ખેડા સિવિલના ડૉક્ટરે મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવાની ના પાડી દીધી હતી. કારણ જણાવતા તેમને કહ્યું હતું કે, આ અકસ્માત તેમની હદ થયો નથી. જેથી તે આ મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરશે નહીં. આ વાતને લઈને ડૉક્ટર અને પોલીસ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. ત્યારબાદ માતરના PSI એસ.આર ભરવાડે આ અંગે માતર સી.એ.સીના ડૉક્ટરને ખેડા સિવિલમાં બોલાવીને મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું.

કારના નંબર પરથી આરોપીની શોધખોળ શરૂ
હાલ, આ ઘટનાની પ્રાથમિક તપાસ ચાલું છે. કારના નંબર પરથી આરોપી ગીરસોમનાથનો હોવાનું જાણવા મળ્યું છે. જેના આધારે હવે આગળની કાર્યવાહી કરવામાં આવશે. > એસ.આર ભરવાડ, પીએસઆઈ, માતર પોલીસ સ્ટેશન.

પુત્રની સામે જ માતાનું મોત
મહમંદફારૂખ શેખ બાઈક લઈને હૉટલ ગયા હતા. જ્યારે તેમની માતા મુમતાઝ શેખ મિત્રની રીક્ષામાં આવ્યાં હતા. હૉટલમાં નાસ્તો કરીને પરત ફરતી વખતે મહમંદફારૂખ કોન લેવા ઉભા હતા અને તેની માતા રીક્ષામાં બેઠા હતા. તે દુકાનેથી પાછો ફરે એટલામાં તો ગાડીએ જોરથી રીક્ષાને ટક્કર મારતા રીક્ષા ઉંધી પડી ગઈ હતી. જેમાં તેની માતાને ગંભીર ઈજા પહોંચતી હતી અને મહમંદફારૂખ શેખની આંખ સામે જ માતાએ દમ તોડ્યો હતો. સમગ્ર બનાવને પગલે પરિવારજનોમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ હતી.

અન્ય સમાચારો પણ છે...