દુર્ઘટના:કઠલાલ નજીક બે અકસ્માતમાં બે વ્યક્તિના મોત : બે ને ઇજા

નડિયાદ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પિઠાઇની સીમમાં અને ઇન્દોર-અમદાવાદ હાઇવે પર અકસ્માત સર્જાયા

કઠલાલ નજીક ગુરૂવારે કાર અને બાઇક વચ્ચે સર્જાયેલા બે અકસ્માતમાં બે વ્યક્તિઓના મોત નીપજ્યા હતા, જ્યારે બે વ્યક્તિઓને ઇજા થઇ હતી. મહેમદાવાદના સરસવણી ગામે રહેતા વિમલભાઇ ખોડાભાઇ ચૌહાણ પત્નીની દવા લેવા માટે કઠલાલ ગયા હતા. તે સમયે પિઠાઇ ગામની સીમમાં તલાવડી નજીક સામેથી બેફામ ગતિએ આવી રહેલ કારના ચાલકે વિમલભાઇના એક્ટિવાને અડફેટે લેતાં વિમલભાઇ અને તેમના પત્ની ફંગોળાઇને માર્ગ ઉપર પટકાયા હતા. અકસ્માતને પગલે આસપાસથી લોકો દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્ત પતિ-પત્નીને 108 માં સારવાર અર્થે ખસેડ્યા હતા. સ્થળ પરથી કોઇએ વિમલભાઇના મોબાઇલમાંથી તેમના ભાઇને ઘટનાની જાણ કરી હતી. જેથી પરિવારજનો હોસ્પિટલ દોડી ગયા હતા. જ્યાં વિમલભાઇ અને તેમના પત્નીને સારવાર ચાલુ હતી. જોકે ગંભીર ઇજાઓને કારણે વિમલભાઇનું મોત નીપજ્યું હતું. 

બંને મામલાની તપાસ કઠલાલ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી
બીજો બનાવ ઇન્દોર - અમદાવાદ હાઇવે પર બની હતી. જેમાં શહેરાના દિલીપભાઇ રઇજીભાઇ પગી પોતાના મિત્ર સાથે અમદાવાદ જઇ રહ્યા હતા. તેઓ અમદાવાદ - ઇન્દોર હાઇવે પરથી પસાર થઇ રહ્યા હતા ત્યારે રોડની નજીકમાં આવેલી શિવાલીકા સોસાયટીમાંથી એક બાઇક એકાએક રોડ ઉપર આવતા દિલીપભાઇ કાર પર કાબુ કરે તે પહેલાં જ બાઇક કાર સાથે અથડાતા બાઇક સવાર બે વ્યક્તિઓ બોનેટ સાથે અથડાઇને ફંગોળાઇ હતી. 108 ને ફોન કરતાં બંને ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડ્યા હતા. જ્યાં ઉસ્માનમીયાં શેખનું મોત નીપજ્યું હતું, જ્યારે અતુલભાઇ પટેલ ને ઇજા થઇ હતી. બંને મામલાની તપાસ કઠલાલ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...