મારામારી:ખેડા જિલ્લાના કઠલાલ અને કપડવંજ તાલુકામાં મારામારીના બે બનાવ

નડિયાદ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કઠલાલમાં ટ્રેકટરના ભાડા બાબતે ત્રણ વ્યકિત પર હુમલો
  • કપડવંજના ભૂતિયામાં ચાલવા બાબતે એક વ્યકિત પર હુમલો

ખેડા જિલ્લામાં મારામારીના બે બનાવો પોલીસ ચોપડે નોંધાયા છે. કઠલાલમાં ટ્રેકટરના ભાડા બાબતની તકરારમાં ઝઘડો થયો છે. જ્યારે કપડવંજના ભુતીયામાં અહીંયાથી કેમ નીકળ્યા તેમ કહી મારામારી કરી છે. આ બન્ને બનાવો સંદર્ભે સ્થાનિક પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ જવા પામી છે.

કઠલાલ શહેરના વણઝારાવાસમાં રહેતા હિંમત મુકાજી વણઝારા ગતરોજ સાંજના સમયે પોતાના ઘરે હતા. આ સમયે ગામમાં રહેતા રણજીત વણઝારા, રાજુ વણઝારા, ઉમેશ વણઝારા અને કિરણ વણઝારાએ ટ્રેકટરના ભાડા બાબતે હિંમત સાથે ઝઘડો કર્યો હતો. ઝઘડામાં ઉપરોક્ત ચારેય લોકો અપશબ્દો બોલતાં મામલો ઉગ્ર બન્યો હતો. ઉશ્કેરાયેલા ચારેય લોકોએ પાવડો લઈ આવી હિંમત અને તેમના અન્ય બે સંબંધિઓ પર હુમલો કર્યો હતો. સાથે સાથે ધાક ધમકી આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આથી આ અંગે હિંમત વણઝારાએ ઉપરોક્ત ચારેય હુમલાખોરો વિરુદ્ધ કઠલાલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

જ્યારે અન્ય એક બનાવ કપડવંજ પંથકમાં બન્યો છે. આ તાલુકાના સોનારીયા તાબેના ભુતીયા ગામે રહેતા વિજય સોલંકી સાથે ગામમાં રહેતા ગુણવંત સોલંકીએ ઝઘડો કર્યો છે. ગુણવંતે અહીંયાથી કેમ નીકળ્યા તેમ કહી વિજયને અપશબ્દો બોલવા લાગ્યો હતો. આ બોલાચાલી ઉગ્ર બનતાં ગુણવંતનું ઉપરાણું લઈ આવેલા અમૃત સોલંકી અને સુરજબેન સોલંકીએ તેઓની સાથે ઝપાઝપી કરી હતી. આ સમયે વિજય સોલંકી પર ધારીયા વડે હુમલો કરાતાં તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. જે બાદ ઘવાયેલા વિજયને તુરંત સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. આ અંગે કપડવંજ ગ્રામ્ય પોલીસે ઘાયલ વિજય સોલંકીની ફરિયાદના આધારે ઉપરોક્ત હુમલાખોરો વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.

અન્ય સમાચારો પણ છે...